ખંભાળિયામાં પ્રૌઢ સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા બધડાટી

  • April 12, 2025 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એટ્રોસિટીની ફરિયાદ: સામાપક્ષે પણ બે શખ્સો સામે ગુનો



ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરૂતળાવ ખાતે રહેતા શીતલબેન શૈલેષભાઈ મોહનભાઈ વાઢેર નામના 40 વર્ષના મહિલાના સસરા સાથે તેમના ઘરની સામે રહેતા ભરત સામરાભાઈ ધારાણી અને હિતેશ સામરાભાઈ ધારાણીને રોડ પર ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બનાવને અનુલક્ષીને ફરિયાદી શીતલબેન તેમના ઘરે હતા, ત્યારે ઉપરોક્ત આરોપી ભરત ધારાણી એ તેમના ઘરની ડેલીમાં પથ્થરના ઘા મારી અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. આ શખ્સ કથિત રીતે નશાની હાલતમાં હોવાનું શીતલબેનએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. 


આ પ્રકરણમાં આરોપી ભરત અને હિતેશે ગાળાગાળી કરી, શીતલબેનના ઘરના ડેલામાં પથ્થરના ઘા કરી, તેમજ સસરાના મકાનની બારીના કાચને પથ્થર વડે તોડી, નુકસાની કર્યાની તેમજ તેઓને જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે એટ્રોસિટી તેમજ બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા હાથ ધરવામાં આવી છે. 

સામા પક્ષે ભરત સામરાભાઈ ધારાણી (ઉ.વ. 25) એ શૈલેષ મોહનલાલ વાઢેર અને કિશન સોમાભાઈ ગંગેરા સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી ભરતભાઈ તેમજ આરોપીને અગાઉના ઝઘડાના મનદુઃખના કારણે પોતાના ઘરે જતી વખતે તેમને લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, ફેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તેમજ લાકડાના ધોકા વડે બેફામ માર મારી ઇજાઓ કર્યાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગેની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા ચલાવી રહ્યા છે.


શક્તિનગરના પ્રૌઢાને, રૂપામોરાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો


ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શરૂતળાવ નજીક રહેતા જમનાબેન ગોપાલભાઈ રામજીભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ મહિલાને ગત તારીખ 11 ના રોજ હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય એક બનાવમાં ભાણવડ તાબેના રૂપામોરા વિસ્તારમાં રહેતા વશરામભાઈ અરશીભાઈ નનેરા નામના 71 વર્ષના સગર વૃધ્ધનું પોતાના ઘરે સવારના સમયે હાર્ટએટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની જાણ તેમના પરિવારજનોએ સ્થાનિક પોલીસને કરી છે.

ગોરીંજાના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, ધમકી આપતા બે સામે ફરિયાદ

દ્વારકા તાલુકાના ગોરીંજા ગામે રહેતા નાથાભાઈ ઘેલાભાઈ ફફલ નામના 38 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન સાથે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી કરી, દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે રહેતા અજાભા ભીખાભા માણેક અને રાણાભા ભીખાભા માણેક નામના બે શખ્સોએ ફરિયાદી નાથાભાઈને બીભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે બંને શખ્સો સામે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application