જામનગર અને જામજોધપુર પંથકમાં રસ્તે રઝળતા પશુ અને જંગલી પ્રાણીના કારણે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા

  • March 13, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક વાલસુરામાં રહેતા નેવી ના એક કર્મચારીને નિલ ગાય એ પેટમાં ઢીંક મારતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ: જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રીક્ષા ની આડે કૂતરું ઉતરતાં  રીક્ષા પલટી મારી ગયા પછી યુવાન નો ભોગ લેવાયો

જામનગર માં તેમજ જામજોધપુરના ભોજાબેડી ગામમાં પશુ અને જંગલી પ્રાણીના કારણે બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેવી વાલસુરામાં રહેતા એક કર્મચારીને નીલગાય એ પેટના ભાગે ઢીંક મારી દેતાં ગંભીર ઇજા થવાથી નેવીના કર્મચારીનું મૃત્યુ નીપજયું છે. જયારે જામજોધપુરના ભોજાબેડી ગામ પાસે એક રીક્ષા ની આડે કૂતરું ઉતરતાં રીક્ષા પલટી મારી ગયા પછી અંદર બેઠેલા યુવાનનું ઇજાગ્રસ્ત બની જવાથી મૃત્યુ નીપજયું છે.
જંગલી પશુના કારણે મૃત્યુનો પ્રથમ બનાવ જામનગર નજીક નેવી વાલસુરામાં બન્યો હતો. જયાં રહેતા હરશીય પ્રસન્નાના નામના ૨૩ વર્ષના નેવીના કર્મચારીને ગઈકાલે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં નેવીના એરિયામાં એક નીલ ગાયએ પેટના ભાગે ઢીંક મારી દેતાં તેને પેટમાં અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે તેની સાથે જ નેવીના એરિયામાં ફરજ બજાવતા નેવી ના કર્મચારી મધુરેશકુમાર અમર પાંડે એ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી. ઝાલા નેવી ના એરિયામાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક નેવી ના કર્મચારી નો પરિવાર અન્ય રાજ્યમાં રહેતો હોવાથી તેઓને જાણ કરીને જામનગર બોલાવી લેવાયા છે.
પશુના કારણે માનવ મૃત્યુ નો બીજો બનાવ જામજોધપુર પંથકમાં બન્યો હતો. જામજોધપુર તાલુકાના શેઠ વડાલા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો ધનજીભાઈ ઉર્ફે ચિરાગ કરસનભાઈ ચાવડા નામનો ૩૦ વર્ષનો યુવાન ગઈકાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં રીક્ષા માં બેસીને શેઠ વડાળા થી ભોજાબેડી ગામ તરફ જઈ રહ્યો હતો.
જે દરમિયાન  ભોજાબેડી ગામના પાટીયા પાસે બાઇકની આડે  કૂતરું ઉતરતાં રીક્ષા પલટી મારી જવાથી રિક્ષામાં બેઠેલા ધનજીભાઈ નું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કેતનભાઇ કરસનભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ. એચ જાડેજા એ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application