શેરબજારમાં પ્રોફિટ બુકિંગ કરવવા જતા વેપારીએ ૧૨.૪૬ લાખ ગુમાવ્યા

  • March 29, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓયોધ્યા ચોક પાસે સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા વેપારીને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી તેમની સાથે રૂ.૧૨.૪૬ લખાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.


રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોકમાં સિદ્ધિ વિનાયક સોસાયટી શેરી નં.૧૦ માં રહેતાં ભરતભાઈ ચનાભાઈ વાઘેલા (ઉ.વ.૨૮) એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના રાઉકી ગામે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નાયરા પંપની બાજુમાં ઓસન એલ્યુમીનીયમ નામની દુકાન ચલાવે છે. એક વર્ષ પહેલા ઓનલાઈન એન્જલ વનમાં શેરબજાર માટે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવેલ જે બાદથી તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા તેના મોબાઇલ નંબર વોટ્સઅપ પર અલગ અલગ એજન્ટના શેરબજારમાં રોકાણ કરી પૈસા કમાવવા તેવા મેસેજ તથા ફોન આવવાના ચાલુ થયેલા હતા.


ગઇ તા.૦૯/૦૪/૨૦૨૪ ના અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે મેસેજ આવેલ ત્યાર પછી ફોન આવેલ અને તેઓએ પોતાનુ નામ રાહુલ પટેલ જણાવી કહેલ કે, નંબરથી મેસેજ આવેલ અને ગુજરાતીમાં વાત કરેલ કે, મારા કોન્ટેકમાં શેર બજારના સારા એવા ટ્રેડર છે અને તમને ઓછા રોકાણે સારૂ રીટર્ન આપશે, તમને રસ હોય તો ટ્રેડરનો નંબર આપુ તેમ કહીને બે મોબાઈલ નંબર આપેલ હતાં.


ત્યારબાદ તેઓએ ફોન કરી રાહુલ પટેલે તમારો નંબર આપેલ હતો અને તેને તમારી સાથે વાત કરવાનુ કહેલ છે, તેમ કહેતાં સમાવાળાએ તમારૂ આધારકાર્ડ, પાનકાર્ડ મને વોટ્સએપમા મોકલો તેમ જણાવેલ જેથી તેને પાનકાર્ડ, આધાર કાર્ડના ફોટા તેના વોટ્સએપ નંબર ઉપર મોકલેલ હતાં. બાદમાં વોટ્સએપ કોલથી જણાવેલ કે, તમારૂ ડીમેટ એકાઉન્ટ ખુલી ગયેલ છે. તમારૂ ડીમેટ એકાઉન્ટનું હેન્ડલીંગ હુ કરીશ જેથી પ્રોપર બાય તથા એક્ઝીટ કરી શકાય તેમજ સારો એવો પ્રોફીટ થાય તેવું કરી દઇશ. હું તમને જે બેન્ક એકાઉન્ટ નંબર મોકલુ તેમા રૂપીયા ટ્રાન્સફર કરવાના રહેશે. તેમજ કામ કરવાનો જે બ્રોકરેજ ચાર્જ તમારે મને ચુકવવાનો રહેશે તેમ જણાવેલ હતુ.


બાદ તે એક મોબાઇલ ધારકે અલગ અલગ બેન્ક એકાઉન્ટની ડીટેલ વોટ્સએપથી મોકલેલ હતી જેમા નીચે જણાવ્યા મુજબના મારા તથા મારા સંબંધીના બેન્ક એકાઉન્ટમાથી રૂ.૧૨.૪૬ લાખ ટ્રાન્સફર કરી રોકાણ કરેલ હતું. જે રૂપીયાનું વળતર આજ સુધી મળેલ ન હતું અને આરોપીએ મોબાઈલ નંબર પણ બંધ કરી દેતાં અંતે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application