ઉંચા ભાડાનો મોહ રાખ્યા વિના નગરપાલિકા શોપિંગ સેન્ટરનું કરે લોકાર્પણ

  • November 29, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં કેટલાક વર્ષો પહેલા પોરબંદર નગરપાલિકાના તંત્રએ શાકમાર્કેટ કમ સુપરમાર્કેટનું નિર્માણ કર્યું હતુ અને ત્યારબાદ તે દુકાનો અને થડાની હરરાજી કરવા માટે પ્રયત્નો કર્યા હતા,પરંતુ ઊચુ ભાડુ રાખ્યુ હોવાથી કોઈ વેપારીઓએ તેને ભાડે રાખવામાં રસ દાખવ્યો ન હતો.તેથી આ સુપર માર્કેટ કમ શોપિંગ સેન્ટરની ઇમારત અત્યંત બિસ્માર બની ગઈ હતી.ત્યારબાદ બે વખત તેનું લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું છે,પરંતુ ત્યારબાદ પણ હજુ સુધી તેને શ‚ કરવામાં આવી નથી.નગરપાલિકાનું તંત્ર ખુબ જ ઊંચા ભાડાનો મોહ રાખી રહ્યું છે તેથી એટલું ઊંચું ભાડું કોઈને પોસાય તેમ નહી હોવાથી હરરાજીમાં તેનું કશું ઉપજતું નથી.જેના કારણે આ વિસ્તારના લોકો પણ સુવિધાથી વંચિત છે.અહીંયા નજીકમાં જ આશા  હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં શાકભાજીના ધંધાર્થીઓ લારીઓ રાખીને વેપાર ધંધો કરે છે,તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ મસ મોટા ભાડાનો આગ્રહ રાખ્યા વગર આ લારીના નાના ધંધાર્થીઓને ઈમારત ભાડે આપી દેવી જોઈએ જેનાથી નગરપાલિકાને પણ બે પૈસાની આવક થશે અને ધંધાર્થીઓને પણ શાકભાજીના વેચાણ માટે સારું એવું સ્થળ મળશે માટે નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે વહેલી તકે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે.
પોરબંદરમાં પેરેડાઇઝ સિનેમા પાસે નગરપાલિકાએ બનાવેલું શોપિંગ સેન્ટર ખંડેર બની ગયું છે દસ વર્ષ જેટલો સમય વિતી ગયો છે શોપિંગ સેન્ટર બનાવાયું તેને છતાં હજુ પણ પાલિકા દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.
શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં
પોરબંદરમાં પેરેડાઇઝ સિનેમા પાસે આવેલું નગરપાલિકાનું શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત અવસ્થામાં છે,શોપિંગ સેન્ટરના  દુકાનના શટલ તુટી-ફુટી ગયા છે,શોપિંગ સેન્ટરની દીવાલ નબળી પડી ગઈ છે દુકાનની છત જર્જરિત અવસ્થામાં છે બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશય થઇ જાય તેવી હાલતમાં છે શોપિંગ સેન્ટરનું આખું વાયરિંગ બળી ગયું છે,શોપીંગ સેન્ટરનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે.
શોપિંગ સેન્ટર બનાવવાનો હેતુ પોકળ ગયો
નગરપાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરનો હેતુ  તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી વસ્તુઓ મળી રહે તે માટે શાકમાર્કેટ કમ શોપિંગ સેન્ટર બનાવવાનો હતો.તેની આજુબાજુનો વિસ્તાર જેમકે પેરેડાઇઝ, જુરીબાગ,કુમકુમ કોલોની, કલેકટરના બંગલા પાસેનો વિસ્તારના લોકોને ખરીદી કરવા માટે દુર જવું ન પડે અને નજીકમાં જ તેને બધી જ વસ્તુઓ મળી રહે તે માટેનો હતો પરંતુ આ બિલ્ડિંગની જોતા એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાનો શોપિંગ સેન્ટર બનાવવાનો હેતુ નિષ્ફળ ગયો છે શોપિંગ સેન્ટરમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે ગાય નંદીનું સામ્રાજ્ય ત્યાં જોવા મળે છે આજુબાજુના લોકો ત્યાં છાણા થાપે છે આ દ્રશ્ય જોઇને એવું લાગે છે કે છાણાનું શોપિંગ સેન્ટર હોય.
શોપિંગ સેન્ટર બન્યું અસામાજિક તત્વોનો સેન્ટર
નગરપાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરમાં જુગારીઓએ શોપીંગ સેન્ટર ને જુગારનો અડ્ડો બનાવી દીધો છે રાત્રે ત્યાં જુગારધામ ધમધમે છે દા‚ની મહેફિલ પણ ત્યાં જામે છે આવારાતત્વો દ્વારા ઘણીવાર શોપિંગ સેન્ટરને આગ પણ લગાડવામાં આવે છે આવારાતત્વોની અસામાજિક પ્રવૃત્તિઓથી શોપિંગ સેન્ટરની પાસે રહેતા લોકો પણ ત્રાહિમામ થઈ ચુક્યા છે.
પ્રજાના પરસેવાની કમાણી પાણીમાં!?
નગરપાલિકાએ બનાવેલું શોપિંગ સેન્ટર પ્રજાએ  ભરેલા ટેક્સમાંથી જ બન્યું છે,દસ વર્ષથી બનેલું શોપીંગ સેન્ટરનું લોકાર્પણ હજુ થયું નથી,વેપારીઓએ અનેક વખત રજુઆત કરેલી કે,તેને દુકાન ક્યારે ફાળવાશે ત્યારે કહ્યું કે,વેપારીઓને શોપિંગ સેન્ટરની દુકાનો ડ્રો સિસ્ટમ દ્વારા  ફાળવવામાં આવશે હજી સુધી શોપીંગ સેન્ટરનું લોકાર્પણ થયું નથી. 
લોકાર્પણના નામે લોલીપોપ
નગરપાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરને એક દાયકા જેટલો સમય થઈ ગયો છે છતાં હજુ નગરપાલિકાનું તંત્ર ઊંઘતું  હોય તેમ શોપીંગ સેન્ટરનું લોકાર્પણ હજી સુધી થયું નથી,ત્યારે લોકો દ્વારા નગરપાલિકાના તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં લોકોના હાથમાં લોકાર્પણ ના નામે લોલીપોપ પકડાવી દે છે વિકાસની વાતો કરતા તંત્રનો શોપિંગ સેન્ટર એક ઉત્કૃષ્ટ નમુનો છે એક દાયકાથી જે તંત્ર એક શોપિંગ સેન્ટરનું લોકાર્પણ ન કરી શકે તેની પાસે બીજા કામની તો શું અપેક્ષા રાખવી? તેવો સવાલ લોકો દ્વારા ઉઠવા પામ્યો છે.
આમ પોરબંદર નગરપાલિકાના તંત્રએ શોપિંગ સેન્ટર તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી તેનું લોકાર્પણ કરવું જોઈએ જેથી તંત્રએ લોક પ્રશ્ર્નને ધ્યાનમાં રાખીને શોપીંગ સેન્ટરનું તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application