નાના એક શબ્દ નહીં એક સંપૂર્ણ વાક્ય છે. પિંક ફિલ્મમાં અમિતાભ બચ્ચનના મોઢે આ ડાયલોગ મુકવામાં આવ્યો છે. ના ભલે એક જ અક્ષરનો શબ્દ હોય પણ તે બોલવો એટલો સહેલો પણ નથી. અમુક માણસો એવા હોય જે કોઇને ના પાડી શકતા નથી. ગુજરાતીમાં તેમના માટે મોઢાના મોળા એવો રૂઢિપ્રયોગ છે. કોઇનું નિમંત્રણ આવે અને જવાની જરા પણ ઇચ્છા ન હોય છતાં સામેની વ્યક્તિને ખોટું લાગી જશે, તે સ્વાર્થી કે અતડો કે અભિમાની સમજી લેશે એવું વિચારીને ના નહીં પાડી શકતા લોકો બહુમતિમાં છે. કોઇ માણસ પૈસાની મદદ માગે અને આપણે જાણતા હોઈએ કે આ પૈસા પાછા આપવાનો નથી જ. છતાં એને ના કેમ પાડવી તેની અસમંજસમાં હા પાડી દેવાતી હોય છે. કોઇ માણસ કોઇ કામ સોંપે અને આપણું રૂંવેરૂંવું એક કહેતું હોય કે આ કામ કરવું નથી છતાં ના પાડી શકાય નહીં તો તમે મોઢાના મોળા છો.
જે લોકો ના પાડી દે છે તે શું સ્વાર્થી કે અભિમાની જ હોય છે ? વાસ્તવમાં તે માણસ નથી સ્વાર્થી હોતો કે નથી અભિમાની હોતો. તે માણસ ના પાડવાની કળા શીખી ગયો હોય છે. ના પાડવાની હિંમત એણે કેળવી લીધી હોય છે. સામેની વ્યક્તિનું સન્માન પણ જળવાય અને ના પણ કહી શકાય એવા રસ્તાઓ હોય જ છે. ના કહેવાનો અર્થ હંમેશ એવો નથી કે તમે સ્વાર્થી છો અથવા તમારા માટે તે વ્યક્તિનું મહત્વ નથી. ના કહેવાનો અર્થ પોતાની સીમા નહીં ઉલ્લંઘનની ક્ષમતા છે. ધારો કે કોઇ મને કહે કે દુબઇ જાઓ છો તો મારા માટે ડયુટી ફ્રીમાંથી શેમ્પેનની બોટલ લઇ આવજો તો હું એને ના પાડી દઉં કારણ કે દારૂ મને ગમતો નથી, હું એ ન લાવું. ભલે પછી એ મને સમજાવે કે શેમ્પેન દારૂ ન કહેવાય. કોઇ મને વિનંતી કરે કે તેમના માટે મારે ભૂત કે વળગાડ કઢાવવાની વિધિ કોઇ ભુવા પાસે કરાવવી તો હું તેને ના પાડુ જ. હું એવી બાબતોમાં જરા પણ વિશ્વાસ નથી કરતો એટલે કોઇના માટે પણ એ કામ ન જ કરું.
પ્રોફેશનલ લાઇફમાં કોઇ મને પોતાના કામમાં મદદ કરવા માટે કહે તો તેનું માર્ગદર્શન કરું ખરો પણ એનું કામ કરી આપવાનું પસંદ ન કરું. કામમાં મદદ ઇચ્છનારા મોટા ભાગના લોકો પોતાનું કામ બીજાના માથે ઓઢાડીને પોતે આરામ ફરમાવવા ઇચ્છનારા હોય છે.
ઘણા માણસો મોઢાના એટલે મોળા હોય છે, તે અન્યનાં કામ કરતા જ રહે છે અને બદલામાં તેને કશું જ મળતું નથી. કોઇપણ માણસ કાંઇ પણ કામ સોંપે તો તે હા જ કહે, ના કહેવાની તેની હિંમત જ ન થાય. આવા માણસો માત્ર કામની બાબતમાં જ ના નથી પાડી શકતા એવું હોતું નથી. તેઓ પોતાની જિંદગી અંગેના નિર્ણયો બાબતે પણ અન્યની જ ઇચ્છાને માન આપતા થઇ જાય છે. મોઢાના મોળા હોવું એ જીવનના દરેક ક્ષેત્રમાં અસર કરે છે. તમે કોઇ કંપનીના મેનેજર છો અને મોઢાના મોળા છો તો તમારી નીચેના માણસો કોઇ બિઝનેસ આઇડિયા આપશે તેને પણ તમે ના નહીં કહી શકો. કોઇ કર્મચારી વધુ પડતી રજા માગશે અને તમને જાણ હશે કે તે જે કારણ બનાવી રહ્યો છે તે સાવ ખોટું છે તો પણ તમે તેને રજા આપવાની ના નહીં પાડી શકો. દરેક વાતે હા પાડનાર, દરેક વાતે સહમત થનાર માણસ સજ્જન હોવાની સંભાવના ખરી પણ, ખાતરીબધ્ધ વાત એ કે તે નબળો છે. મજબૂત માણસ દરેક વાતે હા ન પાડે. તે માણસ ના કહેવાના પરિણામોથી ડરનાર છે. તેના નિર્ણયો ડરને લીધે લેવાયેલા હોય છે. કોઇ નારાજ થઇ જશે, કોઇ નુકસાન કરશે, કોઇ પોતાને ખરાબ માની લેશે એવા વિવિધ ડરને કારણે ના પાડી શકતી નથી. સાયકોલોજીમાં બધાને સારું લગાડનારન પીપલ પ્લીઝીંગ પર્સનાલીટી ધરાવનાર કહેવાય છે. એવા લોકો પોતાના નુકસાનના ભોગે પણ અન્યને સારું લગાડવા માટે પ્રયત્નો કરતા રહે છે.
પોતાની બાઉન્ડ્રી દરેકે નકકી કરી લેવી જરૂરી છે. હું આમ કરીશ અને આમ નહીં કરું. શારિરીક, ઇમોશનલ અને આર્થિક સીમાઓ નકકી કરી લેવામાં આવે તો તમે આસાનીથી ના પાડી શકો અને સામેની વ્યક્તિઓ પણ ધીમે ધીમે સમજી જાય કે આ માણસ આવું નહીં જ કરે. તમે અમુક વ્યક્તિને અમુક કામ નહીં જ સોંપો. તમને ખાતરી જ હોય છે કે તે ના જ પાડશે. અમુક માણસોને તો કામ સોંપવા કે વિનંતી કરતાં પણ અચકાટ થાય. ઘણીવાર હિંમત જ ન થાય. તેનું કારણ એ છે કે તે શું કરશે તેની આપણને પૂરેપૂરી ખાતરી હોય છે. અમુક બાબતમાં તે ના જ પાડે, કોઇપણ સંજોગોમાં હા ન જ કહે તે આપણે જાણતા હોઇએ છીએ. શારીરિક સીમાઓ અંગત કમ્ફર્ટ દર્શાવનાર છે. તમારે કયાંય જવું હોય અને ટેકસી ખખડધજ હોય તો તમે ચલાવી લો છો કે બીજી ટેકસી આવે તેની રાહ જૂઓ છો ? જો તમે બીજી ટેકસી આવે તેની રાહ જોનાર છો તો તમે તમારી શારીરિક સીમા નકકી કહી કહેવાય કે એવી ટેકસીમાં મુસાફરી ન કરવી, સિવાય કે અન્ય કોઇ ઉપાય જ ન બચ્યો હોય. તમે કોઇ લાઇનમાં ઉભા હો અને પાછળની વ્યક્તિ વારેવારે ધકકા મારતી હોય તો તેને ના કહો છો કે સહન કરી લો છો તેના પરથી નકકી થાય કે તમે તમારી શારીરિક બાઉન્ડ્રી કેટલી સેટ કરી છે. ઇમોશનલ બાઉન્ડ્રી વધુ મહત્વની છે. કોઇ તમને ઇમોશનલી બ્લેકમેઇલ કરીને કોઇ મદદ માગે તો તમે શું કરો ? તમને મદદ કરવાની જરા જેટલી પણ ઇચ્છા ન હોય છતાં પરાણે કરો ખરા ? કોઇ તમારી સહાનુભૂતિ મેળવવા માટે વિકટીમ કાર્ડ રમે તો તમે શું કરો ? તમારે તમારી ઇમોશનલ બાઉન્ડ્રી નકકી કરી દેવી પડે. કોઇ માણસને કેટલો સહન કરવો તે નકકી કરી લેવું આવશ્યક છે. આર્થિક સીમાઓ સમૃધ્ધિ માટે અનિવાર્ય છે. તમારી કમાણી પર કેટલા લોકોનો નિભાવ તમે કરશો ? કોને કેટલી આર્થિક મદદ કરશો, તમે ઓછામાં ઓછી કેટલી કમાણી કરશો જ ? ઓછામાં ઓછો કેટલો પગાર તમે સ્વીકારશો ? આ આર્થિક સીમા છે.
કોઈને મોઢામોઢ ધડ દઈને ના પાડી દેવી તે કઠોર અને કડવું લાગે. કોઈને નો થેંક્સ કહી દેવું અપમાનજનક પણ લાગે એટલે મીઠા શબ્દોમાં હળવેક રહીને ના કહેવાના રસ્તાઓ શોધી કાઢવામાં આવ્યા છે. સૌથી સારો શબ્દ છે, જોઈશું અથવા જોઈ લઈશ. તરત જવાબ આપવાનું પણ ટળી જાય અને ખરાબ પણ ન લાગે. સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. અથવા એમ પણ કહી શકાય કે અત્યારે હુ થોડો બીઝી છું. એમ કહીએ કે સોરી પણ મારાથી આ નહીં થાય ત્યારે તેને સમજાઈ જાય છે કે અહીં આપણી દાળ ગળે તેમ નથી. મીઠા શબ્દો વાપરવાનો અર્થ એવો નથી કે ક્યારેય કઠોર થવું જ નહીં. ગાળિયા નાખવામાં નિપુણ અમુક માણસ એવા હોય છે જેને જ્યાં સુધી કડક અને કડવા શબ્દોમાં ના ન પાડો ત્યાં સુધી તેઓ પીછો છોડતા નથી. આવા લોકોને મોં પર જ ના પાડી દેવી. જેવા સાથે તેવા પણ થવું પડે ક્યારેક.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAFG vs ENG: અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો, અફઘાનિસ્તાને રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
February 26, 2025 11:16 PMદુબઈમાં રમવાને કારણે જીતી રહી છે ભારતીય ટીમ? હાર બાદ પાકિસ્તાનના કોચે આપ્યું ચોંકાવનારું નિવેદન
February 26, 2025 08:09 PMIsrael-Hamas War: ચાર મૃતદેહોના બદલામાં ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત
February 26, 2025 08:06 PMમહારાષ્ટ્રથી કારમાં ગુજરાત આવીને ચોરી કરતા એક જ પરિવારના પાંચ ઝડપાયા
February 26, 2025 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech