દાસીજીવણપરા પાસે ઉઘરાણી મામલે યુવાનને મિત્રએ છરીના ઘા ઝીંકી દીધા

  • June 25, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાનામવા મેઈન રોડ પર આવેલા દાસી જીવણપરામાં ઉઘરાણી મામલે યુવાન પર તેના મિત્રએ છરી વડે હુમલો કરી બે ઘા ઝીંકી દીધા હતા તેમજ તેની સાથે આવેલા ત્રણ શખ્સોએ યુવાને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નાનામવા મેઇન રોડ પર લક્ષ્મીનગર શેરી નં.3 ખૂણે રહેતા દેવરાજ અનિલભાઈ ડોડીયા (ઉ.વ 27) નામના રીક્ષાચાલકે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિક ભુપતભાઈ ભટ્ટ, પાર્થ મહેતા, રાજેશ ઉર્ફે રાજુ પટેલ, યશ મહેતાના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના 11:00 વાગ્યા આસપાસ તે તથા તેનો મિત્ર મેહુલ ચૌહાણ દાસીજીવણપરમાં નકળંગ હોટલ પાસે બેઠા હતા ત્યારે તેનો મિત્ર હાર્દિક ભટ્ટ તેના અન્ય મિત્રો પાર્થ રાજેશ અને યશ સાથે અહીં આવ્યો હતો. હાર્દિકે યુવાનને કહ્યું હતું કે, મેં તને અગાઉ ઉછીના પૈસા આપ્યા હતા. તું મને ક્યારે પરત કરીશ જેથી યુવાને કહ્યું હતું કે, હાલ મારી પાસે સગવડતા નથી પછી આપી દઈશ. જે સાંભળી હાર્દિક ઉશ્કેરાયો હતો અને ગાળો દેવા લાગ્યો હતો. દરમિયાન હાર્દિકે નેફામાંથી છરી કાઢી યુવાનને બેઠકના ભાગે તથા પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો તેમજ તેની સાથેના ત્રણ શખસોએ યુવાનને ધોકા વડે મારમાર્યો હતો. આ સમયે યુવાનનો મિત્ર મેહુલ ચૌહાણ વચ્ચે પડતા તેને વધુ માર્ગમાંથી બચાવ્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને જણાવ્યું હતું કે, તેણે અગાઉ હાર્દિક પાસેથી ઉછીના પૈસા લીધા હોય જે આપવામાં વિલંબ થતાં આ હુમલો કરાયો હતો. યુવકની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application