સિકકાથી જામનગર આવતા બનેલો બનાવ : ઘેરા શોકની લાગણી
જામનગર ખંભાળીયા હાઇવે તુલશી એવન્યુ પાર્ટી પ્લોટની સામે ગઇ રાત્રીના વેગનઆર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી કાર પલ્ટી ખવડાવી દેતા તેમનું મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. આ અંગેની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જાહેર થયેલી વિગતોના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગરના સમર્પણ હોસ્પીટલની બાજુ મયુરવીલા સોસાયટી ખાતે રહેતા વેપારી મનોજભાઇ પરસોતમભાઇ કુંડલીયા (ઉ.વ.૫૩) ગઇકાલે રાત્રે પોતાની વગનઆર કાર નં. જીજે૧૦એપી-૭૯૯૮ લઇને સિકકાથી જામનગર તરફ આવતાા હતા.
દરમ્યાન ખંભાળીયા-જામનગર હાઇવે તુલશી એવન્યુ પાર્ટી પ્લોટની સામેના વિસ્તારમાં પહોચતા તેઓએ પોતાની ગાડીના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા અને ગફલત રીતે વાહન ચલાવતા કાર પલ્ટી ખાઇ ગઇ હતી, આ અકસ્માતમાં પોતાને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નિપજયુ હતું.
ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મનોજભાઇ મુળ સિકકાના વતની છે અને હાલ જામનગર રહેતા હોવાનું જાણવા મળ્યું છે, અકસ્માતની જાણ થતા મિત્ર વર્તુળો સહિતના દોડી ગયા હતા, દરમ્યાન આ બનાવ અંગે મયુરવીલા સોસાયટી ખાતે રહેતા આકાશ પ્રફુલભાઇ કુંડલીયા નામના વેપારીએ સીટી-સી ડીવીઝનમાં કાર પલ્ટી ખાતા મનોજભાઇનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયાની જાણ કરી હતી જેના આધારે સીટી-સી ડીવીઝનના પીએસઆઇ ગોહીલ આગળતી તપાસ ચલાવી રહયા છે.