પારડીમાં શીતળા મંદિર પાસે સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરમાંથી ચોરી: બે ઝડપાયા

  • November 23, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પારડીમાં આવેલા શીતળા મંદિર બાજુમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા મંદિરમાં રાખેલી દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂ.૬,૫૦૦ ની ચોરી કરી લીધી હતી. તસ્કરોએ અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી હતી. આ મામલે શાપર વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચોરી કરનાર બેલડીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પારડીમાં શીતળા મંદિર રામપાર્ક સોસાયટીમાં રહેતા જયદીપગીરી પ્રતાપગીરી ગોસ્વામી(ઉ.વ ૨૩) દ્વારા આ અંગે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પારડીમાં શીતળા મંદિરની બાજુમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરે છે.
​​​​​​​
ગત તારીખ ૨૦/૧૧/૨૦૨૩ ના રાત્રીના ૮:૩૦ વાગ્યા આસપાસ અહીં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં આરતી વિધિ પૂર્ણ કરી ગર્ભ ગૃહની જાળીમાં તાળું મારી મંદિરમાં રાખેલ દાન પેટી ખોલી તેમાં આવેલી રકમ ગણતા રૂપિયા ૬૫૦૦ હતી જે દાન પેટી ને તાળું મારી તેવો ઘરે જતા રહ્યા હતા. બાદમાં બીજા દિવસે સવારના છેક વાગ્યે આરતી કરવા માટે મંદિરે આવતા ગર્ભ ગૃહની બહાર રાખેલ દાન પેટી આડી પડેલી હતી અને દરવાજો ખુલેલો હતો જેથી દાન પેટીમાં જોતા તેમાં રાખેલ રોકડ રકમ જોવા મળી ન હતી. જેથી તેમણે આ અંગે પ્રથમ મંદિરના ટ્રસ્ટીને વાત કરી હતી ત્યારબાદ ફરિયાદ કરવાનું નક્કી થતાં તેમણે આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં મંદિરની દાનપેટી માંથી રોકડ રૂપિયા ૬૫૦૦ ની ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ ઘટનાને લઇ શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ આર.કે. ગોહિલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન પોલીસની બે શંકાસ્પદ શખસો અંગેની માહિતી મળતા પોલીસે આ બંને શખસોને ઉઠાવી લઈ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ બેલડીએ અન્ય કોઈ મંદિરને નિશાન બનાવ્યું છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application