પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માતના બે બનાવમાં બેના નિપજ્યા મોત

  • March 26, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માતના બે બનાવમાં બેના મોત નિપજ્યા છે.
જાંબુ ગામ પાસે બનાવ
મૂળ જાંબુગામે વણકરવાસમાં તથા હાલ રાજુલાની અલ્ટ્રાટ્રેક સીમેન્ટ ફેકટરી કોવાયા ગામ ખાતે રહેતા રમેશભાઇ પરમાર દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે તેમના પિતા ભુરાભાઇ જેઠાભાઇ પરમાર ગામના બસસ્ટેશન પાસે બેઠા હતા ત્યારે સ્કુલ બસના ચાલક જગદીશ રામા સોલંકીએ ફૂલસ્પીડે બસ  ચલાવીને ભુરાભાઇને હડફેટે લઇ લીધા હતા આથી તેમને તાત્કાલિક સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાયા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ તેથી સ્કૂલબસના ચાલક જગદીશ સોલંકીએ બેફિકરાઇથી બસ ચલાવીને ભુરાભાઇ પરમારનું મોત નિપજાવ્યાનો ગુન્હો નોંધાવ્યો છે. 
રાતડી -કાંટેલા વચ્ચે બનાવ
કાંટેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા મેઘા સામતભાઇ વિકમા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના ૪૦ વર્ષના દીકરા ભરતનું વાહન અકસ્માતે મોત થયુ છે જેમાં વિગત એવી છે કે ભરત તેનું મોટરસાયકલ લઇને રાતડી- કાંટેલા વચ્ચે નીકળ્યો હતો ત્યારે કાંટેલા ગામેથી રોંગ સાઇડમાં ફૂલસ્પીડે ટ્રેકટર લઇને ચલાવતા વિરમ મસરી કેશવાલાએ ભરતના બાઇકને હડફેટે લઇ લીધુ હતુ અને તેને ગંભીર ઇજા થતા સારવાર માટે  પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લવાયો હતો ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. 
જ્યાં ભરતને સારવાર મળી હતી અને તે ભાનમાં આવી ગયો હતો અને તેણે પિતાને વાત કરી હતી કે તે બાઇક લઇને ઘરે જતો હતો ત્યારે વિરમ કેશવાલાએ રોંગસાઇડમાં ટ્રેકટર ચલાવીને તેને હડફેટે લીધો હતો. ત્યારબાદ અકસ્માત અંગે સમાધાનની ઘરમેળે વાત ચાલતી હતી તેથી ફરિયાદ નોંધાવી ન હતી 
પરંતુ તા. ૨૧-૩ના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભરતનું મોત થયુ હતુ તેથી ટ્રેકટરના ચાલક વિરમ મસરી કેશવાલા સામે બેફિકરાઇથી ટ્રેકટર ચલાવ્યાનો ગુન્હો દાખલ થયો છે. 
વાહનચાલકો સામે પગલા
કુતિયાણાના થેપડા ઝાંપામાં રહેતો જયસુખ રાણા ચૌહાણ નશાની હાલતમાં રીક્ષા લઇ હામદપરા પાટીયા પાસેથી નીકળતા પોલીસે પકડયો હતો. દેગામના મુકેશ મથુર ચાવડા ફૂલસ્પીડે રીક્ષા લઇ બગવદર ચાર રસ્તેથી નીકળતા પોલીસે પકડયો હતો. મંડેરની મોચી શેરીમાં રહેતા બાબુ રાણાવાજાને નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application