ભોગ બનનારને વળતર પેટે ૪ લાખ ચુકવવા પોકસો કોર્ટનો હુકમ
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા સાથેના દુષ્કર્મ અંગેના ગુનાના આરોપીને અદાલતે આરોપીને ૨૦ વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે.
ફતેપુરા (ધ્રોલ)માં રહેતા આરોપી મોસીન રહીમભાઈ મકવાણા (૨૫) ફરીયાદીની ૧૫ વર્ષની સગીર વયની પુત્રી સાથે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, અને તેણીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી તારીખ ૮/૧૨/૨૦૧૮ના સગીરાને રાજકોટ ભગાડી લઈ ગયો હતો. પરંતુ તેના ઘરેથી ફોન આવતાં પરત મૂકી ગયો હતો. ત્યાર પછી તા.૩૦/૦૪/૨૦૧૯ના સગીરાને બાઈકમાં રાજકોટ લઈ ગયો હતો. જ્યાં મકાન ભાડે રાખી ને રહેતો હતો, અને તેની સાથે ત્યાં શરીર સંબંધ પણ બાંધ્યો હતો. ત્યાંથી સુરત લઈ ગયો હતો, અને ત્યાં પણ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
આ પછી તેના મિત્ર નો ફોન આવતાં તારીખ ૨૬/૬/૨૦૧૯ના આરોપી સુરત થી જામનગર પરત આવવા માટે રવાના થયો હતો. દરમિયાન અમદાવાદના સોલા વિસ્તાર માંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન માં આરોપી સામે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ હતી.
આથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને જેલ હવાલે કર્યો હતો. આ અંગેનો કેસ જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતાં ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ, તેમજ ૧૭ જેટલા સાહેદોની સોગંદ ઉપરની જુબાની તથા સરકાર પક્ષે સરકારી વકીલ ની દલીલો સાંભળ્યા પછી જામનગરની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી. અગ્રવાલ એ આરોપી મોસીન મકવાણાને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષ ની સખત કેદની સજા તથા રૂા. ૧૭૦૦૦ના દંડનો હુકમ ફરમાવ્યો છે. તથા ભોગબનનારને વળતર પેટે રૂા. ૪ લાખ ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.