કાલે ફૂલડોલ ઉત્સવ, આજથી જ દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

  • March 13, 2025 05:31 PM 

રસ્તાઓ પર જય રણછોડ, જય દ્વારકાધીશના નાદ:વિદેશી ભક્તો દ્વારકાવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા: ૧૪૦૦ થી વધુ પોલીસ સ્ટાફ ખડેપગે


દ્વારકા પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં પૂનમનું વિશેષ મહત્વ છે, પરંતુ ફાગણી પૂનમનું અનેરું મહત્વ છે. હોળી પર કાળિયા ઠાકરનાં દર્શન કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી ભાવિક ભક્તોનું ઘોડાપૂર દ્વારકા તરફ ઉમટી રહ્યું છે. આ સમયે દ્વારકાનાં માર્ગો પર પગપાળા સંઘોની ભીડ જોવા મળી રહી છે.


દ્વારકામાં પૂનમનું વિશેષ મહત્વ મોક્ષપૂરી દ્વારકામાં પૂનમનું વિશેષ મહત્વ છે અને દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા નિયમિત રીતે દ્વારકા આવતાં હોય છે. ત્યારે હવે હોળીને લઈને દ્વારકામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચતા હોય છે, ત્યારે રસ્તાઓ પર પગપાળા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ ખોલવામાં આવ્યા છે.


આજે હોળી અને કાલે કાન્હાની નગરીમાં ફુલડોલ ઉત્સવ યોજાશે આ અવસરે દેશભરમાંથી કૃષ્ણ ભક્તો દ્વારકા પહોંચી ચુક્યા છે એસપી નીતેશ પાન્ડેયની રાહબરી હેઠળ ૧૪૦૦થી વધુ પોલીસ સ્ટાફ વ્યવસ્થા માટે ગોઠવી દેવામાં આવ્યા છે.


બંદોબસ્ત માટે એક એસપી પાંચ ડીવાયએસપી,૯૦ પીઆઈ અને પીએસઆઇ સાથે ૧૪૦૦થી વધુ પોલીસ સ્ટાફ, હોમ ગાર્ડ,જીઆરડી અને એસઆરડીના  જવાનો તૈનાત રહેશે.શ્રધ્ધાળુઓ કાન્હાના સરળતાથી દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


પોલીસ વિભાગ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે.જે બંદોબસ્તમાં તૈનાત રહેશે જે અશક્ત, વિકલાંગ અને સીનીયર સીટીઝનની મદદ માટે ઉપલબ્ધ રહેશે.ઉતમ સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી મોનેટરીગ કરવામાં આવશે.


હોળી અને ફુલડોલ ઉત્સવ પર્વ દરમિયાન દ્રારકા શહેર જગત મંદિર આસપાસની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સર્વેલન્સ કરવામાં આવશે એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

અડગ શ્રધ્ધાના સહારે ઉલ્ટા પગે, આંખે પાટા બાંધીને શરીર પર વજનદાર સાંકળ સાથે તેમજ પદયાત્રા કરીને કૃષ્ણ સંગ રંગોત્સવ મનાવવા તેમજ આર્શિવાદરૂપી કૃપા પ્રાપ્ત કરવા સેંકડો કૃષ્ણ ભકતો કાન્હાની નગરીમાં પહોંચી ચૂક્યા છે,પહોચી રહ્યા છે તમામ ભક્તજનો માટે, રાજકોટથી લઈને દ્રારકાના પાદર સુધી અનેક સેવાકીય સંસ્થાઓ,મહાકાય કંપનીઓ તેમજ તંત્ર દ્વારા અનેક કેમ્પો ધમધમી રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર દ્વારા ભક્તજનો સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.


ફુલડોલ ઉત્સવ અંતર્ગત શ્રીજી દર્શન સમય મંગળા આરતી સવારે ૬ વાગ્યે,અનોરસ મંદિર બંધ બપોરે એક વાગ્યે,ઉત્સવ આરતી ૧-૩૦ કલાકે,ઉત્સવ દર્શન બપોરે ૧-૩૦ થી ૨-૩૦, ત્યારબાદ ૨.૩૦ થી ૫-૦૦ મંદિર બંધ, સાંજે નિત્યક્રમ રહેશે.


નાતાલની રજા, દિવાળીની રજા, સાતમ આઠમની રજાઓમાં પરિવારજનો સાથે ટુરીસ્ટો પુષ્કળ પ્રમાણમાં આવતા હોવાથી હોટલ અને રેસ્ટોરન્ટોમાં કતારો જોવા મળતી હોય છે, જ્યારે ફુલડોલ ઉત્સવ સમયે દ્રારકાની જુદી જુદી જ્ઞાતિની વાડીઓ, ધાર્મિક સંસ્થાઓની જગ્યાઓ કૃષ્ણ ભક્ત પદયાત્રીઓથી હાઉસફુલ હોય છે.

આ વર્ષે દ્વારકામાં ફુલડોલ ઉત્સવ માણવા વિદેશી ભક્તો પણ મોટા પ્રમાણમાં પ્રયાગરાજ કુંભમેળામાં ભારતીય સંસ્કૃતિને પ્રયત્ક્ષ નિહાળી અને ગંગામાં શ્રધ્ધાની ડૂબકી લગાવી ફુલડોલ ઉત્સવ જાણવા,માણવા દ્વારકાની શેરીઓમાં,ગોમતી ઘાટે જોવા મળી રહ્યા છે.જે દ્રારકાવાસીઓનુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોનો કાળીયા ઠાકોર સંગ ફૂલડોલ ઉત્સવ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ મંદિરના નીજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાનની સન્મુખ આરતીમાં શૃંગાર આરતી અને સાંજે સંધ્યા આરતીમા ભગવાન દ્વારકાધીશની હજારો ભાવિકોની ઉપસ્થિતિમા અબીલ ગુલાલની છોળો સાથે ફુલડોલ ઉત્સવ વધાવવામા આવી રહ્યો છે. ભાવિકો ભગવાનના શ્વેત પરિધાન સાથેના ઉત્સવ દર્શન નીહાળી ભાવવિભોર થયા છે. શુક્રવારે  ફુલડોલોત્સવની ઉજવણી કરવામાં આવશે.


ઉત્સવ અંતર્ગત પૂજારી પરિવાર દ્વારા વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામા આવે છે. જેના દર્શન મનોરથનો હજારો ભાવિકો સન્મુખ તેમજ ઓનલાઈનના માધ્યમથી પણ દેશ વિદેશમા લાખો ભાવિકો લાભ લઈ રહ્યા છે.


દ્વારકાધીશ જગતમંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ ફુલડોલ ઉત્સવ મનાવાય છે. પરંતુ આ વખતે ઉતરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોય તા.૧૪મીએ દ્વારકા અને બેટ દ્વારકાધીશ મંદિરમાં દોલોત્સવની ઉજવણી કરવામાં આવશે. જગતમંદિરના પૂજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર તા.૧૪મીએ બપોરે ૧-૧૫ કલાકે ઠાકોરજીને બંધ પડદે ધાણી, દાળીયા ખજૂર, સુકોમેવો, પતાસા વગેરે સ્વરૂપના દર્શન કરાવાશે.


   બાદમાં નીજ સભાગૃહમા બાલ સ્વરૂપને ઝુલામા સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમા ફૂલોના ઝુલામા બિરાજમાન બાલ સ્વરૂપને સિધ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના નાદ સાથે મહાઆરતીનો પ્રારંભ થશે. કેસુડો, કેસર જલ ચાંદીની પિચકારીમા ભરી ઠાકોરજી સંગ ધૂળેટી રમાશે.જગતમંદિરમા બપોરે ૧-૩૦થી ૨-૩૦ સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલ વડે પરંપરાગત રીતે ફુલડોલોત્સવ ઉજવાશે.


બેટ દ્વારકામા શનિવારે દ્રિતીયા પાટોત્સવ ઉજવાશે

બેટ દ્વારકા મંદિરના વ્યવસ્થાપક દિનેશભાઈ બદીયાણીએ જણાવ્યુ હતુ કે તા.૧૫મીએ દ્રિતીયા પાટોત્સવ ઉજવાશે. મંગલા આરતી સવારે ૭-૩૦ કલાકે, મોર આરતી સવારે ૮ કલાકે, શૃંગાર આરતી બપોરે ૧૧-૩૦ કલાકે, મધ્યાહન આરતી બપોરે ૧૨ કલાકે તેમજ ઠાકોરજીને મીઠા જળ બપોરે ૧ કલાકે યોજાશે. દ્વારકામાં કાલે કૃષ્ણ ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ જશે,અબીલ ગુલાલ તેમજ કેસુડાની છોળો ઉડશે જગત મંદિર પરિસર વિવિધ રંગોમાં રંગાઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application