રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપતા આ ભવ્ય મેળાનું આયોજન સેવા દેખાવ નહીં, પરંતુ સ્વભાવ બને તેવા આશય સાથે અમદાવાદ ખાતે 23થી 26 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજિત જનસભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મુકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાનું કામ આ મેળાથી થયું છે, હિન્દુ ધર્મના સંસ્કારો, પરંપરા અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનનું કામ રાષ્ટ્રીય સંઘ અને અન્ય સંસ્થાઓએ મળીને અહીં કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતના પ્રાણ પ્રશ્નો અને વર્ષોથી નિલંબિત સમસ્યાઓનું સમાધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષમાં આવ્યું છે. આ સંદર્ભે તેમણે કલમ 370, રામ મંદિરે પુન:નિર્માણ, યુનિફોર્મ સિવિલ કોડ, ત્રીપલ તલાક, નાગરિકતા કાનૂન વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. આ મેળામાં રાણી અહલ્યાબાઈ હોલકરના જીવન કાર્યોને પ્રદર્શિત કરતા સ્ટોલનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અત્યાચાર અને વિધ્વંશના ઘોર અંધકારમાં અહલ્યાબાઇ હોલકર સર્જન અને સંરક્ષણના પ્રકાશકુંજ સમાન હતા. ૨૦૦થી વધુ ધ્વસ્ત મંદિરોના પુનઃ નિર્માણ કરવાનું મહાન કાર્ય તેમણે કર્યું હતું. શૈવ, વૈષ્ણવ અને શાક્ત ધર્મસ્થાનોની પુન:સ્થાપનાનું કાર્ય અહલ્યાબાઈએ કર્યું હતું.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાનું મહાત્મ્ય સમજાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મહાકુંભ મેળો સમરસતા અને એકતાનો સંદેશ આપે છે. નાત, જાત, સમુદાયના બાધ વિના સૌના ભોજન અને આરામની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન સૌના સાથ અને સહકારથી પાર પડી રહ્યું છે. પ્રયાગરાજ મહાકુંભમાં સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા રામસેતુમાં ખિસકોલીની મદદ સમાન છે. ભારતમાં મુઘલ, અંગ્રેજોના શાસન અને વિપરીત રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે પણ કુંભ મેળાની પરંપરા હજારો વર્ષોથી જીવંત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મહાકુંભની વિશ્વ ખ્યાતિ અંગે જણાવતા મંત્રીએ કહ્યું કે, દેશ અને વિદેશમાંથી અંદાજિત 40 કરોડથી વધુ લોકો મહાકુંભનો લાભ લેવાના છે. વિદેશના દૂતો, એમ્બેસેડર્સ મળીને કુંભ મેળાના આયોજન અંગે સુખદ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, પ્રયાગરાજનો કુંભ મેળો સૌ માટે પુણ્ય જાગૃત કરવાનો અવસર બન્યો છે, ત્યારે મહાકુંભનો સૌ ભારતીયોએ અવશ્ય લાભ લેવો જોઇએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ, ધર્મ પરાયણતા અને સેવા સૌહાર્દના પાયા પર વિકસી છે. વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવમાં માનનારી આ સંસ્કૃતિ છે. આપણા વેદ પુરાણ, ધર્મગ્રંથો-ઇતિહાસ બધામાં આ પવિત્ર ભાવ સમાહિત છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓ કાળક્રમે વિલિન થઈ પણ આપણી સંસ્કૃતિ અખંડ રહીને ટકી રહી છે. એટલું જ નહીં એનું પુનઃ જાગરણ, જતન અને સંવર્ધન પણ થતું રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, વન તથા વન્યજીવ સંરક્ષણ, જીવ સૃષ્ટિ સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માન અને નારી સંરક્ષણ, રાષ્ટ્ર ભક્તિ જાગરણ, આવા છ મૂળભૂત સિદ્ધાંતો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનું કામ પણ આ હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર દ્વારા થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીએ મેળામાં ઇનિશીયેટીવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેનિગ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણ, માતા-પિતા-વડિલો તથા કન્યા- મહિલાઓ પ્રત્યે આદર ભાવના કેળવવાને પ્રાધાન્ય આપીને દેશની ભાવિ પેઢીને ઘડવાનું મહત્વનું કામ અહીં થશે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતમાં સદીઓથી સૂર્યદેવને ઉર્જાના સ્રોત માનીને આરાધના થતી આવી છે, આ જ સૂર્ય ઉર્જા દ્વારા સમગ્ર વિશ્વને આદરણીય નરેન્દ્રભાઇએ “વન અર્થ, વન સન, વન ગ્રીડ” ના મંત્ર સાથે ઉર્જા સુરક્ષાનો માર્ગ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયાસોને કારણે આપણા યોગ અને આયુર્વેદને વિશ્વભરના લોકો અપનાવતા થયા છે. વડાપ્રધાને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવીને જીવન જીવવાની ભારતીય સંસ્કૃતિની શૈલી – મિશન લાઇફ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે.
આ મેળાના માધ્યમથી વધુને વધુ લોકો સંસ્કૃતિ, સેવા અને આધ્યાત્મિક નવચેતનાના કાર્યમાં જોડાશે તો આપણે આજની અને આવનારી પેઢીમાં સંસ્કાર સિંચનથી સુસંસ્કૃત સમાજ દ્વારા વિકસિત ભારત @ ૨૦૪૭નું નિર્માણ કરી શકીશું એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભે તેમણે કહ્યું કે, આ મેળો વિવિધ સાંસ્કૃતિક આધ્યાત્મિક સંગઠનોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકહિત કામોને ઉજાગર કરે છે. અધ્યોધ્યાપુરમ પરિસર ખાતે આવી ૨૫૦થી વધુ સંસ્થાના સ્ટોલની મુલાકાત લઇને, નિષ્કામ સેવાર્થીઓની સેવાને, તેમના પ્રયત્નોને જાણો એવો અનુરોધ તેમણે શહેરીજનોને કર્યો હતો.
મુખ્યમંત્રીએ રામ મંદિર પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા અને પ્રયાગરાજમાં મહાકુંભના આયોજન સાથે અમદાવાદમાં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાને ત્રીજો મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, ભારતની પુણ્યભૂમિ દેવતાઓની સંતોની અને સંન્યાસીઓની ભૂમિ છે, ત્યાગ અને સમર્પણનો સંદેશો આપવા વાળી આ ભૂમિ વિશ્વને પ્રેરણા આપી રહી છે. જોશીજીએ ઉમેર્યું હતું કે, હિન્દુ ધર્મનો આધાર વિચાર, જીવનશૈલી અને જીવન મૂલ્યો પર છે. હિન્દુ ધર્મનું કેન્દ્રબિંદુ માનવતા કર્તવ્યતા સહકાર, સત્યતા અને ન્યાય છે. ધર્મમાં આધ્યાત્મિકતા સાથે સાધના છે, આ પવિત્રભૂમિની રક્ષા કરવાનું કામ અનેક મહાપુરુષો અજ્ઞાત રહીને કરી રહ્યા છે.
ભૈયાજીએ ઉમેર્યું હતું કે, વસુધૈવ કુટુમ્બકમની ભાવના જ ભારતની ઓળખ છે. તેમણે ઉમેર્યું હતું કે, હિન્દુ સમાજ સંહારક નહીં પરંતુ સંરક્ષક છે. હિન્દુ સમાજના આધ્યાત્મિક સેવા મેળામાં હિન્દુ મૂલ્યના દર્શન થઈ રહ્યા છે. સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ધર્મ એટલે કર્તવ્ય પરાયણતા જેમાં સમાજ, કુટુંબ, રાષ્ટ્ર અને વિશ્વ પ્રત્યે ઉત્તરદાયિત્વ નિભાવવું. તેમણે જણાવ્યું હતું કે વસુધૈવ કુટુમ્બકમની ભાવના ભારતના પ્રત્યેક નાગરિકમાં છે. સમાજમાં આ પ્રકારના સેવા મેળા થકી હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાના દર્શન થાય છે. એચ.એસ.એસ.એફ દ્વારા અમદાવાદ ખાતે આયોજીત આ સંસ્કારોત્સવમાં ૨૫૦થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ૧૧ કુંડી સામાજિક સમરસતા યજ્ઞ, ૧૧થી વધુ મંદિરોના જીવંત દર્શન ૧૫થી વધુ પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ, વનવાસી ગામ, ગંગા આરતી કુંભ મેળાના દર્શન અને ઈસરો- એનસીસી સંસ્થા દ્વારા ખાસ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું.
આ મેળામાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંયોજક ગુણવંતસિંહ કોઠારી, સ્વામી લલિત કિશોરદાસ મહારાજ, માધવપ્રિયદાસજી મહારાજ, ભાગેશ જહા, ઉપરાંત હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના પદાધિકારીઓ, કાર્યકરો, સાધુ-સંતો, મહંતો, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech