'અમારી જમીન પર ભારત વિરોધી પ્રવૃત્તિઓ નહીં થાય', પાકિસ્તાન સામે લડી રહેલા તાલિબાનોએ ભારતને ભરોસો દેવડાવ્યો

  • January 09, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાલમાં દુબઈની મુલાકાતે છે. તેઓ દુબઈમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકીને મળ્યા હતા. ઓગસ્ટ 2021માં તાલિબાન સત્તામાં આવ્યા પછી, ભારતની અફઘાનિસ્તાન સરકાર સાથે આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો છે. વિેદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અફઘાન સરકારે ભારતની સુરક્ષા ચિંતાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લીધી છે. ભારતની સૌથી મોટી ચિંતા એ રહી છે કે, ભારત વિરોધી આતંકવાદી જૂથોને અફઘાન ધરતી પર ખીલવા નહીં દેવાય. ત્યારે તાલિબાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અફઘાન જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં.


દ્વિપક્ષીય બેઠકમાં બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોથી લઈને પ્રાદેશિક વિકાસ સુધીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ચર્ચા દરમિયાન, અફઘાનિસ્તાનમાં ભારતની સુરક્ષા ચિંતાઓ, નજીકના ભવિષ્યમાં બંને દેશો વચ્ચે વિકાસ પ્રોજેક્ટ્સ પર વિચાર કરવાની જરૂરિયાત અને પાકિસ્તાનથી અફઘાન શરણાર્થીઓના પુનર્વસનમાં મદદ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ જે બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ તે હતા ઈરાનના ચાબહાર બંદરનો ઉપયોગ અને બંને દેશો વચ્ચે ક્રિકેટ. 


અફઘાન મંત્રીએ ભારત સરકારની પ્રશંસા કરી
આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચેની ઐતિહાસિક મિત્રતા પર ભાર મૂક્યો હતો. બંને પક્ષોએ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા માનવતાવાદી સહાય કાર્યક્રમોનું મૂલ્યાંકન કર્યું હતું. અફઘાન મંત્રીએ આ માટે ભારત સરકારની પણ પ્રશંસા કરી હતી.


ભારતે પડોશી દેશમાં અનેક શિપમેન્ટ મોકલ્યા
હકિકતમાં, ભારતે પડોશી દેશમાં અનેક શિપમેન્ટ મોકલ્યા છે, જેમાં ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં, ૩૦૦ ટન દવા, ૨૭ ટન ભૂકંપ રાહત સહાય, ૪૦,૦૦૦ લિટર જંતુનાશક દવા અને પોલિયોના ૧૦ કરોડ ડોઝનો સમાવેશ થાય છે. સાથે કોવિડ રસીના ૧૫ લાખ ડોઝ, વ્યસન મુક્તિ કાર્યક્રમ માટે ૧૧,૦૦૦ યુનિટ કીટ, ૫૦૦ યુનિટ શિયાળાના કપડાં અને ૧.૨ ટન સ્ટેશનરી કીટનો પણ સમાવેશ થાય છે.

    
ભારતે પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરી
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારતે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરી છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. ભારત સરકારે કહ્યું હતું કે, પાકિસ્તાનને પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે પડોશીઓ પર દોષારોપણ કરવાની આદત છે. આ તેની જૂની આદત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application