બજરંગવાડીમાં કોલેજીયન યુવાનને મોટાબાપુ અને તેના પુત્રોએ લાકડી-ધોકા વડે મારમાર્યો

  • February 28, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા કોલેજીયન યુવાનને આ જ વિસ્તારમાં રહેતા તેના મોટા બાપુ અને તેના પુત્રોએ મળી લાકડી અને બેઝબોલના ધોકા વડે મારમાર્યો હતો. યુવાને બચાવવા તેના માતા વચ્ચે પડતા તેને પણ લાકડીના ઘા ફટકાર્યા હતા. જમીન બાબતે મોટા બાપુના પરિવાર સાથે માથાકૂટ ચાલતી હોય જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બજરંગવાડી શેરી નંબર 13 માં રહેતા વિરાજ નરસીભાઈ રજવાડીયા (ઉ.વ 19) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના મોટા બાપુ વિઠ્ઠલ દયારામ રજવાડીયા (ઉ.વ 60) તેના પુત્ર નિલેશ (ઉ.વ 33), વિમલ (ઉ.વ 40) પરેશ(ઉ.વ 35) અને ચેતન (ઉ.વ 31 રહે. બજરંગવાડી શેરી નંબર 13) ના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એચ એન શુક્લા કોલેજમાં બી.કોમનો અભ્યાસ કરે છે. ગત તા. 26/2 ના રાત્રિના નવેક વાગ્યા આસપાસ તે અહીં ઘર પાસે આવેલી પોતાની શક્તિ ડેરીએ બેઠો હતો ત્યારે સામે મયુર પાનની દુકાને મોટા બાપુનો પુત્ર નિલેશ બેઠો હોય તેના પરિવાર સાથે જૂનું મનદુઃખ ચાલતું હોય તે કતરાયને સામે જોતો હતો જેથી યુવાને સામુ જોતા નિલેશ ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી ઝઘડો વધે નહીં માટે યુવાન ડેરી બંધ કરી ઘરે જતો રહ્યો હતો. બાદમાં તે તથા તેનો મામાના પુત્ર આશિષ રામનાથ મહાદેવ ખાતે જવા ઘરની બહાર નીકળતા નિલેશ અહીં આવ્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. બાદમાં મોટાબાપુ વિઠ્ઠલભાઈ પણ લાકડી લઈને અહીં આવ્યા હતા અને બંને યુવાન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન યુવાનના માતા બહાર આવી સમજાવવાની કોશિશ કરતા વિઠ્ઠલભાઈએ યુવાનના માતાને લાકડીના બે થી ત્રણ ઘા ફટકારી દીધા હતાં. બાદમાં વિમલ બેઝ બોલનો ધોકો લઈને ધસી આવ્યો હતો તથા પરેશ લાકડી લઈને આવ્યો હતો અને યુવાનને આ ત્રણેય લાકડી અને ધોકા વડે તેમજ ચેતને ઢીકાપાટુનો માર માર્યો હતો. સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો.ત્યારબાદ તેણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application