સચાણામાં ઝાળ નાખતી વેળાએ ફસાઇ જતા ડુબી જવાથી માછીમારનો ભોગ લેવાયો : ખીલોશમાં ઝેરી દવા પી યુવાને મોત મીઠુ કર્યુ : જામનગર અને દરેડમાં બે યુવાનના ગળાફાંસા
જામનગર શહેર, જીલ્લામાં યમરાજનું કાળચક્ર ફરી વળ્યુ છે જેમાં કુલ ચાર અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે, સચાણામાં માછલી પકડવા ગયેલા યુવાનનું ઝાળ નાખતી વેળાએ ફસાઇ જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યુ નિપજયુ છે, રામેશ્ર્વરનગર અને દરેડમાં બે યુવાને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે ખીલોશ ગામમાં ઝેરી દવા પીને એક યુવાને મોત મીઠુ કરી લીધુ છે.
જામનગર નજીક સચાણા ગામમાં રહેતા જાફરભાઇ રજાકભાઇ કકકલ (ઉ.વ.૩૪) નામનો યુવાન ગત તા. ૧૬-૫-૨૫ના સમય દરમ્યાન સચાણા ગામ દરીયાઇ વિસ્તારમાં માછલી પકડવા માટે ગયા હતા ત્યાં દરીયામાં માછલી પકડવાની જાળી નાખવા જતા ઝાળમાં ફસાઇ જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે સચાણામાં રહેતા ફીશીંગના ધંધાર્થી આબીદ રજાકભાઇ કકકલ દ્વારા બેડી મરીન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રામેશ્ર્વરનગરના રાજરાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતા વિજયસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૩૫) નામના યુવાને ગત તા. ૧૫ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પંખાના હુકમાં ચાદર વડે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી, સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જતા જયા તેમનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે હરદેવસિંહ જાડેજા દ્વારા સીટ-બી પોલીસને જાણ કરી હતી.
અન્ય બનાવમાં જામનગર તાબેના ખિલોશ ગામમાં રહેતા સાગર આણંદભાઇ ચૌહાણ (ઉ.વ.૨૮) નામના યુવાને ગત તા. ૨ના રોજ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ થયુ છે આ અંગે પ્રવિણભાઇ ચૌહાણ દ્વારા પંચ-એમાં જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુળ યુપીના હાલ દરેડ ગામ મસીતીયા રોડ ખોલીમાં રહેતા રંજીત હરીશકુમાર મૌર્ય (ઉ.વ.૨૦) નામના યુવાનને તેની પત્ની રજની સાથે બોલાચાલી થઇ હતી આથી તેણીએ તેનો ફોન લઇ લેતા આ બાબતનું મનમાં લાગી આવતા પોતાની મેળે મમાં લોખંડની આડીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે હરીશકુમાર મૌર્ય દ્વારા પંચ-બીમાં જાણ કરવામાં આવી હતી.