ભાવ વધારો: સરકારે દેશી દારૂના લીટરના ભાવ રૂા.૨૦૦ કર્યા

  • September 11, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી આમ છતાં રાજયમાં રોજીંદા લાખો રૂપિયાના મોઢે વિદેશી દારૂ ઠલવાય છે અને પકડાય પણ છે. દેશી દારૂ તો ઘર આંગણે ઘણા એવા શહેર કે ગ્રામ્ય વિસ્તારો છે કે ગૃહઉધોગની જેમ હજારો લીટર દેશી દારૂ રોજ બનતો હશે. પોલીસ દેશી દારૂ પકડે છે પરંતુ સાવ મામુલી રકમ જેવો કેસ થતો હોય છે. હવે રાજય સરકારના ગૃહ વિભાગે દેશી દારૂમાં ભાવ વધારો કર્યેા છે. સરકારના ચોપડે હવે દેશી દારૂની એક લીટરની કિંમત ૨૦૦ રૂપિયા ગણાશે.
દેશી દારૂની ભઠ્ઠીઓ કે ધંધાર્થીઓને પોલીસ પકડે ત્યારે દેશી દારૂની કિંમત અત્યાર સુધી પોલીસ ચોપડે ૨૦, ૨૫, ૫૦ રૂપિયા હોવાથી દેશી દારૂનો ૧૦૦, ૨૦૦ લીટરનો જથ્થો પકડે તો પણ માંડ પાંચ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલનો કેસ થતો હતો. હવે સરકારે જ એક લીટરના ૨૦૦ રૂપિયા ભાવ નકકી કર્યેા છે અને વોશ (આથો)નો ભાવ ૨૫ રૂપિયા ચોપડે ફીકસ કરાયો છે. આ નવા ભાવને લઇને હવે દેશી દારૂમાં પણ ગણનાપાત્ર કેસોમાં આંકડો એકાદ લાખથી વધુમાં પહોંચશે.

તાજેતરમાં જ બે દિવસ પહેલા તા.૯ના રોજ ગણનાપાત્ર કેસ માટે દેશી દારૂ, વિદેશી દારૂ અને નશીલા પદાર્થની કિંમત નકકી કરવા માટે રાજયના ગૃહવિભાગ દ્રારા એક નવો સરકયુલર જાહેર કરાયો છે. જેમાં તા.૧૫–૯–૨૦૦૫ના સુધારા ઠરાવ સાથે હવે એ વખતે નિયત કરેલી દારૂ, નશીલા પદાર્થેાની કિંમત મર્યાદાના બદલે નવા ભાવ જાહેર કરાયા છે.આ પરિપત્રમાં ગણનાપાત્ર કેસો માટે દેશી દારૂની કિંમત રૂપિયા એક લાખ, જેમાં પકડાયેલા દેશી દારૂની કિંમત પ્રતિ લિટર રૂપિયા ૨૦૦ અને વોશની કિંમત પ્રતિ લીટર રૂપિયા ૨૫ ગણવાની રહેશે. જયારે વિદેશી દારૂમાં કવોલિટી કેસમાં ૨.૫૦ લાખ અને નશીલા પદાર્થમાં પણ ૨.૫૦ લાખનો જથ્થો પકડાય તે કવોલિટી કેસમાં ધ્યાને લેવાશે તેવું જાહેર કરાયું છે.નવા પરિપત્ર આવતા પોલીસ મથકો અને કર્મચારીઓમાં એવો ગણગણાટ ચાલુ થયો છે કે, હવે આપણે પણ ભાવ વધારો કરવા પડશે. અત્યાર સુધી ૨૫, ૫૦ રૂપિયા ગણાતા હતાં તેના બદલે ૨૦૦ રૂપિયા લેખે દેશી દારૂનો ભાવ માંડવો પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application