કેશીયા પાસે ટ્રેકટર-કાર વચ્ચે ગોઝારા અકસ્માતમાં બે યુવાનના કરુણ મોત

  • January 21, 2025 01:28 PM 

  ↵

ટ્રેકટર ફગી જતા રોડની વચ્ચે આવી જતા કાર ભટકાઇ : એક યુવાનનું ઘટના અને એક યુવાને સારવારમાં દમ તોડયો 


જોડીયા તાલુકાના તારાણા તરફના રોડ કેશીયા ગામના ઓવરબ્રીજથી થોડે આગળના રસ્તા પર ગઇકાલે સાંજે ૫-૩૦ વાગ્યાના સુમારે ટાંકો બાંધેલુ ટ્રેકટર પસાર થતુ હતું, દરમ્યાન ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર ફગીને રોડની વચ્ચે આવી જતા પસાર થઇ રહેલી કાર ધડાકાભેર અથડાઇ હતી, આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું અને અન્ય એક યુવાનું સારવારમાં લઇ જતા મૃત્યુ થતા આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુનો આંક બે થયો છે, દરમ્યાન ટ્રેકટરના ચાલક સામે જોડીયા પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.


જોડીયા તાલુકાના કેશીયાના જુનુ ગામ ખાતે રહેતા યોગેશ મનસુખભાઇ ગાંભવા નામના યુવાને ગઇકાલે જોડીયા પોલીસ સ્ટેશનમાં ટ્રેકટર નં. આરજે૧૪-આરસી-૯૧૪૦ના ચાલક રાકેશ દેવારામ ખટાણા રે. રાજસ્થાનની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.


ગઇકાલે ફરીયાદીના કાકા રાજેશ ત્રિકુભાઇ ગાંભવા પોતાની હુન્ડાઇ ફોરવ્હીલ કાર નં. જીજે૧૦સીજી-૨૯૩૨ લઇને તેમની નોકરી પુરી કરી કેશીયા ગામેથી તેમના દુધઇ ગામે જતા હતા, ત્યારે કેશીયા ગામના ઓવરબ્રીજથી થોડે આગળના રોડ પર પહોંચતા તેની બાજુમાં પસાર થઇ રહેલા ટ્રેકટરના ચાલક રાકેશે પોતાના હવાલાનું ટ્રેકટર ફુલસ્પીડ અને બેદરકારીથી ચલાવી રોડની સાઇડમાંથી પીાળ કલરના એક ડમ્પરને રોડ પર ચડતો જોઇ પોતે ટ્રેકટરની અચાનક બ્રેક મારતા ટ્રેકટર પરથી સ્ટીયરીંગનો કાબુ ગુમાવી દીધો હતો.

ટ્રેકટર રોડ પર ફગી જતા અને રસ્તાની વચ્ચો વચ્ચ આવી જતા પસાર થઇ રહેલી કાર આ ટ્રેકટર સાથે ભટકાઇ હતી, દરમ્યાન અકસ્માત થતા ટ્રેકટરની પાછળ રહેલો ટાંકો ઉંધો વળી ગયો હતો અને ટ્રેકટરના પંખા પર બેઠેલા મનિષભાઇ આદીવાસી ટાંકાની નીચે દબાઇ જતા ગંભીર ઇજા સબબ તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું તેમજ ફરીયાદીના કાકાની કાર ટ્રેકટર સાથે ભટકાતા અકસ્માતમાં ફરીયાદીના કાકાને શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેમનું પણ મૃત્યુ થયાનું જાણ થતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.


અકસ્માતની જાણ થતા જોડીયાના પીઆઇ રાજપુત સહિતનો સ્ટાફ સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો, ટ્રેકટરના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application