પેનલ બની જ નથી, તમામ નામ દિલ્હી પહોંચ્યા

  • January 08, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૯ દાવેદારોના નામમાંથી પેનલ બનાવવાને બદલે પૂરું લિસ્ટ દિલ્હી લઇ જવાયું, ચારેક નામને પ્રદેશએ અગ્ર સ્થાન આપ્યું: પેરાશૂટ પ્રમુખ પણ આવી શકે, વિવાદ વધે તો નિર્ણય પેન્ડિંગ પણ રહી શકે: મુકેશ દોશી રિપિટ થવાની શકયતા વચ્ચે કશ્યપ શુકલ, દેવાંગ માંકડ, ડો.જૈમન ઉપાધ્યાય રેસમાંઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ મામલે વર્તમાન સત્તાધારી જૂથ અને પાણી જૂથ આમને સામને આવી જતા ૨૯ દાવેદારો એ દાવેદારી રજૂ કરી હતી અને પ્રદેશએ સ્ક્રુટીની બાદ પેનલ બનાવવાને બદલે આ તમામ નામો દિલ્હી સુધી પહોંચાડા છે અને હાલ દિલ્હીમાં નવા પ્રમુખ નક્કી કરવા માટે મિટિંગનો દોર શ થયો છે. રાજકોટના ૨૯માંથી ચારેક નામને પ્રદેશએ અગ્ર સ્થાન આપ્યું હોવાની ચર્ચા છે. રાજકોટ શહેર ભાજપમાં પેરાશૂટ પ્રમુખ પણ આવી શકે અને વિવાદ વધે તો નિર્ણય પેન્ડિંગ પણ રહી શકે છે. હાલ તો મુકેશ દોશી રિપિટ થવાની શકયતા હોવાની ચર્ચા વચ્ચે કશ્યપ શુકલ, દેવાંગ માંકડ, ડો.જૈમન ઉપાધ્યાયની દાવેદારી પ્રબળ મનાય છે.
આજે રાત્રે અથવા આવતીકાલ સુધીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ જશે તેમ સૌ માની રહ્યા છે પરંતુ દિલ્હીમાં ચાલી રહેલી મિટિંગ ઉપર બધું નિર્ભર છે, તદ્દન નવું નામ સામે આવે અથવા ખેંચતાણ વધે તો નિર્ણય પેન્ડિંગ પણ રહી શકે છે. રાયના તમામ મહાનગરોમાં સૌથી વધુ ખેંચતાણ અને જૂથવાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદ માટે જોવા મળ્યો છે, અન્યત્ર પણ ખેંચતાણ છે પરંતુ રાજકોટ શહેર જેવી ભડકે બળતી સ્થિતિ કયાંય નથી.
મહાનગરોમાં પ્રમુખ રિપિટ કરવા તેમજ જેમની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થઈ નથી તેમને રિપિટ કરવા બે મુદા મુખ્ય વિચારણામાં છે, તદઉપરાંત આવતા વર્ષે ૨૭ ટકા ઓબીસી અનામત સાથે મહાપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે તે બાબતને ધ્યાને લઇ પ્રમુખની નિયુકિત થશે. રાજકોટમાં મુકેશભાઈ દોશીને રિપિટ કરવાની વિચારણા ચાલી રહી છે અને જો રિપિટ ન કરાય તો અન્ય દાવેદરોમાં કશ્યપ શુકલ, દેવાંગ માંકડ અને ડો.જૈમન ઉપાધ્યાયના નામો મુખ્ય વિચારણામાં છે અને તેમના નામ માટે પ્રદેશથી લઈને દિલ્હી સુધી અલગ અલગ નેતાઓ લોબિંગ પણ કરી રહ્યા છે.
મુકેશભાઇ દોશી તેમની કામગીરીના આધારે મેરિટમાં આવી પ્રમુખપદે રિપિટ થવા મહેનત કરી રહ્યા છે અને અમુક નેતાઓ તેમના નામની ભલામણ કરી રહ્યા છે, યારે કશ્યપ શુકલ છેલ્લે ૨૦૧૦માં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હતા ત્યારબાદ પંદરેક વર્ષથી કોઈ મુખ્ય હોદ્દા ઉપર આવ્યા ન હોય તેમની શકિતનો ઉપયોગ કરવા તેમને પદ આપવા એક જૂથ ભલામણ કરી રહ્યું છે તદઉપરાંત પાણી જૂથ પણ પડદા પાછળથી શુકલની તરફેણમાં આવ્યું છે. પાણી જૂથમાંથી પ્રમુખ પદના મુખ્ય દાવેદાર ડો.જૈમન ઉપાધ્યાય છે પરંતુ જો તેમના નામ ઉપર પસંદગીની મહોર ન લાગે તો પાણી જૂથ વિકલ્પે કશ્યપ શુકલ નામની તરફેણમાં છે. યારે દેવાંગ માંકડના નામ માટે રાયસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ખુલી તરફેણ કરી હતી તેમજ હાલમાં પણ ભાજપ અને સંઘનો એક વર્ગ દેવાંગ માંકડ માટે લોબિંગ કરી રહ્યો છે. મુકેશ દોશીને રિપિટ કરવા માટે સંગઠનના વર્તમાન હોદેદારો અને મ્યુનિ.પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાંખના કોર્પેારેટરો સક્રિય છે, જો કે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહએ તેમની વિધ્ધમાં સેન્સ આપી હોવાનું બહાર આવ્યું છે.
હાલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, રત્નાકરજી, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડ, સહ ચૂંટણી અધિકારી ધવલભાઈ દવે અને હિતેશભાઈ પટેલ સહિતના પ્રદેશ આગેવાનો દિલ્હીમાં છે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટેનો મામલો ચર્ચામાં ચાલી રહ્યો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ હાલ અમદાવાદ અને ગાંધીનગર દોડધામ કરી રહ્યા છે. જો બધું સમુ સુત પાર ઉતરે તો આજે રાત્રે કે કાલ સુધીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ જશે અને જો જૂથવાદ વચ્ચે વિવાદ વધશે તો કઇં પણ થઈ શકે છે. બે જૂથની લડાઈમાં ત્રીજું કોઇ ફાવી જાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી

33 માંથી 22 જિલ્લા પ્રમુખ, ચાર મહાનગરોના પ્રમુખ નિયુક્ત થયેથી પ્રદેશ માળખું રચી શકાય
રાજકીય વર્તુળોમાં પણ ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે પક્ષની જે પરંપરા અને બંધારણીય નિયમો છે તે મુજબ તમામ જિલ્લા અને તમામ મહાનગરોના પ્રમુખની નિયુક્તિ થાય ત્યારબાદ જ પ્રદેશ માળખું રચી શકાય તેવું નથી કુલ 33 માંથી 22 જિલ્લા પ્રમુખ અને કુલ આઠમાંથી ચાર મહાનગરોના પ્રમુખની નિયુક્તિ થઈ જાય ત્યારબાદ તુરંત જ પ્રદેશ માળખું રચી શકાય છે. રાજકોટ સહિત જે શહેરોમાં વધુ જૂથવાદ અને ડખા ચાલી રહ્યા છે તેવા શહેરોમાં પ્રમુખની નિયુક્તિ પ્રદેશ માળખાની રચના બાદ પણ થઈ શકે છે. એકંદરે રાજકોટ સહિતના શહેરો કે જ્યાં આગળ આંતરિક વિવાદ ચાલી રહ્યા છે તેવા શહેરોના પ્રમુખ પદની નિયુક્તિ પેન્ડિંગ રાખીને પણ પ્રદેશ માળખું રચવાની પ્રક્રિયા આગળ વધી શકે છે. રાજકોટના કારણે અન્ય નિયુક્તિઓ પેન્ડિંગ રાખી શકાય નહીં. તદુપરાંત અન્ય મહાનગરોમાં જે પ્રમુખ નિયુક્ત થાય તેની પારસ્પરિક અસર રાજકોટ ઉપર પણ આવશે. ખાસ કરીને જ્ઞાતિના સમીકરણોમાં અન્ય મહાનગરોમાં કઈ જ્ઞાતિના પ્રમુખ નિયુક્ત કરાયા છે તે મુજબ ખાલી રહેતી જગ્યા ઉપર અન્યત્ર તક ન મળી હોય તે જ્ઞાતિના પ્રમુખ નિયુક્ત થાય તેવું સામાન્ય રીતે બનતું આવ્યું છે.

દોશી પ્રમુખ બન્યા ત્યારે લીસ્ટમાં નામ નહોતું!
મુકેશભાઇ દોશીની જ્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે નિયુક્તિ થઈ ત્યારે પ્રબળ દાવેદાર તરીકે અન્ય નામો ચચર્મિાં હતા અને 1થી 100 ક્રમ સુધીના દાવેદરોમાં પણ ક્યાંય મુકેશભાઇ દોશીનું નામ ન હતું છતાં પક્ષએ તેમને પ્રમુખ બનાવ્યા હતા.

પ્રદેશમાં સમીક્ષા બાદ અમુક નામોને અગ્રસ્થાન
રાજકોટમાંથી દાવેદારી રજૂ થયા બાદ તમામ 29 નામો જે ક્રમ મુજબ દાવેદારી રજૂ થઈ તે મુજબ પ્રદેશ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, અલબત્ત તે પૈકી અમુક નામો વોર્ડ લેવલ તેમજ અમુક ફક્ત કાર્યકર્તા  લેવલના હોય આથી પ્રદેશએ અમુક દાવેદરોના નામને અગ્ર સ્થાન આપ્યું હતું.

રાજકોટમાં જનરલ કેટેગરીને પ્રમુખ પદની સંભાવના
રાજકોટ મહાનગરમાં જનરલ કેટેગરીના દાવેદરોમાંથી કોઈની નિમણુંક થાય તેવી પ્રબળ સંભાવના છે, 29 દાવેદરોમાંથી કોઈની પસંદગી થાય કે તે સિવાયના કોઈની પસંદગી થાય મોટા ભાગે તે જનરલ કેટેગરીના જ હશે તેમ મનાય રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application