સુમરા ગામમાં માતાએ ચાર માસુમ સંતાનો સાથે કુવો પુર્યાની હૈયુ હચમચાવતી ઘટના: આર્થિક સંકળામણના કારણે પગલુ ભર્યાનું તારણ : ભરવાડ પરિવારમાં ભારે અરેરાટી : આજે સવારે અંતીમ યાત્રા નીકળતા ગામ હીબકે ચડયું
ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ગઇકાલે હૈયુ હચમચાવતી અને પંથકમાં હાહાકાર મચાવતો કિસ્સો બન્યો હતો જેમાં માતાએ પોતાના ચાર માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક રીતે આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી. બનાવના કારણે સુમરા ગામમાં સોંપો પડી ગયો હતો દરમ્યાન ધ્રોલ પોલીસ ટુકડી દોડતી થઈ હતી અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આર્થિક સંકળામણના કારણે ગરીબ પરિવારનો માળો વિખાયાનું જાણવા મળ્યું છે, આજે સવારે નાના એવા ગામમાં એકી સાથે પાંચ-પાંચ અર્થીઓ ઉઠતા ગામ હિબકે ચડયુ હતું.
ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની ૩૨ વર્ષની ભરવાડ મહિલાએ ગઇકાલે બપોરે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર સંતાનો જેમાં આયુષ (ઉંમર ૧૦) આજુ (ઉંમર વર્ષ ૮) આનંદી (ઉંમર વર્ષ ૬) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ ૩)ને સાથે લઈને કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી.
આ બનાવ ની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોલની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ બનાવ ને લઈને ધ્રોલ પોલીસ દ્વારા ભરવાડ પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરે ના નિવેદનો લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના કારણે નાના એવા સુમરા ગામમાં કરુણતા સર્જાઈ છે. અને એક પણ ચૂલો સળગ્યો ન હતો મોડી રાત્રે તમામ હતભાગીના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા, ધ્રોલ પીઆઇ રાઠોડ અને પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, આ બનાવ અંગે ધ્રોલના ખીજડીયા ગામના વતની અને હાલ ગોંડલ રોડ, મચ્છરનગર ખાતે રહેતા નારણ ભલાભાઇ ચાવડીયા નામના ભરવાડ યુવાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેમાં કોઇ અગમ્ય કારણસર સુમરા ગામે સ્મશાનની બાજુમાં આવેલા કુવામાં પડી જતા ડુબી જવાથી ઉપરોકત મહિલા અને માસુમોના મૃત્યુ થયાનું જણાવ્યુ હતું.
વધુમાં મળેલી વિગતો મુજબ મૃતક મહિલા ભાનુબેનના પતિ ગઇકાલે ઘેટા-બકરા ચરાવવા ગયા હતા અને પાછળથી આ બનાવ બન્યો હતો, બાળકો સ્કુલે ગયા હતા અને મોડે સુધી પરત નહી ફરતા તેમના દાદાએ આ અંગે વાત કરી હતી અને તપાસ કરતા સ્કુલે ન હોવાનું જાણમાં આવ્યુ હતું આથી ઘર નજીક આવેલા કુવામાં તપાસ કરતા મૃતકના મોટા પુત્રનો મૃતદેહ પાણીમાં તરતો હોવાનું જાણમાં આવતા અરેરાટી ફેલાઇ ગઇ હતી અને આજુબાજુના ગ્રામજનો ભેગા થઇ ગયા હતા કુવામાં શોધખોળ કરી હતી. કરુણ બનાવની જાણ થતા ભરવાડ સમાજના આગેવાન ગોકુલ વરુ, છેણાભાઇ ભરવાડ સહિતના મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પાણી વધુ હોવાથી પાણી ઓછુ કરવા ઇલે. મોટરની મદદ લેવાઇ હતી અને ગ્રામજનો દ્વારા એક પછી એક મૃતદેહો બહાર કાઢતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા, આર્થીક સંકળામણના કારણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે, આમ ગરીબીના કારણે પરિવારનો માળો વિખાઇ જતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આજે સવારે માતા અને ચાર માસુમ સંતાનોની એકી સાથે અર્થી નીકળતા ગામ હિબકે ચડયુ હતું અને ભરવાડ સમાજમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.