બેંગકોકમાં નોકરીની આશાએ ગયેલા ત્રણ યુવાનો મહામુસબીતે ભારત પરત ફર્યા

  • April 05, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીથી બેંગકોક સારી નોકરીની આશાએ ગયેલા ત્રણ યુવાનને મ્યાનમાર બોર્ડર પાસેના ગામ નજીક લઇ જઇ અહીં કંપનીમાં ફ્રોડ કોલ કરવા દબાણ કરી ટોર્ચર કર્યા હતાં.બાદમાં ત્રણેય યુવાને મહામુસીબતે વતન પરત ફર્યા હતાં. આ અંગે રૂ.૧.૯૦ લાખ લઇ તેમની સાથે કરવામાં આવેલી છેતરપિંડી મામલે બે શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

ધોરાજીમાં ત્રણ દરવાજા પાસે રહેતા સીદીક જાફરમિયા સૈયદ (ઉ.વ 28) નામના યુવાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રિઝવાન જીગરભાઈ કપડવંઝી અને મેહુલના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં તે ધોરાજીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો ત્યારે તેના મિત્ર અદનાન મુનાવર નાગાણીએ વાત કરી હતી કે બેંગકોક ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરવાની સારી તક છે અને પગાર પણ સારો છે. બાદમાં તપાસ કરતા રિઝવાન નામનો શખસ ધોરાજીના લોકોને બેંગકોક ખાતે સારા પગારમાં નોકરી અપાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ આ રિઝવાન સાથે વોટસએપમાં મેસેજથી વાત કરતા નોકરીની વાત કરી હતી અને કહ્યું હતું કે, 60 થી 70 હજાર રૂપિયા ની તૈયારી રાખવી બાદમાં યુવાને તેના પર વિશ્વાસ કરી વાતચીત આગળ વધારી હતી. જે વાતચીતમાં રિઝવાન દ્વારા યુવાનને કોમ્પ્યુટર તથા ઇંગ્લિશ બંનેની બેઝિક જાણકારી જરૂરી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે અમુક રૂપિયા અમને આપો તો તમારું ઝુમ મિટિંગ દ્વારા ઇન્ટરવ્યૂ કરવાનું છે.

ત્યારબાદ યુવાને રૂપિયા 35,000 ટ્રાન્સફર કર્યા હતા અને તેણે ઝૂમ મીટીંગની લીંક મોકલી હતી જે ઇન્ટરવ્યૂમાં યુવાન તેનો મિત્ર અદનાન નાગાણી અને ધોરાજીમાં જ રહેતો અન્ય યુવાન અબ્દુલ કાદિર ત્રણે જોડાયા હતા ઇન્ટરવ્યૂ લેનાર કોઈ સ્ત્રી હતી જેનો ચહેરો દેખાતો નહોતો માત્ર અવાજ સંભળાતો હતો ત્યારબાદ નોકરીનું માટે અદનાને ૬૦ હજાર અને અબ્દુલ કાદર પાસેથી 70,000 તથા યુવાને 60,000 આપ્યા હોય કુલ 1.90 લાખ રિઝવાન એજન્ટ તરીકે લીધા હોવાનું પડ્યું હતું. ત્રણેક દિવસ બાદ રિઝવાનનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી પેકિંગ ખરીદી અને અન્ય તૈયારી કરી લેજો તમે ઇન્ટરવ્યૂ માં પાસ થઈ ગયા છો, રિઝવાને કહ્યું હતું કે અહીં ઓફિસમાં બેસી કોમ્પ્યુટર નું કામ કરવાનું છે અહીંયા મોલ, ગાર્ડન, રેસ્ટોરન્ટ વગેરે જેવી સુવિધાઓ છે. વોટસએપ એપ્લિકેશનમાં છુપાવતો છુપાવતો વિડીયો કોલ કરતો હોય જેથી આ બાબતે પૂછતા કહ્યું હતું કે, અહીં કામના કલાકોમાં મોબાઇલ રાખવાની મનાઈ છે.

થોડા દિવસો બાદ વોટસએપ મારફતે ટિકિટ બુક થઈ ગઈ હોય જેની પીડીએફ મોકલી હતી. ત્યારબાદ યુવાન અબ્દુલ કાદિર અને અદનાન ત્રણેય મુંબઈ તા. 13 ડિસેમ્બરના રોજ પહોંચ્યા બાદ અહીં મુંબઈ એરપોર્ટ થી રિઝવાને કહ્યું હતું કે હું તમને મેહુલનો સંપર્ક આપું છું જે મારો બોસ છે અને આગળની સૂચના મેહુલ આપશે. ત્યારબાદ આ મેહુલ એના વોટસએપ પરથી વોઇસ કોલ આવ્યો હતો અને તેની સૂચના મુજબ નોકરી સ્થળ પહોંચવાનું હતું. 14 ડિસેમ્બરે ડિસેમ્બરે ત્રણે વિયેતનામ પહોંચ્યા હતા અને ત્યાંથી થઈ બેંગકોક બપોરના એક દોઢ વાગ્યે સુવર્ણભૂમિ એરપોર્ટ પર ઉતર્યા હતા અહીં અજાણી ટેક્સી લેવા આવતા ત્રણેય યુવાન તેમાં બેસી ગયા હતા અને મ્યાનમ્યાર બોર્ડર પર આવેલા મી સુટ ખાતે જવા ટેકસી રવાના કરેલ. છ કલાકની મુસાફરી કરી રાત્રે એક હોટલમાં રોકાયા હતા. બીજા દિવસે બેંગકોકના સમય મુજબ સવારે આઠેક વાગ્યે હોટલથી લઈને થાઈલેન્ડ મ્યાનમાર બોર્ડર સુધી પહોંચાડેલ બાદમાં આ ટેકસીવાળા એક ત્રણ માળના મકાનમાં જવાનો ઈશારો કર્યો હતો. દરમિયાન ત્રણેય યુવાનોને અહીં ફસાઈ ગયા હોય તેવું લાગતું હોય મેહુલનો કોન્ટેક કરી અમારે નોકરી નથી કરવી તેવું જણાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જેથી તેણે કહ્યું હતું કે, મારી ગાડી ખરાબ છે નહીંતર હું તમને લઈ જાત ત્યારબાદ તેના પર વિશ્વાસ રાખી ત્રણેય યુવાનો બોટમાં બેસી મ્યાનમાર બોર્ડર ક્રોસ કરી હતી. ત્યાં કોઈ નામ વગરની મોટા ગેટ વાળી કંપનીની જગ્યા પર લઈ ગયેલ અહીં એક મહિલા એચ.આર. મેનેજર તરીકે હોય અને તેણે અંગ્રેજીમાં ઓળખ આપી કારમાં કંપની અંદર લઈ ગયેલ ઓફિસમાં જઈ એગ્રીમેન્ટ કરાવેલ જેમાં થઈ ભાષામાં લખાણ લખ્યું હતું જેથી મેહુલ ને કોલ કરતા તેણે ભરોસો આપતા સહી કરી હતી અબ્દુલ કાદિરની ટાઇપીંગ કામમાં તથા અંગ્રેજીમાં પૂછતા સરખો જવાબ ન આપી શકતા તેને વધુ ટ્રેનીંગ માટે દસ દિવસ ફાળવી રાખેલ જેથી બંને યુવાનોએ કહ્યું હતું કે, જો અબ્દુલ કાદિર સાથે એગ્રીમેન્ટ ન કરવામાં આવે તો અમારે પણ કામ નથી કરવું પરંતુ તેમનું કોઈએ સાંભળ્યું ન હતું અને સ્ટાફના ફાળવેલા રુમોમાં શિફ્ટ કરી દીધા હતા અહીં અન્ય ભારતીય લોકો પણ હોય જે લોકો નાઈટ ડ્યુટી કરીને આવ્યા હતા.

ત્યારબાદ તેના અન્ય નોકરી કરતા લોકો પાસેથી ત્યાં કરવામાં આવતા ફ્રોડ તથા અન્ય કામોની તથા ટોર્ચરની વાતો સાંભળી ત્રણેય યુવાન ડરી ગયા હતા જેથી મેહુલ અને રિઝવાનને પાછા જવા માટેનું પૂછવાનું શરૂ કર્યું હતું કંપની દ્વારા યુવાનને ડી કાદરીને મા અને અદનાનને માર્ટી નામ આપેલા હતા અને તેના સ્ટીકર લગાવી ત્રણેયને આઇફોન આપ્યા હતા અને સૌ પ્રથમ કામ શીખડાવેલ જણાવેલ કે કોઈ છોકરીના નામ વાળી કોમન આઈડી પરથી કોઈ પણ પ્રોફાઈલ જોવાની અને આગળ ફ્રોડ કરવા માટે દરેક વ્યક્તિએ 3 કેરેક્ટર ડેવલપ કરવાનું ટાસ્ક અપાયું હતું. પાંચ દિવસના કામકાજ દરમિયાન યુવાને કોઈ ફ્રોડ કર્યું ન હતું બાદમાં યુવાને અમારે કામ નથી કરવું મારી પત્નીની તબિયત ખરાબ છે મારે જવું પડશે તેવું જણાવતા ટિકિટ કરાવવાના બહાને ત્રણેના પાસપોર્ટ અને મોબાઈલ તેમજ રોકડ લઈ લીધા હતા અને કપડા વગેરે સામાન સાથે ત્રણેને બહાર કાઢી એક કારમાં બેસાડી દીધા હતા.

ખૂબ હેરાન થયા બાદ ત્રણે યુવાન અહીંથી નીકળી શક્યા હતા અહીં એક આર્મીવાળાએ પરિવાર સાથે કોલ એપથી વાત કરવા દીધી હતી ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરી તેની સાથે વાતચીત કરતા હતા બાદમાં જંગલના રસ્તે ચાલી ત્યાંના સ્થાનિકને સમજાવતા આર્મી બોલાવેલ અને તેણે પૂછપરછ કરતા ગુગલ ટ્રાન્સલેટની મદદથી થાય આર્મીને ત્રણેય યુવાનોએ આપીતી જણાવી હતી બાદમાં ટાંક ઈમીગ્રેશન ખાતે ટ્રાન્સલેશન કરી ઇમિગ્રેશનના અધિકારીઓને આપવી તે સમજાવે ત્યારબાદ તે લોકોએ રહેવાની વ્યવસ્થા કરાવી પરિવારના સભ્યો સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ યુવાને તેના પરિચિત સુમિતભાઈ જૈન દ્વારા પેમેન્ટ કરતા મોબાઈલ ખરીદ્યો હતો અને એકબીજાના સંપર્કમાં રહ્યા હતા બાદમાં ત્રણેય પટાયા પહોંચ્યા હતા. અહીં બેંગકોક ખાતે ઇન્ડિયન એમ્બસી ખાતે પહોંચી કાગળો અને વિગતો લખીને આપી હતી ત્યારબાદ ઇમરજન્સી પાસપોર્ટ મારફત તારીખ 8/1/2025 ના વ્હાઇટ પાસપોર્ટની મદદથી રાત્રિની ફ્લાઈટમાં ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ સમાજમાં બદનામીના ડરે કોઈએ ફરિયાદ કરી ન હતી. પરંતુ રમજાન દરમિયાન રિઝવાન ધોરાજીમાં નજરે પડતા અંતે આ મામલે યુવાને ફરિયાદ નોંધાવી હતી. જેમાં બેંગકોક ખાતે નોકરી અપાવવા અંગે કાવતરૂ કરી છેતરપિંડીથી 1.90 લાખ પડાવી લઈ ખોટી રીતે છેતરીને મ્યાનમારમાં મોકલેલ અને અહીં ફ્રોડ કરાવવા માટે દબાણ કર્યા અંગે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application