રાજકોટ અમદાવાદ હાઈવે પર દારૂ ભરેલી બે કાર ઝડપાઇ

  • May 14, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પોલીસે શહેરની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઈવે પર અલગ અલગ બે દરોડામાં દારૂ ભરેલી બે કાર ઝડપી લીધી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે કુવાડવા પાસે કારમાં 2.89 લાખના દારૂના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે એલસીબી ઝોન-૧ ની ટીમે તરઘડીયા ગામ પાસે અકસ્માતગ્રસ્ત કારના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. બંને દરોડામાં મળી કુલ રૂ. 23.48 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ.કે. મોવાલીયા તથા તેની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમાને મળેલી બાતમીના આધારે કુવાડવા ગામથી રાજકોટ આવતા સેકન્ડ રીંગરોડ પર ચાંદની હોટલ સામે શંકાસ્પદ ક્રેટા કાર અટકાવી હતી. પોલીસે આ કારમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો રૂ.2 89,288 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચોરમાં રહેતા અમરત પુનારામ મેઘવાળ (ઉ.વ 28) અને રાજકોટમાં જામનગર રોડ પર 25 વારીયામાં રહેતા કારા ઉર્ફે કાનો હીરાભાઈ ટોળીયા (ઉ.વ 29) ને ઝડપી લીધો હતો.

પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 13,21,288 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં રાજસ્થાનથી દારૂનો આ જથ્થો ભરી અહીં રાજકોટના બુટલેગરને સપ્લાય કરવાનો હોવાનું માલુમ પડયું હતું. પોલીસે આ બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જ્યારે દારૂના અન્ય દરોડામાં એલસીબી ઝોન-૧ ના પીએસઆઇ બી.વી.ચુડાસમાની રાહબરી હેઠળ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઈ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, તરઘડીયા ચોકડી પાસે રામધામ આશ્રમ નજીક ફોરચ્યુનર કાર નંબર જીજે 36 બી 3636 ને અકસ્માત થયો હોય અને કાર અહીં ઊભી હોય તેમાં દારૂનો જથ્થો છે. જેથી એલસીબી ઝોન-૧ ની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને કાર પાસે ઉભેલા શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ દીક્ષિત મનસુખભાઈ સતાસિયા (ઉ.વ 32 રહે. કામરેજ, સુરત) હોવાનું જણાવ્યું હતું. કાર બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, વાગુદડ પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. રાહદારીની મદદ લઇ કાર અહીં પહોંચાડી હતી. પોલીસે કારમાં સીટ નીચે તપાસ કરતા ચોરખાનું બનાવ્યું હોય જેમાંથી રૂપિયા 27,360 નો દરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 10,27,360 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application