આજે સ્વયં શિક્ષક દિન: ડો. રાધાકૃષ્ણન જેવા શિક્ષક બનીએ

  • September 05, 2024 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્ર્વના તત્ત્વ ચિંતકો અને દાર્શનિકમાં તેઓ શિરમોર હતા ઋષિ પરંપરાને અનુસરનાર ડો. રાધાકૃષ્ણનની આગવી ઓળખ એટલે શિક્ષક તેમનામાં  એક શિક્ષક હમેશા ઉન્નત સ્થાને બિરાજમાન છે. અમેરિકન પ્રમુખ વિલ્સન શિક્ષક, આયરલેન્ડના પ્રમુખ ડો. વાલેરા ગણિત શિક્ષક, ઝેકોસ્લોવેકિયાના પ્રથમ પ્રમુખ જ્હોન મસારિક, શિક્ષક પરંતુ એ સૌની શિક્ષક તરીકેની ઓળખ ભુસાઇ ગઇ તેમની માત્ર રાજકીય ઓળખ જીવંત બની. 
ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રપદ મેળવ્યા પછી પણ શિક્ષક રહ્યા. વિદ્યાર્થીઓએ તેમના જન્મદિનને ઉજવવાનું નક્કી કર્યુ. ત્યારે રાધાકૃષ્ણને પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેથી શિક્ષકદિન પ્રતિવર્ષ ઉજવાય છે. આ દિવસ શિક્ષણ પરંપરાને ઉજાગર કરવાનો દિવસ બને તો...! ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષક પિતા વીર સ્વામી ઉટયાનો ઉત્તમ વારસો પ્રાપ્ત થયો હતો. તેઓ શિક્ષક પુત્ર હોવાનું ગૌરવ અનુભવતા. તેમનો જન્મ તામિલનાડુની રાજધાની ચેન્નઇથી ૪૦ કિ.મી. દૂરના ગામ તિરુતાનીમાં પાંચમી સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો. વડવાઓનું ગામ તો સર્વપલ્લી જે પછી કુળ બની રહ્યુ.
 નિમ્ન મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં આ બાળકને તેમના  તહેસીલદાર પિતા ભણાવવાના બદલે મંદિરના પૂજારી બનાવવા માગતા હતા. પણ તેઓ ભણી ગણીને હિન્દુ તત્વજ્ઞાનના મહાન વિદ્વાન અને મુઠ્ઠી ઉંચેરા દાર્શનિક બન્યા. ડો. રાધાકૃષ્ણનનું સઘળુ  શિક્ષણ ખ્રિસ્તી મિશનરી શાળા કોલેજોમાં થયુ અને પછી તેઓ ‘ધી હિન્દુ વ્યૂ ઓફ લાઇફ’ જેવો ગ્રંથ રચી શકયા તેમાં ખ્રિસ્તી મિશનરી શિક્ષણ સંસ્થાઓના મુકત વાતાવરણને યશ અપાય છે, તો મીશનરી શાળાઓમાં હિન્દુ ધર્મને ઉતરતો ધર્મ તરીકે ભણાવાતો હતો તેની કિશોર યુવાન શ્રીરાધાકૃષ્ણન ચિત્ત પર  પડેલી છાપનું પરિણામ પણ માનવામાં આવે છે. 
મદ્રાસની (ચેન્નઇ) ક્રિશ્ર્ચયન કોલેજમાં દર્શનશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી. એમ.એ.ની પદવી પ્રથમ ક્રમે પ્રાપ્ત કરી હતી. ગરીબી તેમને પણ નડતી હતી. પિતાના શિક્ષત્વનું મૂલ્ય તેમણે કયાંય ઓછું આંકયુ નથી. તેમણે ‘એથીક ઓફ વેદાની’ વિષય ઉપર લખેલપ્રથમ નિબંધ ખૂબ ઉત્તમકક્ષાનો નીવડતા લેખન પ્રવૃત્તિ માટે તેમને પ્રોત્સાહન  અને પ્રેરણા મળી. માત્ર ૨૦ વર્ષની ઉંમરે ઇ.સ. ૧૯૦૮માં ચેન્નઇની પ્રેસીડેન્ટ કોલેજમાં દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને ગણિતના અધ્યાપક તરીકે શિક્ષણ જગતમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને વ્યાખ્યાન પધ્ધતિથી ખ્યાતિ પામ્યા.
 વિદ્યાર્થીઓના હૃદયમાં  સ્થાન મેળવ્યુ. દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત નામથી ઓળખતા  વિદ્યાર્થીઓ માટે  તેમના ઘરના દ્વાર કાયમી ખુલ્લા રહેતા તેથી વિદ્યાર્થીઓમાં પ્રિય થઇ પડયા. 
અન્ય વિષયના વિદ્યાર્થીઓ તેમના વ્યાખ્યાનો સાંભળવા આવતા તેઓ આદર્શ ગુ‚ મૂર્તિ બન્યા. ડો. રાધાકૃષ્ણનના પૂર્વજો સરવલ્લી ગામના હોવાથી તે ગામને કાયમી યાદ રાખવા તેમણે તેમના નામની આગળ ગામનું નામ સર્વપલ્લી ધારણ કર્યુ ૪૦ વર્ષ શિક્ષણ કાર્ય કરીને ખ્યાતિ મેળવી. તત્વજ્ઞાનના વિઝિટીંગ પ્રોફેસર તરીકે દેશ-પરદેશની  યુનિવર્સીટીઓમાં શિક્ષણ કાર્ય કર્યુ. કારોબારી સમિતિના અધ્યક્ષ, રાજદૂત, કુલપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાષ્ટ્રપતિ પદ પામ્યા. જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, અને ઇન્દીરાગાંધી વગેરે વડાપ્રધાનની સાથે કાર્ય કરવાનો લાભ મળ્યો. 
તેઓ રાષ્ટ્રપતિના પગારમાંથી માત્ર ૨૫ ટકા જ પગાર લેતા તેમની ઉદારતાની કદર‚પે ટેમ્પલ્ટન(‚પિયા એક લાખ) જેવા પારિતોષિક પ્રાપ્ત થયા, વિશ્ર્વના વિવિધ ૧૩ દેશોએ તેમને ડોકટરેટની પદવીથી નવાજ્યા. ૧૯૭૧માં ભારતરત્ન પુરસ્કાર મળ્યો.
 ૧૭ એપ્રિલ ૧૯૭૫ના રોજ નિધન થયું. સાચા શિક્ષકને તેનો વિદ્યાર્થી કાયમી પોતાના હૃદયમાં સાચવી રાખે છે. પૂર્વ રાષ્ટ્રપતિ સદગત ડો. શંકર દયાળ શર્માનો એક પ્રચલિત પ્રસંગ યાદ આવે છે. ડો. શંકર દયાળ શર્મા રાષ્ટ્રપતિ તરીકે ઓમાનની મુલાકાતે ગયા. ઓમાનમાં  આવતા કોઇપણ રાજ દ્વારી પુરુષનું સ્વાગત કરવા સુલતાન એરપોર્ટ પર જતા નથી.
 આ ત્યાનો પ્રોટોકોલ છે, પણ તમામ નિયમો બાજુ પર રાખીને સુલતાન કાસુંબ બિન સઇદ અલ સઇદ ખુદ શંકર દયાલ શર્માને એરપોર્ટ પર લેવા ગયા અને કાર પોતે ચલાવીને પોતાના મહેલમાં લઇ ગયા. ઓમાનના સત્તાધીશો આ જોઇને અવાક થઇ ગયા. એ પછી સુલતાનને સૌના આશ્ર્ચર્ય વચ્ચે સમજાવતા જણાવ્યુ કે, ‘હું ઓમાનના સુલતાન તરીકે ભારતના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા નહોતો ગયો પણ એક વિદ્યાર્થી તરીકે મારા શિક્ષક રહેલા શર્માનું અભિવાદન કરવા ગયો હતો. હું પુનામાં ડો. શંકર દયાલ શર્મા પાસે ભણ્યો છુ અને આજે મારા ગુરુજી મારા ઘરે આવે છે ત્યારે સન્માનપૂર્વક લઇ જવા મારી શિષ્ય તરીકે ફરજ છે. 
આવો જ એક પ્રસંગ પોરબંદરના મહારાણા નટવરસિંહજીનો છે. ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ નાન્હાલાલ  ઇ.સ. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણ નિયામક નિમાયા ત્યારે તેઓ પોરબંદર નિરીક્ષક તરીકે ગયેલા દરબારીઓએ મહારાજા નટવરસિંહજીને કહ્યુ કે નાન્હાલાલ માત્ર શિક્ષણાધિકારી છે અને પ્રોટોકલ અનુસાર આપે તેનું સ્વાગત કરવા જવાનુ ન હોઇ અમે એમનું સ્વાગત કરી લઇશુ. રાજવી મહારાણા નટવરસિંહજીએ કોઇ જવાબ ન આપ્યો પણ બધા આશ્ર્ચર્ય વચ્ચે ટ્રેન આવવાના સમયે મહારાજા નટવરસિંહજી રેલ્વે સ્ટેશને આવ્યા અને વંદનપૂર્વક ન્હાનાલાલનું સ્વાગત કર્યુ. આ અંગે એક દરબારીએ કહ્યુ કે કવિ નાન્હાલાલ એજન્સીના શિક્ષણાધિકારી પછી છે. પ્રથમ એ મારા ગુરુ છે.
 હું રાજકોટની રાજકુમાર કોલેજમાં એમની પાસે ભણ્યો છું. એ મારા આંગણે આવે ત્યારે મારે જ સ્વાગત કરવુ જોઇએ. આ પ્રસંગ સૂચવે છે કે શિક્ષકનું તપ કયારેય એળે જતુ નથી. શિષ્યમાં એ હમેશા રોપાતુ હોય છે અને તેનું ફળ સમાજને મળ્યા કરે છે.
 શિક્ષકમાં અસીમ સામર્થ્ય છે. એણે એમની બધી શક્તિઓને નીચોવીને પથ્થરમાંથી શિલ્પ કંડારવાનું છે.
 જો એ વિદ્યાર્થીઓના શરીરમાં તાકાત, સ્વભાવમાં અનુશાસન વૃત્તિમાં વિજય અને હૃદયમાં ભક્તિ આ ચાર ગુણોનું નિર્માણ કરે તો બેડો પાર થઇ જાય. આચાર્ય ચાણકયના ઉદ્ગાર પ્રમાણે, ‘શિક્ષક પ્રલય અને નિર્માણ બન્નેનું સામર્થ્ય કેળવે અને સાચા અર્થમાં રાષ્ટ્રનો ઘડવૈયો બને તે આવશ્યક છે.’



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application