સુપ્રીમ કોર્ટે જોશીમઠ સંકટ પર સુનવણી કરવાનો કર્યો ઇનકાર, જાણો શું કહ્યું કોર્ટે

  • January 16, 2023 11:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજીમાં જોશીમઠ સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની વિનંતી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે અરજીકર્તાને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવા કહ્યું. સુનવણી દરમિયાન ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે હાઈકોર્ટ સુનાવણી કરી રહી છે.

તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે હાઈકોર્ટ અરજીમાં જણાવવામાં આવેલી દરેક વાત સાંભળવા સક્ષમ છે. અમને લાગે છે કે અરજદારે પોતાનો મુદ્દો ત્યાં જ રાખવો જોઈએ. 12 જાન્યુઆરીએ ઉત્તરાખંડ હાઈકોર્ટે આ મામલે કેટલાક આદેશો આપ્યા છે. સુપ્રીમ કોર્ટે અરજદારને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની અરજી સાથે ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપી છે.

અરજદારે દલીલ કરી હતી કે મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ કટોકટી સર્જાઈ છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવું જોઈએ. અરજીમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આ પડકારજનક સમયમાં જોશીમઠના રહેવાસીઓને સક્રિયપણે ટેકો આપવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી હતી.

સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટ ગયા વર્ષે બનેલી દુર્ઘટનાની સુનાવણી કરી રહી છે. સાથે જ જોશીમઠનો મુદ્દો પણ સામે આવ્યો. તેમાં તમામ પ્રકારની માંગણીઓ મૂકવામાં આવી હતી, જે અમારી સમક્ષ દાખલ કરાયેલી અરજી જેવી જ છે. હાઈકોર્ટે એક્સપર્ટ કમિટીના ગઠન પર પહેલા જ જવાબ માંગ્યો છે. એનટીપીસી પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે હાઈકોર્ટે પણ સરકારને જોશીમઠમાં હાલ પૂરતું બાંધકામ અટકાવવા કહ્યું છે. અમે સમજીએ છીએ કે હાઈકોર્ટ સુનાવણી કરવા સક્ષમ છે. અરજદાર દ્વારા પુનર્વસન સહિતની માંગવામાં આવેલી રાહત હાઈકોર્ટમાં જ રાખવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે હાઈકોર્ટને વિનંતી કરીશું કે જો અરજદાર ત્યાં અરજી કરે છે તો તેની સુનાવણી જલ્દી કરવામાં આવે.

નોંધનીય છે કે, જોશીમઠ ભૂસ્ખલનને કારણે એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. જોશીમઠમાં જમીન ધીમે ધીમે ધસી રહી છે. ઘરો, રસ્તાઓ અને ખેતરોમાં મોટી તિરાડો દેખાઈ રહી છે. અત્યાર સુધી જોશીમઠમાંથી સેંકડો પરિવારોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application