દરિયાના ખારા પાણીને મીઠાં બનાવતી યોજના હજી અધ્ધરતાલ, કોઇ પ્રગતિ નહીં

  • February 08, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાના ખારાં પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટની મોટાઉપાડે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એક રૂપિયાનો પણ ખર્ચ થયો નથી, પરિણામે સરકારની ડ્રીમ યોજના સમયસર ફળિભૂત થઇ શકી નથી.
પાણી પુરવઠા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કુલ ચાર સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટેની જાહેરાત કરી હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધવી ગામે ૫૬૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવાનો હતો. એવી જ રીતે ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામે ૫૬૦ કરોડ, કચ્છ જિલ્લાના ગુંદીયાલ ગામે ૮૦૦ કરોડ અને ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ગામે ૨૪૦ કરોડનો ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
​​​​​​​
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચાર પૈકી હજી સુધી એકપણ પ્લાન્ટનું કામ શરૂ થયું નથી, કેમ કે સબંધિત એજન્સીઓ દ્વારા જરૂરી પર્યાવરણિય મંજૂરીઓ લેવાની બાકી છે. એ ઉપરાંત નાણાંકીય વ્યવસ્થાપનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. વિભાગે દાવો કર્યો છે કે ભોતિક કામગીરી પ્રગતિમાં છે પરંતુ પ્લાન્ટ ક્યારે સક્રિય થશે તે અંગે અધિકારીઓએ મૌન ધારણ કર્યું છે.
આ ચાર પૈકી દ્વારકા અને ભાવનગર બન્નેમાં ૭૦-૭૦ એમએલડી, કચ્છમાં ૧૦૦ એમએલડી તેમજ સોમનાથમાં ૩૦ એમએલડીની કેપેસિટી નક્કી કરવામાં આવી છે. સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટના અમલ માટે શાપુરજી પાલૂનજી એન્ડ કંપની, મુંબઇ અને એક્વાટેક સિસ્ટમ એશિયા પ્રાઇવેટ લિમિટેડના જોઇન્ટ વેન્ચર દ્વારા સ્થાપિત એસપીવી સાથે ફેબ્રુઆરી ૨૦૨૨માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application