રાજકોટમાં ભાજપ ઉમેદવાર બદલે તેવી જોરદાર ચર્ચા: કુંડારિયાને રિપીટના ચાન્સ

  • April 01, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૂપાલા–કુંડારિયાની હાજરીમાં ચૂંટણી કાર્યાલયે ભાજપના ટોચના આગેવાનોની બેઠક: સરકારનું કોઈ લેણું નથી તેવા નો–ડ્યુ સટિર્ફિકેટ માટે કુંડારિયાની દોડધામ



ભારતીય જનતા પક્ષના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાંથી ઉઠેલા વિરોધને ધ્યાનમાં રાખી ભાજપ આ બેઠક પર તેના ઉમેદવાર બદલવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે સવારે ૧૦ વાગ્યાથી ૧૫૦ ફૂટ રીંગરોડ, રૈયા સર્કલ નજીક આવેલા ભાજપના લોકસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટીંગ શરૂ થઈ છે તે મોડે સુધી ચાલુ રહી હતી.
ભાજપના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ આ મિટીંગમાં વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા અને લોકસભાની આગામી ચૂંટણીના ભાજપના ઉમેદવાર પુરુસોત્તમ રૂપાલા સહિત સંગઠન માળખા ભાજપના ટોચના આગેવાનો હાજર છે.

જયારે કોઈ વ્યકિત ચૂંટણી લડવા માગતી હોય ત્યારે તેની પર કોઈ પ્રકારનું સરકારી લેણુ બાકી ન હોવું જોઈએ. સરકારનું આવુ કોઈ લેણુ બાકી નથી તેવું નો–ડ્યુ સટિર્ફિકેટ ઉમેદવારી પત્ર સાથે ફરજિયાત રજૂ કરવાનું હોય છે. આવું સટિર્ફિકેટ મેળવવા માટે મોહનભાઈ કુંડારિયાએ કામગીરી ચાલુ કરી દીધી હોવાનું જાણવા મળે છે.


ક્ષત્રિય સમાજ સામે કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ કરેલી ટીપ્પણી બાદ તેણે માફી પણ માગી હતી. પરંતુ, ક્ષત્રિય સમાજે તેની ટીકીટ રદ્દ કરવાથી ઓછુ કશુ ન ખપે તેવી માગણી ચાલુ રાખતા આખરે ભાજપના નેતૃત્વએ આ દિશામાં કવાયત શરૂ કરી છે. રાજકોટની બેઠક પરનું વાતાવરણ ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર સહિતના અનેક જિલ્લાઓની બેઠકને અસર કરે તેવી શકયતા રાજકીય નિરીક્ષકો દર્શાવી રહ્યા હતા. આ ઉપરાંત કરણી સેનાના રાષ્ટ્ર્રીય પ્રમુખે ભાજપના સામાન્ય સભ્ય પદથી માંડી તમામ હોદાઓ પરથી રાજીનામા ધરી દેતાં આ સમગ્ર ઈશ્યુ રાષ્ટ્ર્રીય બની ગયો છે. હવે ડેમેજ કન્ટ્રોલના એક ભાગરૂપે ઉમેદવાર બદલાય તેવા સંકેતો મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application