ગરીબોની ધાન તેરસ

  • November 10, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ દિવસે થાળીમાં કોબી-બટાકાનું શાક, ચણાનું શાક, ત્રણ રોટલી, સીરો, ભાત, અથાણુ આપવામાં આવ્યા: આજથી જામનગરના ૧૦ કેન્દ્રો પર શ્રમીકોને રુા.૫ માં ભોજનની થાળી: આજે ઉદઘાટન બાદ તહેવારોના પાંચ દિવસ કેન્દ્રો બંધ રહેશે: ભાત અપાયા પરંતુ સાથે દાળ ન અપાતા ઉઠયો સવાલ: સમય સવારના ૭ થી ૧૧નો રહેશે

ધનતેરસનો આજનો દિવસ શ્રમીકો અને ગરીબો માટે વાસ્તવમાં ધાન (અનાજ) તેરસ જેવો બન્યો છે, કારણ કે આજથી જામનગરના ૧૦ કેન્દ્રો પર શ્રમીક અન્નપૂર્ણા યોજના હેઠળ ગરીબોને રુા.૫માં ભોજનની થાળી આપવાનું શરુ થયું છે, આ આવકારદાયક યોજના છે, સરાહનીય કામ છે, પરંતુ તેની અંદર રહેલી થોડીઘણી ખામીઓ દુર થઇ જાય તો વાસ્તવમાં ગરીબો-શ્રમીકો માટે આ યોજના ખુબ જ જીવનદાન સમાન સાબીત થશે.
યોજના આજથી શરુ થઇ છે, કેન્દ્રો ખુલ્લા મુકાયા છે પરંતુ આવતીકાલથી પાંચ દિવસ આ કેન્દ્રો બંધ રહેશે, મતલબ કે દિવાળીના તહેવારો દરમ્યાન ગરીબોને તેનો લાભ મળી શકશે નહીં, પ્રથમ દિવસે રુા.૫ની થાળીમાં બે શાક, રોટલી, શીરો, ભાત, અથાણુ આપવામાં આવ્યા છે, પરંતુ દાળ નહીં હોવાથી ભાત કેવી રીતે ખાવા ? એ સવાલ ઉઠયો છે, બીજી મહત્વની વાત એ છે કે સમય સવારના ૭ થી ૧૧નો રાખવામાં આવ્યો છે, તેમાં ફેરફાર આવશ્યક છે, કારણ કે મોટાભાગે શ્રમીકો-ગરીબોને બપોરે જમવાની જરુર પડતી હોય છે એટલે આ બે-ચાર ખામીઓ દુર થઇ જાય છે ખરેખર આ યોજના ગરીબો-શ્રમીકો માટે ખુબ જ આવકારદાયક ગણાશે.
જામનગરમાં વિવિધ ૧૦ કેન્દ્રો ઉપર આ યોજના શરુ કરવામાં આવી છે અને રુા.૫માં ગરીબોને શ્રમીક અન્નપૂર્ણા યોજનામાં મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે, આજે સવારે વોર્ડ નં.૬માં દિગ્જામ સર્કલ નજીક કુલ ૧૫૫ કેન્દ્રો ઉપર રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચનાથી આ કેન્દ્રો ઉપરથી ભોજન આપવાનું શરુ કરાયું છે, દિગ્જામ સર્કલ પાસેના કેન્દ્રનું ઉદઘાટન ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીના હસ્તે ખેતીવાડીના ગેઇટ પાસે આ કેન્દ્ર શરુ કરાયું તેમાં કોર્પોરેટર જશુબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ નગરસેવક બાબુભાઇ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
સવારે ૯ વાગ્યે આ કેન્દ્ર શરુ કરાયું હતું અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ શ્રમીકોને ભોજન પીરસ્યું હતું, જામનગરમાં પ્રથમ કેન્દ્ર દિગ્જામ સર્કલ પાસે શરુ કરાયું હતું, શહેરના જુદા-જુદા ૧૦ કેન્દ્રો ઉપર શ્રમીક અને તેના પરિવારજનોને ભોજન આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, શ્રમીકો માટે આ યોજના ખુબ જ લાભદાયી નિવડશે.
**
જેમને જરુર હશે તેઓેને ટીફીનમાં ભોજન અપાશે
આજથી શ્રમીક અન્નપૂર્ણા યોજના શરુ કરવામાં આવી છે ત્યારે શ્રમીકોને માત્ર રુા.૫માં ભોજન અપાશે, આજથી જામનગરના ૧૦ કેન્દ્રોમાં ભોજન આપવાની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે, જે શ્રમીકોના પરીવારજનોને ટીફીનમાં ભોજન જોઇતું હશે તો તેમને ટીફીનમાં પણ ભોજન આપવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
***
સપ્તાહમાં એક વખત મળશે મિષ્ઠાન
શ્રમીક અન્નપૂર્ણા યોજનામાં ગરીબોને ભોજન મળી રહે અને કોઇ ભુખ્યા ન રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, આ યોજનામાં અઠવાડીયામાં એક વખત ગરીબોને મીષ્ઠાન પણ આપવામાં આવશે. આજે મીષ્ઠાનમાં શીરો આપવામાં આવ્યો હતો, આવી રીતે અલગ-અલગ મીષ્ઠાન આપવામાં આવશે, ખરેખર આ યોજના ગરીબ શ્રમીકો માટે ખુબ જ લાભદાયી નિવડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application