અમરનગરમાં લુખ્ખાઓની ટોળકીનો આતંક: ત્રણ ઝડપાયા

  • April 08, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અસમાજિક તત્વો વિરૂધ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવાનુ ચિત્ર ઉભુ કરવામાં આવી રહ્યું છે.પરંતુ હકીકતમાં લુખ્ખા અને માથાભારે તત્વોને પોલીસની કાર્યવાહીથી કોઇ ફરક પડતો ન હોય તે વાતની પ્રતીત કરાવતી ઘટના રાત્રીના મવડી વિસ્તારના અમરનગર વિસ્તારમાં બનવા પામી હતી.અહીં રહેતા લતાવાસીઓ પરિવાર સાથે ઉનાળાની ગરમીમાં તેમના ઘરની બહાર મહિલા અને બાળકો સાથે બેઠા હતા ત્યારે ત્રણ કુખ્યાત શખ્સ સહિત અસામાજિક તત્વોની ટોળકી બે કાર અને સ્કુટરમાં અહીં ધસી આવી હતી. અહીં ગળાગાળી કરતા હોય મહિલાઓએ અહીં ગાળો ન બોલો તેમ કહેતા ઉશ્કેરાય ઝઘડો કરવા લાગ્યા હતાં.બાદમાં મહિલાઓ પર મીર્ચી સ્પ્રેથી હુમલો કર્યો હતો. સોડા-બોટલના ઘા કરી ધોકા વડે મારમારી ભયનો માહોલ સર્જી દીધો હતો.

સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, થોડીવાર બાદ આ શખસો ફરી વાહનો લઇને આવ્યા હતા અને ટોળકીએ લોકો પર વાહનો ચડાવી દઇ તેમને કચડી નાંખવાનો પ્રયાસ કરતા નાશભાગ મચી ગઇ હતી. જેમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. બનાવને પગલે ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા બનાવસ્થળે દોડી જઇ લતાવાસીઓની વાત જાણી કડક કાર્યવાહીની ટકોર કરતા આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો ચાર શખસો સામે ગુનો નોંધી ત્રણને તાકીદે ઝડપી લઇ આગવી ઢબે સરભરા કરી હતી.

લુખ્ખાગીરીના આ બનવા અંગે અમરનગર-૧ માં રહેતા દક્ષાબેન રાજુભાઇ ઓડેદરા(ઉ.વ ૨૫) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય માત્રાણીયા, વિવેક ઉર્ફે અભી, રાજદીપ ઉર્ફે બાપુડી અને અભિષેક ઉર્ફે ભયકુના નામ આપ્યા છે.જેના આધારે માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના નવેક વાગ્યે આસપાસ તે તથા તેમના મોટાબેન તથા માતા અને ફઈ સહિતનાઓ શેરીના અન્ય પાડોશી મહિલા સહિતના પરિવારજનો સાથે અહીં શેરીના ખૂણે ચોકમાં બેઠા હતા ત્યારે સંજય માત્રાણીયા વિવેક ઉર્ફે અભી, રાજદીપ ઉર્ફે બાપુડી અને અભિષેક ઉર્ફે ભયકુ અહીં એક કાળા કલરના એકટીવા અને સ્વીફટ કાર તથા વેગેનાર કાર લઈને આવ્યા હતા અને ચોકમાં ઊભા રહીને જોર જોરથી ગાળો બોલતા હતા. જેથી તેમને કહ્યું હતું કે, તમે અહીં ગાળાગાળી ન કરો અહીંયાથી જતા રહો જેથી આ શખસો ઉશ્કેરાયા હતા અને અહીં બેઠેલા પરિવાર સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. ત્યારબાદ સંજય પોતાની પાસે રહેલ મિર્ચી સ્પ્રે શેરીમાં ઉડાડવા લાગ્યો હતો બાદમાં તેની પાસે રહેલ ધોકા વડે ફરિયાદી પર હુમલો કરી દઇ હાથમાં ઇજા પહોંચાડી હતી જેથી તેઓ પડી જતા તેમના ફયજી રાજીબેન બચાવવા જતા સંજય તેમને પગમાં ધોકાનો ઘા માર્યો હતો. તેમજ તેની સાથેના શખસોએ અહીં સોડા બોટલોના છુટા ઘા કરતા નાસભાગ બચી ગઈ હતી. આ શખસોએ ધમકી આપી હતી કે આજ પછી કોઈ દિવસ અમને રોક ટોક કરશો તો જીવતા મારી નાખીશું. બૂમાબૂમ થતા અને શેરીમાં માણસો ભેગા થઈ જતા આ શખસો અહીંથી ભાગી ગયા હતા.બનાવને પગ઼લે વિસ્તારવાસીઓ એકઠા થઇ જતા લુખ્ખા ટોળકી ફરી વાહનો સાથે ધસી આવી હતી અને લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યા હતો. જેમાં નાસભાગ થઇ ગઇ હતી.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સંજય માત્રાણીયા સહિતની આ ટોળકી અહીં શેરીમાં અવારનવાર દારૂ પીવા બેસતા હોય અને દારૂ પી ગાળો બોલતા હોય જેથી શેરીના લોકો તેને અહીં બેસવાની ના પાડતા હોય જે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. દરમિયાન ડીસીપીની સૂચનાથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. વિશ્વનગર પાસેના ક્વાર્ટરમાં રહેતો રાજદીપ દિનેશભાઇ પરમાર, સંજય મિત્રાણીયા અને એક સગીર સહિત ત્રણને ઉઠાવી લઇ તેની આકરી સરભરા કરવામાં આવી હતી.


લુખ્ખાઓના મકાન પર બુલડોઝર ફેરવી દો: લત્તાવાસીઓ

અમરનગરમાં રાત્રીના બનેલા લુખ્ખાગીરીના બનાવ બાદ રોષે ભરાયેલા વિસ્તારવાસીઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ડીસીપીને રજૂઆત કરી હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસથી ટોળકી લોકોને ધમકાવી ત્રાસ આપતી હોય. આરોપીઓને તાત્કાલિક પકડી લેવા અને તેના મકાન પર બુલડોઝર ફેરવી દેવા સહિતની માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application