રેન્જરોવર કાર, ટ્રેકટર અને બોલેરો વચ્ચે અકસ્માત : ટ્રેકટરના બે કટકા થયા
જામનગર-ખંભાળીયા હાઇવે નાઘેડી પાટીયા પાસે ગઇકાલે બપોરે રેન્જરોવર કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતા બોલેરો પણ હડફેટે ચડી હતી આમ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યકિતને ઇજા પહોચી હતી, અકસ્માતમાં ટ્રેકટરના બે કટકા થઇ ગયા હતા અને થોડે દુર સુધી વાહનો ઢસડાયા હતા તેમજ વિજપોલમાં પણ નુકશાન થયુ હતું, અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામ પણ સર્જાયો હતો આ બનાવ અંગે રેન્જરોવર ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર નજીક ઠેબા ગામના આંબેડકરવાસમાં રહેતા અભ્યાસ કરતા કૌશિક અશોકભાઇ મકવાણા (ઉ.વ.૨૧) એ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં રેન્જ રોવર ફોરવ્હીલ ગાડી નં. એમએચ૪૩-સીએ-૨૦૧૬ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
ફરીયાદની વિગત અનુસાર ઇજા પામનાર ધીરજ ગોવિંદભાઇ મકવાણા ગઇકાલે બપોરના સવા બે વાગાના સુમારે તેમનું ટ્રેકટર ટ્રોલી નં. જીજે૩૩બી-૯૬૨૬ લઇને જામનગર ખંભાળીયા હાઇવે નાઘેડી નજીક ગ્રીનવીલા સોસાયટીની બાજુમાથી પસાર થઇ રહયા હતા તે દરમ્યાન ટ્રોલીની પાછળની બાજુમાં રેન્જરોવર ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી જીંદગી જોખમાય એ રીતે હંકારીને ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં ટ્રેકટર ટ્રોલી પલ્ટી મારી ગઇ હતી અને ટ્રેકટર ચાલકને ફેફસા તથા સ્પાઇનમાં ગંભીર ઇજા પહોચી હતી, રેન્જ રોવર કારની ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલ એક વ્યકિતને ઇજા પહોચી હતી, દરમ્યાન ત્યા આગળ રોડ પર જતા સાહેદના બોલેરો કેમ્પર નં. જીજે૧૦ટીવાય-૦૦૭૧માં રેન્જ રોવરના ચાલકે ઠોકર મારી નુકશાન પહોચાડયુ હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે રેન્જ રોવર કારમાં પણ નુકશાન પહોચ્યુ હતું.
ત્રિપલ અકસ્માત થતા થોડો સમય ટ્રાફિક જામ થયો હતો, આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને જોરદાર ટકકરના કારણે ટ્રેકટરના બે કટકા થઇ ગયા હતા તેમજ અકસ્માતમાં ઇજા પામેલ બે વ્યકિતને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.