રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કલ્યાણપુર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

  • August 15, 2024 11:15 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા રાજ્યમંત્રી: મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું, ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા


દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે  ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કે.કે. દાવડા હાઈસ્કુલ, કલ્યાણપુર ખાતે  કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રઘ્વજ ફરકાવીને કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યા તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ સહિતની કુલ ૬ ટુકડીઓ સહભાગી થઈ હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, બ્રિટિશરોની ગુલામી સામે જંગ છેડી, લાઠીઓ-ગોળીઓ ખાઈને માં ભારતીને સ્વતંત્રતા અપાવનારા શહીદો, ક્રાંતિવિરોના પુણ્યોનું સ્મરણ કરવાનો આ અવસર છે. દેશને સ્વરાજ્ય અપાવવાની લડતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ , વીર સાવરકર, શ્યામજીકૃષ્ણ વર્મા, સુભાષચંદ્ર બોઝ,ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિતના અનેક સપૂતો આ દેશની માટીએ આપ્યા છે. 


વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજની ૨૧મી સદીનું ભારત આત્મનિર્ભરતા તરફ દોટ મૂકી રહ્યું છે. રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે શહીદી વહોરનારા સપૂતોએ આપણી ભાવિ પેઢી સ્વતંત્ર રહી શકે તેમજ ઉન્નત ભારતનું સ્વપ્ન સાકાર કરે તેવો સહિયારો પ્રયાસ આપણે સૌએ કરવાનો છે. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર પ્રથમના સંકલ્પને આગળ ધપાવી વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. દેશની મહામૂલી આઝાદી માટે બલિદાન આપનારા અનેક વીર સપૂતો તથા વીરાંગનાઓ સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રના જન જનમાં દેશભક્તિની ભાવનાની લહેર છવાય તેવા ઉદેશ્યથી વડાપ્રધાનશ્રીએ તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ  સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન માટે આહવાન કર્યું હતું. આ આહવાનને હોંશભેર ઝીલીને સમગ્ર રાજ્યની જનતા સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર  જોડાઈને આ અવસરને લોકોત્સવમાં પરિવર્તિત કર્યો હતો. 


મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં આબોહવાકીય પરિવર્તનોને કારણે કુદરતી આપદાઓમાં વધારો થયો છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણની ચિંતા કરી ધરતી માતાને હરિયાળી બનાવવા વિશ્વ પર્યાવરણ દિવસે "એક પેડ માં કે નામ અભિયાન" શરૂઆત કરી મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા આહવાન કર્યું હતું. વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ અભિયાન વેગવંતુ બન્યું છે. હાલમાં જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાને અદભૂત દ્વિતીય સાંસ્કૃતિક વન "હરસિદ્ધિ વન"ની ભેટ આપી છે. કુદરતી આપદાઓ સમયે સર્જાતી પરિસ્થિતિઓથી ગુજરાતે હંમેશા આપત્તિ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં કુદરતી આપદા સમયે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે આપત્તિ વ્યવસ્થાપનમાં નવો પથ ચીતર્યો છે. હાલની જ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં થયેલ ભારે મેઘવર્ષાની પરિસ્થિતિના પગલે મુખ્ય મંત્રીશ્રી દ્વારા હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 


મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત બચાવની કાબિલેદાદ કામગીરી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના સાપેક્ષે ૧૪૦ ટકા વધારે વરસાદ નોંધાયો છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા પ્રશાસન દ્વારા ૫૯ જેટલા નાગરિકોનું રેસક્યુ તેમજ ૩૦૩ જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લામાં ૧૪ હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તેની તમામ તકેદારી જિલ્લા પ્રશાસન દ્વારા રાખવામાં આવી હતી. મંત્રીશ્રીએ કાબિલેદાદ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.


વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તારોને અગ્રતા આપી વિકાસનો નવીન પથ ચીતર્યો છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત જુલાઈ ૨૦૨૪ અંતિતમાં કુલ ૭૧૭ જેટલા લાભાર્થીઓને રૂ.૧૩.૫૬ લાખથી વધુની સહાયની રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે નાગરિકોની સલામતી માટે હંમેશા ખડેપગે રહેનાર પોલીસ વિભાગ દ્વારા ૧૦થી શાળાઓના ૪૬૪થી વધુ છાત્રોને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ સ્વ રક્ષાની તાલીમ આપવામાં આવી છે.  શિક્ષણ ક્ષેત્રે નજર કરીએ તો, દેવભૂમિ દ્વારકા જિલ્લો નવી ઉંચાઈઓ સર કરી રહ્યો છે. જેમાં ધો.૦૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓ માટે "નમો લક્ષ્મી યોજના" તેમજ ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે "નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના" શરૂ કરવામાં આવી છે.  ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે જોઈએ તો ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૧૩,૯૧૪ જેટલા ધરતીપુત્રોને અંદાજિત રૂ.૧૬૩૯ લાખની સહાય ચુકવવામાં આવી છે. ઉપરાંત પી.એમ.કિસાન યોજના હેઠળ ૭૯ હજાર કરતાં વધારે ધરતીપુત્રોને અંદાજિત  રૂ.૩૫.૫૧ કરોડથી વધુની રકમ સીધી તેમના બેક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી છે. 


આ ઉપરાંત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત મક્કમતાથી અગ્રેસર થઈ રહ્યું છે. નાગરિકોના સર્વાંગી વિકાસની ના મંત્રને લક્ષમાં રાખીને પ્રતિબદ્ધતા સાથે આગળ ધપી રહ્યા છે. ત્યારે સૌ સાથે મળી ગુજરાત તથા રાષ્ટ્રને વિકાસના પથ પર અગ્રેસર બનાવવા સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રતિબદ્ધ થઈએ. 


આર.એસ.કંડોરીયા કન્યા વિદ્યાલય ભાટીયાની વિદ્યાર્થીઓ ટીપણી રાસ , મોડેલ સ્કૂલ કલ્યાણપુરના વિદ્યાર્થીઓ દ્વારા ફ્યુઝન ગીત, કર્મયોગ વિદ્યાલય કલ્યાણપુરના વિદ્યાર્થીઓ દ્વારા રંગ ભીની રાધા કૃતિ તેમજ નવ ભારત કન્યા શાળા કલ્યાણપુરના વિધાર્થીઓ દ્વારા દેશભકિત ગીતની સુંદર પ્રસ્તુતિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. 


જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિભાગના કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


૭૮માં સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી નિમિતે નિવાસી અધિક કલેકટર શ્રી ભુપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક શ્રી અરુણ કુમાર, પ્રાંત અધિકારી શ્રી એચ.બી.ભગોરા, મામલતદાર શ્રી આર.એચ.સુવા, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી, શ્રી યુવરાજસિંહ વાઢેર, સગાભાઈ રાવલીયા, જગાભાઈ ચાવડા, મેરામણભાઈ ગોરિયા, સુમાતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારીયા, ભરતભાઈ ગોજીયા સહિત સ્થાનિક આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application