સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના નવા કાયમી કુલપતિનો પ્રશ્ન લટકતો: હવે ચૂંટણી પછી નિર્ણયની વાતો

  • March 15, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના નવા કાયમી કુલપતિ માટેના નામ ચૂંટણી પહેલા જાહેર થઈ જશે તેવી વાતો વચ્ચે હજુ સુધી સર્ચ કમિટીની ફાઇનલ મીટીંગના પણ ઠેકાણા નથી અને તેના કારણે હવે આ સમગ્ર બાબત લોકસભાની ચૂંટણી પછી હાથ ધરવામાં આવે તેવી વાતો શિક્ષણ જગતમાં થઈ રહી છે.શિક્ષણ જગતના સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના નવા કાયમી વાઇસ ચાન્સેલરની નિમણૂક થઈ ગઈ છે. ગઈકાલે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના ફિઝિકસ ડિપાર્ટમેન્ટના હેડ કિશોરભાઈ છગનભાઈ પોરિયાની નિમણૂક થઈ છે.

આવી જ રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવા કાયમી કુલપતિ તરીકે અમદાવાદની એલ.એમ.લો કોલેજના ફાર્મસી ડિપાર્ટમેન્ટના મહેશભાઈ ત્રિકમભાઈ છાબરિયાની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર યુનિવર્સિટીમાં અઢી વર્ષથી ઇન્ચાર્જ કુલપતિ દ્રારા કામગીરી કરવામાં આવતી હતી અને સર્ચ કમિટીએ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના બ્રધર ગીરીશભાઈ વાઘાણી, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગીરીશભાઈ ભીમાણી અને રાજકોટની પી.ડી.માલવીયા કોલેજના પ્રિન્સિપાલ કમલેશભાઈ જાનીના ત્રણ નામની પેનલ રજૂ કરી હોવાની વાતો બહાર આવી હતી. પરંતુ આ આશ્ચર્યજનક રીતે છાબરિયાની પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે અગાઉ ફરજ બજાવી ચૂકેલા નીતિનભાઈ પેથાણી આ યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં હતા અને રાજકોટના બે પ્રબળ દાવેદારો કુલપતિની રેટમાં હતા. છાબરિયાના નામની જાહેરાત થયા પછી રાજકોટના શિક્ષણ જગતમાં એક કોમેન્ટ એવી પણ ચાલે છે કે રાજકોટવાળાઓનું આમાં ચાલ્યું નથી.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ના નવા કાયમી કુલપતિ નિમવા માટે રચાયેલી સર્ચ કમિટીની માત્ર એક બેઠક અત્યાર સુધી મળી છે અને તેમાં જાહેરાત આપવા આપીને અરજીઓ મંગાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર પછી બીજી કે અંતિમ મિટિંગ હજુ મળી નથી. આવી મીટીંગ કયારે મળશે? તેનું કોઈ ઠેકાણું નથી. આ બાબતે શિક્ષણ જગતમાં એવી વાતો થાય છે કે સરકાર કોઈ એક નામ નક્કી કરે પછી આગળ વાત વધે તેમ છે અને ચૂંટણીના વર્તમાન માહોલમાં રાજકોટના રાજકારણમાં અત્યારે નવા પ્રશ્નો ઉભા થાય તેવું કોઈ ઈચ્છતું નથી.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની જેમ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી, ડોકટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિની પ્રક્રિયા પણ લટકતી રહી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application