ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટેની વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધીને રૂ. 8,332 કરોડ થઈ
----------
સરેરાશ કાર્યાન્વિત લંબાઈ 1.4 ગણી વધીને 186 કિમી/વર્ષના આંકે પહોંચી
---
ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં રૂ. 589 કરોડ પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે. ગુજરાત માટે કાર્યાન્વિત થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ લંબાઈનો આંક પણ 1.41 ગણો વધીને 2014-23 દરમિયાન 186 કિ.મી. પ્રતિ વર્ષ થયો છે, જે અગાઉ 2009-14ના ગાળામાં 132 કિ.મી. પ્રતિ વર્ષ હતો. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં રેલવેના પડતર તેમજ પ્રવર્તમાન પ્રોજેક્ટ્સ અંગે કરેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે, સંદેશાવ્યવહાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 ફેબ્રુઆરી, 2024ના રોજ આ માહિતી પૂરી પાડી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, 01 એપ્રિલ, 2023ના રોજ આંશિક/સંપૂર્ણપણે ગુજરાત રાજ્યમાં આવતા રૂ. 30,789 કરોડનો ખર્ચ ધરાવતા 3,200 કિ.મી. કુલ લંબાઈ ધરાવતા 36 રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ (6 નવી લાઈન, 18 ગેજ રૂપાંતરણ અને 12 ડબલિંગ સહિત) આયોજન/ મંજૂરી/ નિર્માણના તબક્કે છે, જેમાંથી 735 કિમી લંબાઈના પ્રોજેક્ટ્સ માર્ચ 2023 સુધીમાં રૂ. 6,113 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરી દેવાયા છે.
આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા 1,677 કિ.મી. સુધીની કુલ લંબાઈના રેલવે પ્રોજેક્ટ્સ 2014-23ના ગાળા દરમિયાન કાર્યાન્વિત કરી દેવાયા છે, જ્યારે આ આંક 2009-14ના સમયગાળામાં 660 કિ.મી.નો હતો. વર્ષ 2014 પછીથી, ભારતીય રેલવેમાં પ્રોજેક્ટ્સ માટે ફંડની ફાળવણી તેમજ કાર્યાન્વિત થવાના આંકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
નથવાણી ગુજરાત રાજ્યમાં હાલ ચાલી રહેલા તેમજ પડતર રેલવે પ્રોજેક્ટ્સ ઉપરાંત તેની પાછળના અંદાજિત ખર્ચ, પૂર્ણ થવાના સમયગાળા, તેની પાછળના ખર્ચ અને આ પ્રોજેક્ટ્સ ક્યારે પરિપૂર્ણ થવાની સંભાવના છે તે વિશેની વિગતો જાણવા માગતા હતા.