જામનગરની ઐતિહાસિક રંગમતી નદી ઉપર રિવરફ્રન્ટ પ્રોજેકટનો પ્રથમ તબકકો શરૂ થઇ ચૂકયો છે, ગઇકાલથી ર્ર્રું .૪ કરોડના ખર્ચે રંગમતી નદીને ઉંડી અને પહોળી કરવા માટેની કાર્યવાહી કોર્પોરેશને શુભારંભ કર્યો છે, નદી પરના રૂ.૫૦૦ કરોડનો પ્રોજેકટ જામનગર માટે પાણીદાર સાબીત થશે, એટલું જ નહીં મુખ્યમંત્રી સ્વર્ણિય જયંતિ યોજના હેઠળ રૂ.૧૨૫ કરોડના પ્રથમ ફેઇઝનું કામકાજ શરૂ થશે અને માર્ગમાં અવરોધ ૪૫૦ જેટલા ગેરકાયદે બાંધકામો હટાવી દેવામાં આવશેે.
ગઇકાલે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ રિવરફ્રન્ટ પ્રોજેકટ જયાંથી શરૂ થાય છે તે લાલપુર બાયપાસ ચોકડી ખાતે મુલાકાત લઇને જરી માર્ગદર્શન આપ્યું હતું, બાયપાસ ચોકડીથી વ્હોરાના હજીરા સુધી રૂ.૪ કરોડના ખર્ચે તા.૧૫ જુન સુધીમાં રંગમતી નદીને પહોળી અને ઉંડી કરવામાં આવશે તેમ સીટી ઇજનેર ભાવેશ જાનીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને કહ્યું હતું કે, રૂ.૫૦૦ કરોડના આ મહત્વના પ્રોજેકટમાં પ્રથમ ફેઇઝમાં રૂ.૧૨૫ કરોડના કામનું આયોજન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ કામગીરી શરૂ થઇ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં ૧૫ હીટાચી મશીન, ૫ જેસીબી અને ૧૫ ડમ્પરનો ઉપયોગ કરીને જેમ બને તેમ ઝડપથી ચોમાસા પહેલા એટલે કે ૧૫ જુન સુધીમાં આ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર સમક્ષ પણ રીવરફ્રન્ટના પ્રોજેકટ અંગે અનુદાનની વધુ રકમ માંગવામાં આવી છે, રિવરફ્રન્ટ પ્રોજેકટને આગળ વધારવા માટે ગઇકાલે ૨ જેસીબી અને અન્ય મશીનરી કામે લગાડવામાં આવે છે, બે-ત્રણ દિવસમાં જ વધુ મશીનરી લગાવી દેવામાં આવશે.
આગામી ચોમાસાને ઘ્યાનમાં રાખીને દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે એ સમસ્યા ઉકેલવાના ભાગરૂપે આ પ્રોજેકટ ઝડપથી શરૂ કરવામાં આવ્યો છે, નદીને બંને તરફ પહોળી કરવામાં આવશે અને ઉંડી ઉતારવામાં આવશે જેથી દરીયામાં વહી જતું પાણીનો સંગ્રહ થશે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ મીટીંગ કરીને જામનગર શહેરનો રિવરફ્રન્ટનો પ્રોજેકટ ઝડપથી શરૂ થાય તે માટે અધિકારીઓને સુચના આપી હતી અને આ અંતર્ગત ગઇકાલે રાજીવ જાની સહિતના અધિકારીઓ પણ ધારાસભ્યની સાથે મુલાકાતમાં હાજર રહ્યા હતાં.
છેલ્લા કેટલાક દિવસથી રીવરફ્રન્ટના પ્રોજેકટને આડે આવતા લગભગ ૪૫૦ જેટલા ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર થઇ ચૂકયું છે અને ગમે ત્યારે આ પાડતોડ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે, રિવરફ્રન્ટ જેમ બને તેમ ઝડપથી બને તે માટે કોર્પોરેશનને પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે ગઇકાલે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પણ પ્રોજેકટ અંગેની જરૂરી જાણકારી મેળવીને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેમને પણ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા ઝડપથી વધુ મશીનરી કામે લગાડીને નદીને પહોળી અને ઉંડી કરવામાં આવશે.
રીવરફ્રન્ટનો પ્રોજેકટ ઐતિહાસિક રંગમતી નદી ઉપર બની રહ્યો છે તે પ્રોજેકટ બન્યા પછી રંગમતીની કાયાપલટ થઇ જશે, લાલપુર બાયપાસથી વ્હોરાના હજીરા સુધી બંને બાજુથી નદીને ખોદવાની અને ઉંડી કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે ત્યારે આ કામગીરી ઝડપી બને તે માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી પણ ઉંડો રસ લઇ રહ્યા છે અને તેમણે પણ એસ્ટેટ શાખાના અધિકારીઓને ઝડપથી રંગમતી નદીમાં અવરોધ રૂપ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા પણ સુચના આપી હોવાનું જાણવા મળે છે.