પારકા નળિયા ગણનારા સારા કામમાં અવરોધો નાખવાનું બંધ કરે: જયેશ રાદડિયા

  • December 02, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય, પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથે લેતા જણાવ્યું હતું કે, સમાજના સારા કાર્યોમાં મને નડવાનું રહેવા દેજો, તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા મને આવડ્યું છે. પારકા નળિયા ગણવાવાળાઓને મારે કહેવું છે કે સારા કામમાં અવરોધના હાડકાં નાખવાનું બંધ કરે, ક્યાંક તેમનો હિસાબ કરવા મારે મેદાનમાં ઉતરવું ન પડે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઇફ્કોની ચૂંટણી બાદ જયેશભાઈ રાદડિયા અવારનવાર જાહેર કાર્યક્રમોમાં અને તેમાં પણ ખાસ કરીને સમાજના કાર્યક્રમોમાં આ પ્રકારના ઉચ્ચારણો કરતા હોય છે. લેઉવા પટેલ સમાજના અન્ય એક દિગ્ગજ નેતા સાથે તેને વાંધો પડ્યો હોવાની વાતો બોલાઈ રહી છે. આ વાત આગળ વધે તે પહેલા સમાધાન માટે અનેક નેતાઓ પણ આગળ આવ્યા હતા. પરંતુ હજુ નક્કર સમાધાન થયું હોય તેવું લાગતું નથી.
થાણાગાલોળ ગામે ખેડૂત નેતા સદગત વિઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ, લેઉઆ પટેલ સમાજ ભવનનું ખાતમુહુર્ત, નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ, રાજકોટ જિલ્લા બેંક, જીએસસી બેંક અને ઈફકો તેમજ સર્વોદય સેવા સહકારી મંડળી, થાણાગાલોળના સંયુક્ત ઉપક્રમે રવિ પાક શિબિર તેમજ રક્તદાન કેમ્પ અને રક્તતુલા સહિતના વિધાનસભાના દંડક કૌશિકભાઇ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, કરે છે એને કરવા નથી દેવું અને જે કામ કરતું હોય તો એનાથી કદાચ ભૂલ થાય તો સમાજે એની ભૂલ પણ સ્વીકારવી પડશે. બાકી ઓટે બેઠા-બેઠા વોટ્સએપમાં મેસેજ કરે ખોટા તો એને કહેશું કે તું કામ કર, અમે નીચે બેસી જશું. તમારે કરવું નથી અને કરવા પણ દેવું નથી અને સમાજમાં અંદરોઅંદર મુશ્કેલી ઉભા કરવા બદલે કોઈ નડવાના બદલે શાંતિથી બેસજો. નડવાનું ચાલુ રાખશો તો લેઉવા પટેલ સમાજ માટે આવતા દિવસો ખરાબ આવી જશે.
જાહેર મંચ ઉપરથી તેઓએ જણાવ્યું હતું કે, મને આડા આવવાનું રહેવા દેજો અને નક્કી જ કર્યું હોય આડું આવવા તો તેનો મારે હિસાબ કરવા મેદાનમાં ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો. ઉતરવું પડે તો પણ મારી તૈયારી છે. હું પણ રાજકીય માણસ છું.
જામકંડોરણા ખાતે ભવ્ય ઇતિહાસ થવાનો છે, 501 દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છે. ગયા વખતે 351 હતા બધાએ જોયા છે. આ સામાન્ય લગ્ન નથી, મારી દીકરીના ન થાય એવા ઠાઠમાઠથી દીકરીઓના લગ્ન કરાવવાના છે. 501માંથી 490 નામ નોંધાઈ પણ ગયા છે. આ ભવ્ય આયોજન સમાજ માટે કરીએ છીએ. આમાં પણ એક-બે ખામી મુશ્કેલી અમારી રહી જતી હશે. કરે એનાથી ભૂલ થાય, ન કરવું હોય એનાથી ભૂલ ન થાય. જાહેર મંચ ઉપરથી થયેલા વિધાનોનો વિડિયો વાયરલ થતાં ભારે ચચર્િ જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application