કર્મચારીઓનો લાંબા સમય સુધી પગાર ન કરનાર એજન્સીના સંચાલકોને પગાર ચુકવવા તાકીદ

  • May 18, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલના અહેવાલ બાદ જામ્યુકોના ડીએમસી ભાવેશ જાની આક્રમક મુડમાં: મીટીંગ પહેલા તમામના મોબાઇલ ઓફીસની બહાર રખાયા: રાજકીય આકાઓનો વટ ધરાવનાર એજન્સીના સંચાલકો જો કુણા નહીં પડે તો બ્લેક લીસ્ટ કરાશે તેવી ડીએમસીની સાફ વાત: સંચાલકોને શાનમાં સમજી જવા તાકીદ
કોર્પોરેશનના આઉટસોર્સિંગમાં કામ કરતા કેટલાક કર્મચારીઓને ત્રણથી ચાર મહીના સુધી પગાર ન મળતાં આ અંગે આજકાલે તા.૧૬ના રોજ પાંચમા પેઇજ ઉપર સચીત્ર અહેવાલ આવ્યા બાદ મ્યુ.કમિશનર ડી.એન.મોદી અને ભાવેશ જાની એકશન મોડમાં આવી ગયા છે અને ગઇકાલે આઉટસોર્સિંગ એજન્સીના તમામ સંચાલકોની ડીએમસીએ બંધ બારણે બોલાવીને એવી કડક સુચના આપી છે કે, જો અઠવાડીયામાં કર્મચારીઓનો પગાર નહીં થાય તો હું તે એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકી દઇશ, જો કે આ ચીમકી પછી પણ રાજકીય આકાનું પીઠબળ ધરાવતી બે એજન્સીના સંચાલકો હજુ પણ તોરીલા મીજાજમાં નજરે પડયા હતાં, પરંતુ મ્યુ.કમિશ્નરે કડક હાથે કામ લેવા સુચના આપતા હવે ખરેખર કોર્પોરેશન એકશન મુડમાં આવી ગયું છે.
આ અગાઉ પણ આવી એજન્સીના સંચાલકોને શાનમાં સમજી જવા બોલાવવામાં આવ્યા હતાં, વધતી જતી ફરિયાદ અને કેટલાક રાજકીય લોકો અને ખુદ મહાપાલિકાના સ્ટાફની પણ સંડોવણી બહાર આવતાં મ્યુ.કમિશ્નર ચોંકી ઉઠયા છે, ફરજ બજાવતાં એકાદ-બે અધિકારી પણ આ એજન્સીમાં ભાગ ધરાવતા હોવાની ગુપ્ત માહિતી બહાર આવી રહી છે, ડીએમસી ભાવેશ જાનીને તમામ સંચાલકોને કહ્યું હતું કે, હવે બહુ થયું, જો તમે પગાર નહીં ચુકવો તો કોઇની પણ સેહ, શરમ કે ભલામણ રાખ્યા વિના તમોને બ્લેક લીસ્ટ કરી દઇશું, આ બાબતે મારે તમા‚ કાંઇ સાંભળવું નથી.
ગઇકાલે મીટીંગ પહેલા ડીએમસીએ કડક સુચના આપી કે, જે તે સંચાલકો મારી ચેમ્બરમાં આવે તેમના મોબાઇલ પણ બહાર જમા કરાવી દેવા, કોઇપણની સાથે હું વાત કરવા માગતો નથી, કર્મચારીનું હીત જળવાય તે માટે જે પ્રમાણે તેમોને અગાઉ સુચના અપાઇ છે તેનું કેમ મનાતું નથી, ખાસ કરીને અમીધારા ઇન્ફોટેક નામની પેઢી સામે ફરિયાદ છે અને આ પેઢી મોટુ રાજકીય પીઠબળ ધરાવતી હોય તેને હજુ પણ રાજકીય પાવર છે તેથી કર્મચારીઓનો પગાર થતાં નથી તેવી ચોંકાવનારી વાતો બહાર આવી છે.
આઉટસોર્સિંગ કંપનીઓમાં બંસી એન્ટરપ્રાઇઝ, એસ્કોટ સિકયુરીટી સર્વિસ, જામનગર સફાઇ કામદાર સમાજ ઔદ્યોગિક મંડળી, ટવીન્કલ હાઉસ એન્ડ કીપીંગ સહિતની એજન્સીઓ કોર્પોરેશનમાં કામ કરે છે, કર્મચારીઓના પીએફ મનફાવે તે રીતે કાપવા, પુરતો પગાર ન કરવો આ બધી ફરિયાદો આવી છે ત્યારે હવે મ્યુ.કમિશ્નર કડક થયા છે ત્યારે કર્મચારીઓનું ચોકકસ પણે કલ્યાણ થાય તેવો ઘાટ ઘડાયો છે.
**
રાજકીય વગ ધરાવતી એજન્સીઓ સામે પગલા લેતા તંત્ર કેમ ખચકાય છે ?
જામનગર મહાપાલિકામાં આઉટસોર્સિંગથી કર્મચારીઓ સપ્લાય કરતી બે થી ત્રણ એજન્સીઓ રાજકીય રીતે મોટુ પીઠબળ ધરાવે છે તેવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે, અગાઉ પણ ડીએમસીની સુચનાનો ઉલાળીયો કરીને કર્મચારીઓના પગાર કર્યા નથી, ત્રણથી ચાર મહીના સુધી પગાર ન થાય તો નાના-નાના કર્મચારીઓ પોતાનું ઘર કેમ ચલાવે ? તે એક મોટો પ્રશ્ર્ન છે શું આ વાતને સંચાલકોને ખબર નથી ? જયારે-જયારે આવી કંપનીઓને નોટીસ આપવામાં આવે છે ત્યારે રાજકીય આકાઓ ઉપરાણું લઇને આ મામલો થાળે પાડવા તનતોડ મહેનત કરે છે, ગઇકાલે મ્યુ.કમિશ્નર દિનેશ મોદીએ કડક સુચના આપીને કોઇપણ રાજકીય કે અન્ય વગ ધરાવતી કંપની હોય તો પણ તેમની સામે કડક પગલા લેવા અને કોઇની સેહ, શરમ રાખવી નહીં ત્યારે હવે ડીએમસી પણ કડક બન્યા છે અને ગઇકાલે જો પગાર નહીં કરો તો બ્લેકલીસ્ટમાં મુકી દઇશું તેવી સ્પષ્ટ વાત કરતા આઉટસોર્સિંગ કંપનીઓના સંચાલકો ઢીલા પડયા છે, હજુ પણ એકાદ-બે કંપનીના સંચાલકો રાજકીય પાવર હોય લડી લેવાના મુડમાં છે ત્યારે મ્યુ.કમિશ્નર પણ આ મુદે નમતું જોખશે નહીં તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application