રાજ્યપાલ ભાવનગર જિલ્લાના પરવડી ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલનમાં રહ્યા ઉપસ્થિત

  • December 28, 2023 06:29 PM 

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે આજે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળસિંચનના ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અળસિયા સહિતના સૂક્ષ્મ જીવો આપોઆપ વધશે. જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળસંચય પણ થશે. આમ, પ્રાકૃતિક ખેતીથી ત્રણ બાબતોમાં સફળતા મળશે. માધવ ગૌધામ અને પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, ચારેક દાયકા પહેલાં જ્યારે રાસાયણિક ખાતરો નહોતાં ત્યારે ડાયાબીટીસ, કેન્સર, હાર્ટ એટેક સહિતના ગંભીર રોગોનું પ્રમાણ પણ ઓછું હતું. આ તમામ સમસ્યાઓનો ઉકેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જ લાવી શકાય તેમ છે. પ્રાકૃતિક ખેતીનાં કારણે ઉત્પાદન ઘટશે તેવી માન્યતા પણ ખૂબ ખોટી છે. પ્રાકૃતિક ખેતીથી મળતાં ઉત્પાદનનું પ્રમાણ રાસાયણિક ખાતરથી મળતા ઉત્પાદન કરતાં ઘણું વધારે હોય છે. ગુજરાતીઓના માતૃભૂમિ પ્રેમની સરાહના કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના લોકોની એ ખાસિયત મને ખરેખર આનંદ આપે છે કે, ભગવાન શ્રી રામ જેમ ગુજરાતનાં લોકો પણ તેમની માતૃભૂમિને ખૂબ પ્રેમ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા પશુપાલન ક્ષેત્રને નવો રાહ ચીંધી ઉમદા કાર્ય કરી રહ્યા છે. ઉપરાંત ભારતના પશુધનની વંશ સુધારણા અને ગૌસંરક્ષણ માટે ખરેખર સરાહનીય નિર્ણયો લઈ રહ્યા છે. કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ તેમનાં ઉદબોધનમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત છે. ખેડૂતો સમજે તેવી ભાષામાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ રાજ્યપાલ પોતે સમજાવતા હોય તો આ બાબત ગુજરાતનું સૌભાગ્ય છે. આજે સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે કે, જમીનોને વિષમુક્ત કરવાની જરૂર છે. જેનો એકમાત્ર ઉપાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છે. કાર્યક્રમનાં આયોજક પ્રવીણ એમ. ખેનીએ સ્વાગત ઉદબોધન અને રાકેશ દૂધાતે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,  કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, ગારીયાધાર પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, આગેવાન પ્રવીણભાઈ ખેની, રાકેશભાઈ દુધાળા, લવજીભાઈ બાદશાહ, શ્રી માધવજીભાઈ માંગુકીયા, શૈલેષભાઈ લુખી, જયેશભાઈ દેસાઈ, કેશુભાઈ નાકરાણી, દિનેશભાઈ પંડ્યા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application