ગોંડલ યાર્ડમાં એક મણ ધાણાનો 35 હજાર તો ઊંઝામાં વરિયાળીનો સૌથી ઊંચો 42 હજાર ભાવ બોલાયો

  • December 30, 2024 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાય છે. નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા આવક નોંધાઈ હતી અને તેનો એક મણ (20 કિલો)નો મૂહર્તનો ભાવ 35,001 રૂપિયા બોલાયો હતો. બીજી તરફ ઊંઝા ગંજબજાર ખાતે નવી વરિયાળીનો પાક લઈને આવેલ ખેડૂતની જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં વરિયાળીનો સૌથી ઊંચો રૂ. 42,000 સુધીનો ભાવ જોવા મળ્યો હતો.


ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની 30 કિલોની આવક સાથે ધાણાની સિઝનના શ્રીગણેશ થયા હતા. ત્યારે ધાણાની હરાજી પહેલા ધાણાને ફૂલહાર, અગરબત્તી અને શ્રીફળ વધેરીને હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે ધાણાની હરાજી બાદ ખેડૂત અને ધાણાના વેપારીનું મોં મીઠું કરાવામાં આવ્યું હતું.


હરાજીમાં મુહૂર્તના 20 કિલોના ભાવ રૂપિયા 35,001 બોલાયો હતો
સીઝન પહેલા જ જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂત મધુભાઇ સામજીભાઈ રાદડિયા આ નવા ધાણા લઈને આવ્યા હતા. જેની ગોલ્ડન એગ્રી નામની પેઢીએ ખરીદી કરી છે. નોંધનીય છે કે નવા ધાણાના હરાજીમાં મુહૂર્તના 20 કિલોના ભાવ રૂપિયા 35,001 બોલાયા હતા. ધાણાની હરાજીમાં યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશ સાવલિયા અને યાર્ડના ઇન્સ્પેક્ટર દિલીપ વસાણી હાજર રહ્યા હતા.


જૂના ધાણાની આજે 5500 ગુણીની આવક 
ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રભરમાં ધાણાની આવકમાં અગ્રેસર રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં યાર્ડમાં જાન્યુઆરી મહિનાના અંતમાં નવા ધાણાની સિઝન શરૂ થવાના સંકેતો વર્તાય રહ્યા છે. રેગ્યુલર જૂના ધાણા આવક રોજિંદા થઈ રહી છે ત્યારે આજે 5500 ગુણીની આવક થઈ હતી. જેમાં રેગ્યુલર હરાજીમાં ધાણાના ભાવ 20 કિલોના 800થી 1571 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા.


ઊંઝા ગંજબજારમાં નવી વરિયાળી આવક
ઊંઝા નવા ગંજબજાર ખાતે પંકજભાઈ નામનો ખેડૂત છેક મધ્યપ્રદેશથી પોતાની નવી વરિયાળીની 15 કિલોનો માલ લઈ વેચાણ અર્થે આવ્યો હતો. જ્યાં શ્રીરામ ટ્રેડર્સ નામની પેઢીમાં માલ ઉતરાવ્યો હતો. જ્યાં સવારે હરાજી પ્રક્રિયા યોજાઈ હતી. વરિયાળીની નવી આવક આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. હરાજી દરમિયાન સૌથી ઊંચો 42,000નો ભાવ પડ્યો હતો. સરેરાશ મણે સુપર વરિયાળીનો ભાવ 5000 આસપાસ જોવા મળે છે. જ્યારે આજે નવી વરિયાળીનો ઊંચો ભાવ રૂ. 42,000 સુધીનો જોવા મળ્યો હતો. જેમાં ખેડૂતને રૂ. 29,000નો ફાયદો થયો હોવાનું કહેવાય છે. જેને લઈ ખેડૂતમાં ખુશી છવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application