શિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી

  • February 24, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાશિવરાત્રી પર્વે નગરમાં પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્ય પાલખીનું જ રહેશે. કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુધ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૂપની પ્રતિમા ને લઈને પ્રત્યેક ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે શુધ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે.


મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટબલ ટ્રસ્ટને ભાવિકો દ્વારા ધરવામાં આવેલી રકમ ઉપરાંત પૂર્વ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના આર્થિક યોગદાનથી સુવર્ણનું ત્રિશૂલ, ડમરું, ઉપરાંત અન્ય શિવ ભક્તો દ્વારા લલાટમાં ત્રીજું નેત્ર તેમજ શેષનાગ આશુતોષ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે.


તદ્‌ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા મસમોટું સુવર્ણનું છત્ર શિવાર્પણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિની સાથે સુવર્ણ મઢીત રૂદ્રાક્ષની માળા તથા કુંડળ પણ અર્પણ કરાયેલા છે.


જ્યારે સોનાથી મઢીત શિવજીની પાઘડી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત રજત મઢીત ભગવાન શિવજીનું સિંહાસન પણ તૈયાર કરાયું છે. જેની સાથે સાથે આશુતોષજી મહાદેવ ની સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) તૈયાર કરવામાં આવી છે. શિવશોભા યાત્રામાં સમગ્ર સુવર્ણ અલંકારોથી સજ્જ કરીને આશુતોષજીના સ્વરૂપે દર્શનાર્થે મુકવામાં આવશે, આ શિવરાત્રીએ જામનગરના શિવ પ્રેમી ભકતગણ સુવર્ણ અલંકારોથી સજ્જ શિવજીના દર્શન નિહાળી ગદગદ થશે.


શોભાયાત્રાના સંચાલન અને સંકલન માટે પાલખી સમિતિ: સંકલન સમિતિ અને ફલોટ સમિતી રચાઇ

 હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા મહા શિવરાત્રી ના પર્વે યોજાનારી શિવ શોભા યાત્રાના સફળ સંચાલન માટે ૪૬ સભ્યોની સંકલન સમિતીની રચના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવશે, જેના કન્વીનર તેમજ સહ કન્વીનર તરીકે ત્રણ સભ્યોની નિમણુંક કરવામાં આવશે, તેમજ દિલીપભાઇ આહીર, સંજયભાઇ મુંગરા, જીગરભાઇ રાવલ, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, રાજેન્દ્રસિંહ સોઢા, રમેશભાઇ વેકરીયા, વિનાયક ઠાકર, ધીમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, બ્રીજેશ નંદા, સંદીપ વાઢેર, ભાર્ગવ ઠાકર, નંદલાલ કણઝારીયા, પરેશ પીઠડીયા, રાહુલ જોશી, અશોકભાઇ ઠકકર, મનિષભાઇ સોઢા, સંદિપભાઇ વાઢેર, ચંદ્રવદન ત્રિવેદી, કમલેશ પંડયા, દિપક ગાંધી, નિલેશભાઇ આચાર્ય, હેમલ ગુસાણી, કિશનભાઇ ગઢવી, જીમીભાઇ ભરાડ, નિરૂભા જાડેજા, મનોજભાઇ પરમાર, અશોકભાઇ બાલસરા, યોગેશભાઇ જોષી, મયુરભાઇ હરવરા, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઇ ગાલા, મિતેષભાઇ મહેતા, ચીરાગ ઓઝા, મહાવિરસિંહ વાળા, યોગેશ ઝાલા, વિપુલભાઇ મંગી, જસ્મીનભાઇ વ્યાસ, દિપેશ કણઝારીયા, પ્રતીક કટેશીયા, નિશ્ચિત પંડયા, ઉમેશભાઇ જોષી, દિવ્યરાજ ચાવડા, પ્રતિક ભટ્ટ, રાજ ત્રિવેદી, ચિરાગ સોની, કાનાભાઇ મેતા, આશીષભાઇ નકુમ, સંદિપભાઇ સોનગરા, ચિરાગ ઝીંઝુવાડીયા, જયદિપસિંહ જાડેજા, દિપકભાઇ પિલ્લઇ, કિશન ફલીયા, રાહુલભાઇ નંદા, જય બખતરીયા, અભી મદાણી, રાહુલ ચૌહાણ, અમર દવે, વૈભવ રાવલ, સંદિપભાઇ સોલંકી, વિશાલભાઇ પંડયા, નિર્મળભાઇ સોલંકી, અજયભાઇ ગોસ્વામી, વગેરેની નિમણુંક કરવામાં આવી છે. જેઓ દ્વારા સમગ્ર શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત ૭૦ સભ્યોની પાલખી સમિતિ બનાવાઈ છે, જેઓ દ્વારા સમગ્ર રૂટ પર ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની આરાધના કરશે.  જયારે બાકીના અન્ય ફલોટ નું સંચાલન કરવા માટે ૨૪ સભ્યોની ફ્લોટ સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેઓ શોભા યાત્રાના રૂટ પર તમામ ફ્લોટ્સ નું સંચાલન કરશે.


જામનગરના સેતાવાડ વિસ્તારમાં ભગવાન શિવજીની પાલખીના સ્વાગત માટે ભવ્ય ઇલેક્ટ્રોનિક આતશબાજી

૨૦ ફૂટ ઊંચું ટ્રસ્ટ ગોઠવી ૪૮ કોઇલ ફાયર તેમજ ૪૦ અવકાશી શોટ અને ૪૮૦ ફાયર ક્રેકર ની આતશબાજી થશે


જામનગરના સેતાવાડ વિસ્તારના ગજ કેસરી યુવા સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહાશિવરાત્રી ના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવે છે, તેમજ ભગવાન શિવજીની પાલખીના સ્વાગત માટે પણ પ્રતિવર્ષ વિશેષ આકર્ષણો ઊભા કરાય છે. જેમાં આ વખતે ભગવાન શિવજીના પાલખીના સ્વાગત સમયે ભવ્ય ઇલેક્ટ્રોનિકસ આતશબાજી ગોઠવવામાં આવી છે. અને જામનગરના શિવ ભક્તો માટે અનેરુ આકર્ષણ ઊભું કરાયું છે.  ગજ કેસરી યુવા સંગઠનની ટીમ દ્વારા સેતાવાડ વિસ્તારમાં ૨૦ ફૂટ બાય ૨૦ ફુટનું ટ્રસ્ટ ઊભું કરાયું છે, જેમાં પ્રથમ ટ્રસ્ટમાં કોઇલ ફાયર ગોઠવાઈ છે, જેમાં ૮ ગ્રુપમાં ૬ વખત એટલે કે કુલ ૪૮ કોઈલ ફાયર સાથે ભગવાન શિવજીની પાલખી નું સ્વાગત કરાશે. ત્યારબાદ બીજું ટ્રસ્ટ ગોઠવીને તેમાં રંગબેરંગી લાઈટો ગોઠવી આકાશમાં ઇલેટ્રોનિક્સ ના ૪૦ ફાયર કરીને પણ ભવ્ય સ્વાગત કરી નગરના આકાશને રંગીન બનાવી દેવામાં આવશે. તેમજ ૪૮૦ ક્રેકર ફાયરિંગ કરીને ભગવાન શિવજીની પાલખીને ભવ્ય આવકાર અપાશે. ઉપરોક્ત સ્થળે ગજ કેસરી યુવા સંગઠન દ્વારા હિન્દુ શબ્દ અંકિત કરેલા ૧૭ બાય ૨૦ ફૂટના વિશાળ કદના ભગવા ધ્વજ ને સમગ્ર શિવરાત્રીના દિવસ દરમિયાન લહેરાવવામાં આવશે, અને ભક્તિમય વાતાવરણ ઊભું કરાશે. તેમજ ૨૫,૦૦૦ વોટ ની સાઉન્ડ સિસ્ટમ સાથે ડી.જે. ઓપરેટર દ્વારા સમગ્ર દિવસ દરમિયાન ભગવાન શિવજીના અલગ અલગ ગીતો-ભજનોની ધૂન વગાડીને સેતાવાડ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરી દેવાશે. જે સમગ્ર તૈયારી માટે ગજ કેસરી યુવા સંગઠનની ટીમ છેલ્લા એક માસથી જહેમત લઈ રહી છે.


પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર થી હાલાર હાઉસ સુધીનો સમગ્ર વિસ્તાર ધજા પતાકાથી શણગારાશે

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં કોળી સમાજના આગેવાન હિતેશભાઈ બાંભણિયા દ્વારા આ વખતે ભગવાન શિવજીના ઉત્સવને ઉજવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, અને તેઓની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને ધજા-પતાકા થી શણગારવા માટેનું આયોજન કરાયું છે. શોભાયાત્રા ના પ્રારંભ ના સ્થળ સિધ્ધનાથ મહાદેવના મંદિરથી છેક હાલાર હાઉસ સુધીના વિસ્તારમાં ભગવાન શિવજીની પાલખીનું સ્વાગત અને શોભાયાત્રા માં જોડાનારા શિવભક્તો માટે જુદા જુદા સ્થળે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે માટે ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે.


જામનગરમાં મહાશિવરાત્રીના પર્વે યોજનારી ૪૪મી ચલિત શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો: સતવારા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં શિવ વિલાપનું દ્રશ્ય ભજવી અઘોરી ભસ્મરાસ તથા તલવાર રાસ યોજાશે

જામનગરમાં સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર) દ્વારા શોભાયાત્રા દરમિયાન પ્રતિવર્ષ વિશેષ આકર્ષણ ઊભા કરવામાં આવે છે, જેમાં ભગવાન શિવજી ના સુંદર અને આકર્ષક ફલોટ્સની સાથે ડી.જે. અને પ્રસાદરથ સહિતના ચાર વાહનો જોડીને શોભા યાત્રાના સમગ્ર રૂટ પર ભગવાન શિવ અને પાર્વતી નું અવતરણ કરીને ભગવાન શિવજીના પાર્વતી વિનાના વિલાપ ના દ્રશ્યો ભજવાશે. સાથો સાથ ૧૮ જેટલા તરવૈયા યુવાનો દ્વારા અઘોરી ની વેશભૂષા ધારણ કરીને અલગ અલગ પિરામિડ રજૂ કરવામાં આવશે. તેમજ ભસ્મ રાસ પણ યોજાશે. જેના માટે મોટા કદના ૩૦ બાચકા જેટલી ભસ્મ સમગ્ર સતવારા સમાજના બહેનોના ઘરમાંથી રસોઈ દરમિયાન એકત્ર થયેલી ભસ્મ ને એકત્રિત કરીને તેનો ભસ્મરાસ યોજાશે. આ ઉપરાંત ૧૩-૧૩ યુવાનોની અલગ અલગ બે ટુકડીઓ બનાવી છે, અને તેઓ દ્વારા આકર્ષક વેશભૂષા ધારણ કરીને સમગ્ર શોભાયાત્રાના રૂટમાં ઠેર ઠેર તલવાર રાસ નું પણ આયોજન કરાયું છે. જે સમગ્ર શોભાયાત્રા ના રૂટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.


જામનગરના ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલો ૧૮ ફૂટ ઉંચાઈ વાળો રામેશ્વર મંદિર સાથેનો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બનશે

જામનગરના ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા મુખ્ય કાર્યકર મેરૂભાઈ ની આગેવાનીમાં રાજપાર્ક વિસ્તારમાં સર્વે શિવ ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. જે ટીમ દ્વારા રામેશ્વરમાં આવેલા વિશાળ કદના શિવમંદિર જેવી જ ૧૮ ફૂટના કદની શિવમંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, અને તેના માટેનો ખાસ વિશેષ રથ બનાવાયો છે. જે રથમાં મંદિર નું નિર્માણ કરીને રંગબેરંગી લાઈટો થી શુશોભીત કરાયું છે, અને શોભાયાત્રા ની સાથે નગર ભ્રમણ કરશે. જે ફ્લોટ્સ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જામનગરના શિવ ભક્તોને આ મંદિરની સાથે ફોટો વિડીઓ અથવા સેલ્ફી ફોટો પડાવવા માટેની પણ તક અપાશે. આ ગ્રુપ દ્વારા રામેશ્વર મંદિરના ફલોટ ની સાથે ડી.જે. તેમજ પ્રસાદ વિતરણ ના રથ ને પણ જોડવામાં આવશે.


જામનગરના ભગવા રક્ષક ગ્રૂપ દ્વારા ઉજ્જૈન મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવીને લોકોના દર્શનાર્થે મુકાશે

જામનગરના રાજપાર્ક વિસ્તારના ભગવા રક્ષક ગ્રુપ કે જેના સંચાલક આકાશભાઈ ની આગેવાની હેઠળ રાજ પાર્ક વિસ્તારના જ કેટલાક યુવકો દ્વારા ભગવાન શિવજીનો ઉત્સવ મનાવવા માટે આ વખતે પણ વિશેષ આકર્ષણ ઊભું કરાયું છે, અને ઉજ્જૈનમાં આવેલા ભગવાન શિવજીના મંદિરની આબેહૂબ ઝાંખી તૈયાર કરાઈ છે. જેના માટે એક રથ તૈયાર કરીને તેમાં ઉજ્જૈન મંદિર જેવી જ પ્રતિકૃતિ બનાવાઇ છે, અને તેને ઝળહળતી લાઈટોથી સજાવીને શોભાયાત્રા ના રૂટ પર જોડવામાં આવશે, અને નગરજનોને આ શિવ મંદિર ના દર્શનનો પણ લાહવો મળશે. જે મંદિર સાથે સર્વે ભક્તોને ફોટોગ્રાફી- વિડિયોગ્રાફી કરવા માટેની તક અપાશે. સાથો સાથ રથ ને ખેંચવા માટેની પણ તક અપાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application