જામનગરમાં પુનઃ ચારેકોર કૂતરાઓનો અનહદ ત્રાસ

  • December 05, 2024 11:41 AM 

માત્ર એક વર્ષમાં જ બાર હજારથી વધુ લોકો ડોગ બાઇટનો બન્યા શિકાર: રાત્રીનાં સમયે અમુક વિસ્તારમાં તો ટુ વ્હીલર પર નીકળવુ અશકય જેવુ બની ગયુ છે: ખસીકરણનું નાટક પૂર્ણ થઇ ગયુ



જામનગર શહેરમાં ચારેકોર ગલીગલીમાં અને મુખ્ય માર્ગો પર કૂતરાઓનો અનહદ ત્રાસ ફરી પ્રજા માટે ત્રાસદાયક બન્યો છે. છેલ્લા એક વર્ષમાં જ બાર હજારથી વધુ લોકો ડોગ બાઇટનો શિકાર બન્યા છે એ બાબત અત્યંત ગંભીર છે, આ પહેલા પણ કૂતરાઓના ત્રાસને લઇને લોકોમાં દેકારો બોલ્યો હતો તંત્રએ ખસીકરણનું નાટક ભજવ્યુ હતું, જો કે ત્રાસમાં કોઇ સુધારો આવ્યો નહોતો અને હવે કૂતરાઓની સંખ્યા બમણી થઇ ગઇ હોય એ રીતે કૂતરાઓના ઝુંડના ઝુંડ જોવા મળી રહ્યા છે. શાળાએ જતા બાળકો, વૃદ્ધો, ઘરથી બહાર નીકળવા માટે રીતસર ફફળતા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજના સમયે બાળકોને ઘરની બહાર કાઢવાને લઇને પણ વાલીઓમાં ચિંતા છે.


જામનગરમાં ડોગ બાઇટ મોટો ત્રાસ બનતો જાય છે દર મહિનામાં અંદાજે 25 ટકા જેવો વધારો થાય છે. નવેમ્બર 2023થી નવેમ્બર 2024 સુધી જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલના ડોગ બાઇટના 12336 કેસ નોંધાયેલા છે. ગયા ત્રણ મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 763, ઓકટોબરમાં 1003, તેમજ નવેમ્બરમાં 1247 ડોગ બાઇટના કેસોના આંકડામાં ચિંતાજનક વધારો થયો છે.


હાલત એવી છે કે કુતરાઓના ત્રાસથી વાલીઓ પોતાના બાળકોને રમવા માટે ઘરેથી બારે મોકલવામાં પણ ડર લાગે છે. જે માણસ સ્પીડથી વાહન હાંકીને જઇ રહ્યો હોય તેને પણ કુતરાઓ કરડે છે માત્ર  શેરીઓમાં જ નહીં પરંતુ મેઇન રસ્તા પર પણ કુતરાઓનો ખુબ જ આતંક હોય છે, માત્ર જામનગર શહેરની હાલત એવી છે કે અંદાજે દરરોજ ઓછામાં ઓછા 50 દર્દીઓ ડોગ બાઇટના ભોગ બને છે.


અગાઉ ડોગ બાઇટ માટે 14 ઇન્જેકશન લગાડવામાં આવતા હવે ત્રણ કેટેગરીમાં વધુ ચાર એઆરવી ઇન્જેકશન લાગે છે તે હડકવા કૂતરાએ બાઇટ કર્યું હોય તો વધુ એક એ.આર.એસ. પાંચ ઇન્જેકશન લાગે છે સ્થિતિ એવી છે કે દુરના વિસ્તારમાં કોઇને હડકવા કૂતરાએ બાઇટ કરી લીધો હોય તો તેને ન તો કોઇ ખાનગી હોસ્પિટલમાં લાગી શકે છે અને ન તો જી.જી. હોસ્પિટલ સિવાય અને કોઇ સરકારી હોસ્પિટલમાં ઇન્જેકશન લાગી શકે છે.


મેડીકલ રીતે ડોગ બાઇટને શ્રેણીમાં વિભાજીત કરેલ છે. પ્રથમ શ્રેણીમાં એવા દર્દી આવે છે જેને કૂતરાએ સ્ક્રેચ માયર્િ હોય એને બે ઇન્જેકશન લગાવવામાં આવે છે બીજી શ્રેણીમાં એવા દર્દીઓ આવે છે જેને નોર્મલ કુતરાએ બાઇટ કર્યુ હોય એને ચાર ઇન્જેકશન લગાવવામાં આવે છે. ત્રીજી શ્રેણીમાં હડકવા કૂતરાએ બટકુ ભર્યુ હોય, ચાર સહિત વધુ એક એકસ્ટ્રા ઇન્જેકશન લગાવવામાં આવે છે.


ડોગ બાઇટના કાયમી વધતા કેસને જોઇને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ડોગ બાઇટ માટે એક અલગ વોર્ડ જ બનાવી દેવામાં આવ્યો છે જેનું નામ એ.આર.વી. કલીનીક છે.


આમ તો શહેરની તમામ ગલીઓમાં મુખ્ય માર્ગો પર કૂતરાઓનો ત્રાસ છે ખાસ કરીને અમુક વિસ્તાર તો એવા છે કે જયાં રાત્રીનાં સમયે ટુ વ્હીલર પર નીકળવું અસંભવ જેવું બની જાય છે. લોકો આ ત્રાસમાંથી મુકિત ઇચ્છી રહ્યા છે, કારણકે બાળકો અને વૃદ્ધો અસુરક્ષિત છે.


ખસીકરણમાં પણ કૌભાંડ થયું: આ રહ્યા પુરાવા...

જામનગર શહેરમાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો હતો અને મીડીયા દ્વારા સત્ય હકીકતો સામે લાવવામાં આવ્યા બાદ મહાનગરપાલિકા તરફથી ખસીકરણ અભિયાન શ કરેલુ હતું પરંતુ હવે જયારે આ ખસીકરણને છ આઠ મહિનાનો સમય થઇ ગયો છે ત્યારે એવો ભાંડો ફૂટયો છે કે જેમાં ખસીકરણમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું શરમજનક ચિત્ર ઉપસે છે.
પંચવટી ગૌશાળા વિસ્તાર, કચ્છ ભાનુશાળી સમાજની બોર્ડિંગ પાસે આઠેક માસ પહેલા કૂતરાઓનો અનહદ ત્રાસ હોવાથી લતાવાળાઓની ફરિયાદ પરથી બે કૂતરી, બે કૂતરાઓને પકડીને ખસીકરણ માટે લઇ જવામાં આવ્યા હતા. ચારેક દિવસ પછી આ કૂતરાઓને પુન: ત્યાં છોડી દેવામાં આવ્યા હતા. આઠ મહિના બાદ હાલમાં જ ખસીકરણ માટે લઇ જવામાં આવેલ બે કૂતરીઓએ ફરી 13 જેટલા બચ્ચાઓને જન્મ આપ્યો છે અને તેના પુરાવા હાલમાં મોજુદ છે, ખસીકરણ માટે લઇ જવામાં આવેલી બન્ને કૂતરીઓ મોજુદ છે ત્યારે જોવાનુ એ છે કે આ રીતે ખસીકરણના કરાયેલા નાટક અને તેના માટે કૂતરા દીઠ ચુકવવામાં આવેલા પૈસા શું મહાનગરપાલિકા ખસીકરણ કરનાર કોન્ટ્રાકટર પાસેથી પાછા મેળવશે કે નહિ...?

ખસીકરણ થઇ ગયા બાદ કૂતરાઓની સંખ્યામાં વધારો થયો એ બાબત ખરેખર આર્શ્ર્યજનક છે કારણકે મહાનગરપાલિકા પ્રત્યેક કૂતરા માટે ખસીકરણની ચોકકસ રકમ ચુકવતી હતી, આ કિસ્સા પરથી એવુ સ્પષ્ટ થાય છે કે કહેવાતું ખસીકરણ માત્ર કાગળ પર જ થયુ હતું અને કૂતરાનાં નામે બોટીઓ ખાઇ લેવામાં આવી છે. આ કૌભાંડ અંગે તપાસ થવી જોઇએ, વિરોધ પક્ષ દ્વારા આ મુદા ઉપર પણ ભાઇ-ભાઇ નીતિ અપનાવી લેવામાં આવે છે કે પછી વિરોધ કરવામાં આવે છે કે નહીં તે જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application