બુલડોઝર આડે સુઇ ધમાલ; ૧૦ મકાનનું ડિમોલિશન

  • September 25, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં મવડી વિસ્તારમાં સ્પીડવેલ ચોક પાસે અંબિકા ટાઉનશીપ રોડ નજીક આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રસ્તા અને મ્યુનિ.પ્લોટ ઉપરના ૧૦ મકાનો તોડી પાડવા માટે આજે સવારે મહાપાલિકાની ટીપી બ્રાન્ચનો કાફલો ત્રાટકયો હતો દરમિયાન રહીશોનું ટોળું એકત્રિત થયું હતું અને તે ટોળામાંથી અમુકએ બુલડોઝર આડે સુઇ જઇ ડિમોલિશન રોકવા ધમાલ મચાવી હતી. આ વેળાએ રાજકોટ ગ્રામ્ય બેઠકના પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર પણ સ્થળ ઉપર દોડી ગયા હતા તેમ જાણવા મળે છે. લગભગ ૯–૩૦થી ૧૨–૩૦ સુધી ત્રણ કલાક માથાકુટ ચાલ્યા બાદ મ્યુનિ. વિજિલન્સ પોલીસ અને સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ બપોરે ૧૨–૩૦થી ૧–૩૦ દરમિયાનમાં ડિમોલિશન હાથ ધરી તમામ ૧૦ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
વિશેષમાં મ્યુનિ.ટીપી બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોકત સ્થળે ૧૦ જેટલા ગેરકાયદે દબાણપ મકાનો દૂર કરવા અગાઉ ૨૦૨૩માં નોટિસ અપાઇ હતી ત્યારબાદ તાજેતરમાં આ અંગે લતાવાસીઓની રજુઆત મળતા ફરી બે નોટિસ અપાઇ હતી, નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતાં આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવા માટે ટીપી બ્રાન્ચની ટીમ બુલડોઝર સહિતના કાફલા સ્થળ ઉપર પહોંચી હતી. ડિમોલિશન શ થાય તે પૂર્વે જ ટોળું એકત્રિત થઇ ગયું હતું અને સ્ટાફ સાથે ડિમોલિશન નહીં કરવા મામલે ઉગ્ર બોલાચાલી કરી હતી તેમજ બુલડોઝર આડે સૂઇ જઇને ડિમોલિશન રોકવા પ્રયાસ કરાયો હતો. ત્રણેક કલાક સુધી માથાકૂટ ચાલી હતી. મ્યુનિ.વિજિલન્સ પોલીસનો બંદોબસ્ત તો હતો જ તે સિટી પોલીસ સ્ટાફનો પણ વધારાનો બંદોબસ્ત મંગાવી મામલો થાળે પાડવા પ્રયાસ કરાયો હતો તેમજ અમૂકની અટકાયત કરાઇ હતી ત્યારબાદ ડિમોલિશન શકય બન્યું હતું. બપોરે ૧૦ મકાનો ઉપર બુલડોઝર ફેરવી તોડી પડાયા હતા અને રસ્તા તેમજ પ્લોટની અંદાજે ૨૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાઇ હતી.
ઉપરોકત ડિમોલિશન વેળાએ વેસ્ટ ઝોન સિટી એન્જીનિયર મહેતા તેમજ વેસ્ટ ઝોન ટીપી બ્રાન્ચના સીતાપરા, શ્રીવાસ્તવ તેમજ વિજિલન્સ પોલીસ બ્રાન્ચનો સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ શ્રીનાથજી પાર્ક સોસાયટીના રહીશો મહાપાલિકા કચેરીએ ઉપરોકત ગેરકાયદે મકાનો અંગે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવી ગયા હતા તેમજ ગેરકાયદે મકાનોમાં ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોવાની રજૂઆત પણ તેમણે કરી હતી ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ સ્થળ નિરીક્ષણ કયુ હતું અને ગેરકાયદે બાંધકામો દૂર કરાશે તેવું તેમણે લત્તાવાસીઓને વચન આપ્યું હતું ત્યારબાદ આજે ઉપરોકત ડિમોલિશન કાર્યવાહી કરાઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application