સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓને માર, અપશબ્દો-ધમકી

  • June 09, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માનસિક રીતે હેરાન કરાતા હોવાની ચોંકાવનારી રજૂઆત: સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સીપાલને આવેદનપત્ર આપતા યુવા કોંગી એનએસયુઆઇ આગેવાનો: જો હેરાનગતિ ચાલુ રહેશે તો આંદોલનની ચીમકી

શાળા કે કોલેજ શિક્ષણના એવા ધામ છે કે જ્યાં છાત્રોને જિંદગી કેવી રીતે જીવી તેના પાઠ ભણાવવામાં આવે છે, સંસ્કારોનું સિંચન કરાય છે, પરંતુ સરસ્વતીના આ મંદિરમાં વિદ્યાર્થીઓને ગંદા અપશબ્દો બોલવામાં આવે, માર મારવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે, માનસિક રીતે હેરાન કરવામાં આવે, જો આવું થતું હોય તો શિક્ષણના આ ધામને શું કહેવું ? એ સમજાતું નથી, આ ચોંકાવનારી બાબતોનો આજે પર્દાફાશ થયો છે, જ્યારે સંખ્યાબંધ વિદ્યાર્થીઓની સાથે મળીને યુવા કોંગી અને એનએસયુઆઇ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, પ્રિન્સીપાલને આવેદનપત્ર અપાયું છે, સરકારી પોલીટેકનીક કોલેજમાં આવો અમાનવીય વ્યવહાર વિદ્યાર્થીઓ સાથે થતો હોવાનો ધડાકો થયો છે અને આ સંબંધે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે એવી પૂરી સંભાવના છે.
આજે ગવર્મેન્ટ પોલીટેકનીકલ કોલેજ ખાતે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ રેલી સ્વરુપે ઘસી આવ્યા હતા અને અગાઉ જાહેર કર્યા મુજબ સરકારી પોલીટેકનીકલ કોલેજના પ્રિન્સીપાલને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આ સમગ્ર બાબત સામે આવી છે કે, વિદ્યાર્થીઓ સાથે કેવો ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે, કલાસમાં અતિ ગંદા પ્રકારના અપશબ્દો બોલવામાં આવે છે, માર મારવામાં આવે છે, ઇન્ટર્નલ માર્કસ નહીં મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે, માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, આટલું જ નહીં આ કોલેજમાં પીવાલાયક પાણીની વ્યવસ્થા નથી અને વાપરવા માટે પણ પાણીની વ્યાપક સમસ્યા છે, જો વિદ્યાર્થીઓ રજૂઆત કરે તો જે પરિસ્થિતિ છે, તેમાં એડજેસ્ટ કરવાનું કહી દેવામાં આવે છે.
યુવા કોંગી દ્વારા પાઠવવામાં આવેલા આ આવેદનમાં એવો પણ રોષ પ્રગટ કરાયો છે કે પોલીટેકનીક કોલેજમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે તે મેરીટના આધારે એડમીશન મેળવીને આવ્યા છે, કોઇની ભલામણથી કે લાગવાગથી નથી આવ્યા, આવા સંજોગોમાં શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે બાબત ખૂબ જ ગંભીર છે, અમારી પાસે શિક્ષકોના નામ પણ છે, જે વિદ્યાર્થીઓને હેરાન કરે છે, પરંતુ હાલ એવા શિક્ષકોનું મોરલ ડાઉન ન થાય તે માટે નામ આપવામાં આવ્યા નથી, આ સંબંધે તાત્કાલિક અસરથી કમિટી બનાવીને વિદ્યાર્થીઓની ફરિયાદો સંબંધે તપાસ કરવામાં આવે, સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે એવી માંગણી કરાઇ છે, જો નિવારણ નહીં થાય તો યુવા કોંગી અને એનએસયુઆઇ દ્વારા જામનગરની કોલેજ થતાં જીટીયુમાં જઇને ધરણાં અને આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
આ આવેદનપત્ર આપતી વખતે યુવા કોંગી પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, યુવા કોંગી ઉત્તરના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઇના જામનગરના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જામનગરના જિલ્લા પ્રમુખ સનીભાઇ આચાર્ય ઉપરાંત સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application