પડધરીના હરિપર ખારી ગામે વાડીએ દારૂના જથ્થા સાથે બે શખસ ઝડપાયા

  • March 26, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરી તાલુકાના હરીપર ખારી ગામની સીમમાં આવેલી વાડીએથી ૮૭ બોટલ દારૂના જથ્થા સાથે અહીં વાડીની દેખરેખ રાખનાર બે શખસોને પડધરી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા ૩૬,૫૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.જે.ઝાલાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ ડેરૈયા, વિજયભાઈ દાફડા, વિનોદભાઈ વેગડ તથા કોન્સ્ટેબલ દાદભાઈ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એવી બાતમી મળી હતી કે, હરીપર ખારી ગામે આજી નદીના કિનારે આવેલ દિપક ભાનુભાઈ બાબરીયાની વાડીએ દેખરેખ રાખનાર વીરભદ્રસિંહ જાડેજા અને મુકેશ સિંધવે અહીં દારૂનો જથ્થો ઉતાર્યો છે અને તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડી વાડીમાં આવેલા મકાનમાં તપાસ કરતાં અહીંથી અલગ-અલગ બ્રાન્ડનો ૮૭ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા(ઉ.વ ૨૭ રહે. ખાખડાબેલા તા. પડધરી) અને મુકેશ ખીમજીભાઇ સિંધવ(ઉ.વ ૪૦ રહે. હરીપર ખારી તા. પડધરી) ને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૩૬,૫૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ફ. આઇ.પી.સી કલમ- ૩૨૬, ૩૨૫, ૫૦૪, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્વનોઇ રહે.ખારીયા મીઠાપુર તા.બિલાડા જી.જોધપુર રાજસ્થાનવાળો હાલે સુરત જિલ્લ ાના કોસંબા પાસે નેશનલ હાઇવે ઉપર આવેલ નગીના હોટલ ખાતે આવેલ હોવાની ચોક્કસ બાતમી મળતા જે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે કોસંબા પાસે નેશનલ હાઇવે ઉપર આવેલ નગીના હોટલ ખાતે જઇ તપાસ કરતા આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્વનોઇ/સારણ ઉ.વ.૪૨ રહે.ખારીયા મીઠાપુર તા.બિલાડા જી.જોધપુર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને નગીના હોટલ ખાતેથી હસ્તગત કરી તપાસ અર્થે મોરબી લાવી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application