અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ૧ કરોડથી વધુના ડ્રગ્સ સાથે જામનગરના ત્રણ શખસો પકડાયા

  • April 18, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમ્યાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી ૧ કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે. ૧ કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઇ પોલીસ દ્રારા હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાયને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની જી.જે.૧૦.ડી.જે.૩૪૪૮ નંબરની ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી ૧૦૭૨ ગ્રામ મેથાએમ્ફેટામાઇન (એમ.ડી) નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઇસરાક આરિફ બ્લોચ (રહે. કાલાવડ નાકા બહાર, શેરી નં.૦૨, અમન સોસાયટી, શાહ પંપની સામે, જામનગર), સોહીલ ઓસમાણ સંધી (રહે.નદીપા રોડ, ત્રણ દરવાજા નજીક, જામનગર) અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા (રહે. સિલ્વર સોસાયટી, ખોજાગેટ નાકા પાસે, જામનગર)ની અટકાયત કરી હતી.

પોલીસે આ મામલે આરોપીઓ ઇસરાક આરિફ બ્લોચ, સોહીલ ઓસમાણ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા વિધ્ધ એન.ડી.પી.એસ એકટની કલમ ૮ (સી), ૨૧ (સી) અને ૨૯ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ શખ્સોની જાણ જામનગર પોલીસને પણ કરવામાં આવી છે.

પકડાયેલ શખ્સોની અંગજડતી કરતા આરોપી ડ્રાઇવર ઇસરાક પાસેથી ૧૩ હજારની રોકડ અને ૧ આઇફોન, સાહીલ પાસેથી રોકડા ૩૪૦૦ અને ફોન, અસલમ પાસેથી રોકડા ૩ હજાર અને ૧ મોબાઇલ અને કાર્ડ તથા હોટલની એડવાન્સ રીસીપ્ટ મળી આવી હતી આમ રોકડા, મોબાઇલ અને એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ કાર મળી કુલ ૧.૧૬.૪૯.૪૦૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો, માદક પદાર્થ એમડીનો જથ્થો મુંબઇના અમનભાઇ નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવ્યું છે.
જામનગરનો ઇસરાક ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યુ છે, જેણે તેના મિત્ર જામનગરના સરફરાજની કાર અજમેર દર્શન કરવા માટે લઇ જવા માટે માંગી હતી, જે કાર લઇ સોહીલ સાથે વાપી ગયો હતો અને જયાથી ડ્રગ્સ લઇને અસલમને જામનગરથી કપડા લઇ અમદાવાદ બોલાવવામાં આવ્યો હતો જયાથી ત્રણેય કાર લઇ અજમેર ગયા હતા અને ડ્રગ્સ વહેચી કમીશન માટેની ચર્ચા કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application