પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ગુજરાતી સ્વાદની મહેક: રોટલા અને ગાંઠિયાની બોલબાલા

  • February 10, 2025 11:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલો મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે રોજગારીનો ઉત્તમ અવસર લઈને આવ્યો છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત પેવેલિયન નજીક ઊભી કરાયેલી કાફેટેરિયામાં ગુજરાતી વાનગીઓ બનાવવાની અને પીરસવાની જવાબદારી ગુજરાતથી આવેલી વિવિધ સખી મંડળની બહેનોને સોંપવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે, આ કાફેટેરિયામાં બનતા ગાંઠિયા અને કાઠિયાવાડી થાળીનો સ્વાદ અન્ય રાજ્યના સ્વાદ શોખીનોને પણ પસંદ પડી રહ્યો છે.


પ્રયાગરાજમાં ગંગા નદીના વિશાળ પટમાં રચાયેલા કુંભ મેળાના ખાસ નગરમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સેક્ટર-૬માં ભારદ્વાજ નગર પાસે એક વિશાળ પેવેલિયનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં યાત્રિકોને નજીવા દરે રહેવાની સગવડ આપવામાં આવે છે. યાત્રાળુઓની સગવડને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા 265 પથારીની સુવિધા સાથેના ડોમનું ઉદ્ઘાટન કર્યું છે.


ગુજરાત પેવેલિયનથી સંગમ સ્થાન માત્ર ચારેક કિલોમીટરના અંતરે છે. નાગવાસુકી મંદિરના રસ્તેથી સહેલાઈથી સંગમ સ્થળે જઈ શકાય છે. આ કારણે ગુજરાત પ્રવાસન નિગમનું પેવેલિયન લોકપ્રિય બન્યું છે. એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી બસ સુવિધાના યાત્રીઓને પણ અહીં ઉતારવામાં આવે છે.


ગુજરાત પેવેલિયનમાં રાજ્યના પ્રવાસન સ્થળોના નિદર્શનની સાથે એક ખાસ વાત એ જોવા મળે છે કે, અહીં સખી મંડળની બહેનો દ્વારા કાફેટેરિયા ચલાવવામાં આવી રહ્યું છે. આ કાફેટેરિયામાં ચા-કોફી ઉપરાંત ઉત્તર ગુજરાતના રોટલા સાથે કાઠિયાવાડી થાળી અને સૌરાષ્ટ્રના ગાંઠિયા પણ મળે છે. ગુજરાતી હોય એટલે સ્વાદમાં કોઈ કમી ન રહેવી જોઈએ ! એટલું જ નહીં, થેપલાં પણ મળે છે ! પ્રયાગરાજથી પરત ફરતી વખતે ભાથામાં થેપલાં લઈ જવા અહીં સખી મંડળની બહેનોને ઓર્ડર આપવામાં આવે છે.


મહેસાણાથી અહીં આવેલા શિવ મિશન મંગલમ્ નામક સખી મંડળના જલ્પાબેન ઠાકોરના હાથે બનેલા બાજરાના રોટલાનો સ્વાદ તો બિનગુજરાતીઓને પણ ભાવ્યો છે. જલ્પાબેન અને તેમના પતિ રાહુલભાઈએ અહીં સ્ટોલ લગાવ્યો છે અને સાવ સસ્તા દરે રોટલા સાથે કાઠિયાવાડી, ગુજરાતી થાળી પીરસે છે. જલ્પાબેનના હાથે વઘારેલા શાક અને મસળી મસળી બનાવેલા કડક રોટલા થોડા સમયમાં જ અહીં લોકપ્રિય થઈ ગયા છે. બીજા રાજ્યના લોકો પણ અહીં કાઠિયાવાડી થાળી જમવા આવે છે. આ યુગલ દરરોજ સાતથી આઠ હજારની કમાણી સરળતાથી કરી લે છે.


ગુજરાત પેવેલિયન ગાંઠિયાવાડ પણ બન્યું છે. અહીં જૂનાગઢથી આવેલા રાધે મંગલમ્ જૂથના બહેનો વણેલા ગાંઠિયા, ફાફડા અને જલેબી પ્રવાસીઓને ખવડાવી રહ્યા છે. ગુજરાતથી ગયેલા યાત્રાળુઓને ગુજરાત બહાર હોવાનો જરાય અહેસાસ ન થાય એવો માહોલ આ પેવેલિયનમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application