નૈઋત્યના ચોમાસાની વિધિવત વિદાય પછી પણ વરસાદ ચાલુ

  • October 17, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તારીખ 15 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી નૈઋત્યનું ચોમાસુ વિદાય લઈ ચૂક્યું છે તેવી સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આમ છતાં ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં સામાન્ય ઝાપટાથી ભારે વરસાદ ચાલુ જ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આંધ્ર પ્રદેશના દરિયા તરફ કાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને આજે તે ત્યાં ટકરાશે તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે ગુજરાત કોકણ ગોવા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં છુટા છવાયા સ્થળોએ ઝાપટા ચાલુ રહેશે તેમ હવામાન વિભાગ જણાવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ માટે અને ગુજરાતમાં એકાદ અઠવાડિયા સુધી આ મુજબ છુટા છવાયા ઝાપટા મર્યિદિત વિસ્તારોમાં ચાલુ રહેશે.
સામાન્યથી ભારે વરસાદના આ સિલસિલા વચ્ચે બુધવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 41 તાલુકામાં વરસાદની હાજરી રહેવા પામી છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી અને જુનાગઢ જિલ્લાના મેંદરડામાં બે ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં દોઢ અને પોરબંદર જિલ્લાના રાણાવાવમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે. 21 તાલુકા એવા છે કે ત્યાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પડેલા સામાન્ય ઝાપટાની વાત કરીએ તો જુનાગઢ શહેર માળીયા વિસાવદર ભેસાણ વંથલી અમરેલી શહેર અને જિલ્લામાં કુકાવા વડીયા બાબરા બગસરા ખાંભા રાજકોટ જિલ્લામાં ગોંડલ ઉપલેટા પોરબંદર શહેર ગીર સોમનાથ જિલ્લામાં પાટણ વેરાવળ તાલાલા ભાવનગર જિલ્લામાં વલભીપુર સુરેન્દ્રનગર જિલ્લામાં થાન અને જામનગર જિલ્લામાં જામજોધપુર ખાતે ઝાપટા પડ્યા છે.
મર્યિદિત વિસ્તારોમાં વરસાદ હોવાના કારણે બાકીના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. અમદાવાદમાં 36.9 ભુજમાં 36.7 ડીસામાં 36.8 કંડલામાં 36.5 ગાંધીનગરમાં 36 સુરતમાં 36 અને રાજકોટમાં 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન બુધવારે નોંધાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News