રાજકોટમાં નવરાત્રી સમયે ચીફ ફાયર ઓફિસરની જગ્યા ફરી ખાલી પડશે

  • September 27, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની અગ્નિકાંડ બાદ માઠી બેઠી હોય તેમ કોઈ કામગીરી વિવાદ વગર આગળ ધપી શક્તી નથી. અગ્નિકાંડ બાદ ફાયર એનઓસીની કામગીરી ફરજીયત કરી દેવાઈ છે પણ તે ઈશ્યુ કરવા મનપાને કોઈ અધિકારી નહિ મળતા આખરે વર્ગ-3ના કર્મચારી સ્ટેશન ઓફિસરને અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ આપીને ફાયર એનઓસીની ઇસ્યુ કરવાની સત્તા પણ આપવામાં આવી છે પરંતુ ગઈકાલે અમિત દવેએ કૌટુંબિક કારણોસર ચીફ ફાયર ઓફિસર બનવા ઇનકાર કરી મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવતા ફાયર બ્રિગેડ વિભાગમાં ચાર મહિનામાં ચોથી વખત ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડે તેવી સ્થિતિ નિમર્ણિ થઇ છે. અલબત્ત ઉપરોક્ત પત્ર સંદર્ભે આજે બપોરે સુધી કમિશનરએ આ અંગે કોઇ નિર્ણય કર્યો નહીં હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર આગકાંડ બાદ સસ્પેન્ડ થઈ જેલમાં ગયા છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા પણ લાંચકાંડમાં સપડાઇ જેલ હવાલે થતા ક્વિક રિસ્પોન્સ સેન્ટરના ઓફિસર અનિલ મારૂને ઈન્ચાર્જ બનાવાયા હતા તે પણ લાંચ લેતા ઝડપાઈને જેલ ભેગા થતા મનપાની ફાયર શાખાની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. તા.10 ઓગષ્ટના રોજ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર મારૂૂની લાંચકેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી ફાયર એનઓસીની કામગીરી બંધ પડી હતી. બાદમાં મહાપાલિકા દ્વારા ચીફ ઓફિસરની જગ્યામાં ઈન્ચાર્જ અધિકારી મેળવવા પ્રયાસ કરાયા હતા જેમાં અમદાવાદ મહાપાલિકાના અધિકારીનો હુકમ પણ થયો હતો. જો કે, જેનો હુકમ કરાયો હતો તે મીથુન મિસ્ત્રીએ રાજકોટ આવવાનો ઈન્કાર કરી દેતા મહાપાલિકા પાસે સ્થાનિક ઈન્ચાર્જ નિયુક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો. વર્ગ-1નો ચાર્જ વર્ગ-3ના અધિકારીને સુપ્રત કરવા નિર્ણય લેવાયો હતો.
જેના પગલે ત્યારબાદ રાજકોટ મહાપાલિકામાં દોઢેક માસથી અટવાયેલી ફાયર એનઓસીની કામગીરી ફરી પાટે ચડી હતી. ચીફ ફાયર ઓફિસરના ચાર્જમાં રહેલા વર્ગ-3ના અધિકારી અમિત દવે દ્વારા ફાયર એનઓસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
દરમિયાન તેમણે ચાર્જ સંભાળી કામગીરી શરૂ કરી તેના પહેલા જ દિવસે તેમના પિતાનું અવસાન થતા તેઓ રજા ઉપર ગયા હતા અને ફરી કામગીરી અટકી પડી હતી. હવે તેઓ હાજર થયા છે પરંતુ તેમના માતાની નાદુરસ્ત તબિયત તેમજ ઘરની જવાબદારી હોવાના કારણે આ પદ સંભાળી શકશે નહીં તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application