જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયંકર અકસ્માત, બસ ખાઈમાં પડી જતા 10ના મોત, 20થી વધુ ઘાયલ

  • May 30, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડતાં 10 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 75 મુસાફરો સવાર હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 16 ઘાયલોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.



પંજાબના અમૃતસરથી શ્રી માતા વૈષ્ણો દેવી કટડા જઈ રહેલા ભક્તોની બસ ઝજ્જર કોટલી વિસ્તારમાં એક પુલ પરથી નીચે પડી ગઈ હતી. પુલ પરથી ખાડો લગભગ 50 ફૂટ ઊંડો હોવાનું જાણવા મળ્યું હતું. જમ્મુના જિલ્લા કમિશ્નર અવની લવાસાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 10 મુસાફરોના મોત થયા છે.જ્યારે 20 ગંભીર રીતે ઘાયલ છે. તેમણે કહ્યું કે બસમાં સવાર 12 મુસાફરોને સારવાર માટે સ્થાનિક પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.




આસિસ્ટન્ટ કમાન્ડન્ટ CRPF અશોક ચૌધરીએ જણાવ્યું કે CRPF, પોલીસ અને અન્ય ટીમો પણ અહીં હાજર છે. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તેમજ મૃતદેહોને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બસની નીચે કોઈ ફસાયું છે કે કેમ તે જોવા માટે અહીં ક્રેન લાવવામાં આવી રહી છે. બસ અમૃતસરથી આવી રહી હતી અને તેમાં બિહારના લોકો સવાર હતા. તેઓ કદાચ કટરા જવાનો રસ્તો ભૂલી અહીં પહોંચ્યા હતા. બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી.નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ બસે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગઈ હતી.


અકસ્માત પાછળનું મુખ્ય કારણ હજુ જાણવા મળ્યું નથી. બસમાં કુલ મુસાફરોની સંખ્યા 75 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. કેટલાક મુસાફરો બસની નીચે પણ દટાયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application