સૌરાષ્ટ્રના ચાર શહેરોમાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રનો યુનિવર્સિટીએ કર્યો પ્રારંભ

  • March 20, 2025 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદ્યાર્થીઓને તેમના નાના કામ માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો ધક્કો ખાવો ન પડે તે માટે યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રમાં અલગ અલગ ચાર શહેરોમાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રનો પ્રારંભ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમરેલીમાં કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ, જામનગરમાં ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, મોરબીમાં શ્રીમતી જીજે શેઠ કોમર્સ કોલેજ અને સુરેન્દ્રનગરમાં સી યુ શાહ સાયન્સ એન્ડ આર્ટસ -કોમર્સ મહિલા કોલેજ ખાતે આવા વિદ્યાર્થી સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

આવા સહાયતા કેન્દ્રોમાં વિદ્યાર્થીને માર્કશીટમાં સુધારો ટ્રાન્સક્રીપ્ટ માર્કશીટ વેરિફિકેશન ટ્રાયલ સર્ટિફિકેટ જેવી પરીક્ષા વિભાગની જુદી જુદી સુવિધાઓનો લાભ મળી શકશે તેમ કુલપતિએ જણાવ્યું હતું.

વિદ્યાર્થી સહાયતા કેન્દ્રો શરૂ કરતાં પહેલાં કુલપતિએ પરીક્ષા વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી અને તેમાં આ સંદર્ભે પ્લાનિંગ ફાઇનલ કર્યા પછી જાહેરાત કરી હતી. આ બેઠકમાં કુલ સચિવ ડોક્ટર રમેશભાઈ પરમાર ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષભાઈ શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયના કારણે યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગના જિલ્લાઓમાં આ વ્યવસ્થા થઈ ગઈ છે અને તેના કારણે હવે વિદ્યાર્થીઓને પોતાના કામ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સુધી ધક્કો ખાવાનો નહીં રહે અને સ્થાનિક કક્ષાએ જ આવા કામ થઈ શકશે. રાજકોટના વિદ્યાર્થીઓ માટે આવા કામ માટે યુનિવર્સિટીએ જવું પડશે. વિદ્યાર્થીઓનો સમય શક્તિ અને નાણાં બચશે અને જિલ્લા કક્ષાએ પરીક્ષાની કામગીરી માટે સુવિધા મળશે.

આગામી તારીખ 27 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદી જુદી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બરાબર તેવા સમયે જ આ પ્રકારની વ્યવસ્થાથી પરીક્ષાની કામગીરીમાં પણ સુગમતા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application