સર્વેશ્વર ચોક વોંકળાનો સ્લેબ તૂટયો, ૨૨થી વધુને થઇ ઇજા, તત્રં રહ્યું ખડેપગે

  • September 25, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં દાયકાઓથી શાસન ધૂરા સંભાળતા ભાજપના સાશનમાં શહેરના ક્રીમ એરિયામાં વોંકળાઓ ભરતી ભેરણીમાં બિલ્ડરો કે લાગતા વળગતાઓને તાસક ધરી દેવાની સીસ્ટમમાં ૩૫ વર્ષ પહેલા શહેરના પોશ વિસ્તાર યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક નજીકનો લલાંબો વોંકળો વેચાણ કરાયો અને તેના પર થયેલા બાંધકામ સ્લેબ ગત મોડી સાંજે અચાનક ધરાસયી થતા ૩૫થી વધુ લોકો વોંકળામાં ખાબકયા હતા.

મહિલા–પુરુષો, બાળકો સહિત ૨૨થી વધુને ઈજાઓ થઈ અને હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા. ચારની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે, વોંકળાનો સ્લેબ તૂટવામાં ઘટના આકસ્મિક કે અન્ય કઈં તેના પર હવે તપાસ થશે.શહેરના મુખ્ય અને પોશ વિસ્તાર એવા યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ચોકમાં વોંકળા પર શિવમ બિલ્ડિંગ નામનું કોમ્પ્લેકસ ઉભુ છે. આ વોંકળો ૩૫ વર્ષ પહેલા મહાપાલિકામાં ઠરાવ સાથે સંબંધિતને વેચી દેવાયો હતો. ગઈકાલે અચાનક જ વોંકળા પરનો સ્લેબ ધરાસયી થયો હતો. સર્વેશ્ર્વર ચોકમાં જ ગણપતિ મહોત્સવનું મોટું આયોજન થયું છે. ગઈકાલે રવિવાર હોવાથી ત્યાં દર્શનાર્થીઓ પણ વધુ હતા. દર્શન, આરતી બાદ સંતોષ ભેળ નામની દુકાન પાસે ઘણાખરા લોકો નાસ્તો કરતા હતા. એવા સમયે જ સ્લેબ ધરાસયી થતાં ૩૫થી વધુ વ્યકિતઓ ૨૦ ફટ ઉંડા વોકળામાં ખાબકયા હતા.


અચાનક મહિલાઓ, પુરુષો, બાળકો વોંકળામાં વહેતા ગંદા પાણી અને કાદમાં ખૂંપી ગયા હતા ભારે ચિચિયારીઓ મચી ગઈ હતી. નજીકમાં રહેલા ઘણાખરા યુવાનો સેવાભાવીઓએ બચાવ કામગીરી આરંભી હતી. ફાયર બ્રિગેડ, પોલીસને જાણ થતાં તે કાફલો પણ બચાવ સાધનો સાથે દોડી આવ્યા હતા. અંદર ફસાયેલા વ્યકિતઓને બહાર કઢાયા હતા. ઘાયલોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવા કાર્યવાહી કરાઈ હતી.


જયારે ખાનગી પંચનાથ હોસ્પિટલમાં કાજલબેન કોઠારી, જયોત્સનાબેન કોઠારી, આશિષભાઈ કોઠારી, સંગીતાબેનને ફાયર ટીમે સારવારમાં ખસેડયા હતા. જયારે અન્ય બેને જી.ટી.શેઠ હોસ્પિટલમાં મોકલાયા હતા. જયારે ડો.જતીન ઠક્કરના માતા ભાનુબેનને સ્ટલિગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક આઠ વર્ષિય બાળકી પણ વોંકળામાં લાપત્તા બની હતી. જેને ફાયર ટીમે શોધીને બચાવી લીધી હતી.
ઈજાગ્રસ્ત પૈકીના અંકિતાબેન કારિયા ઉ.વ.૨૨, રીધમ પરેશ ચરાવડા ઉ.વ.૨૧, હરિકાબેન રાઠોડ ઉ.વ.૨૧, રિધ્ધિ મનસુખભાઈ ભોજૈયા ઉ.વ.૨૩, બીનાબેન રાજેશભાઈ વ્યાસ ઉ.વ.૫૮, માતા–પુત્ર અભિષેક દિનેશભાઈ કારિયા ઉ.વ.૩૫, પુજાબેન અભિષેકભાઈ ઉ.વ.૬૩, ખ્યાતીબેન જતીનભાઈ મહેતા ઉ.વ.૩૪, જયોતિબેન મનસુખભાઈ ભોજૈયા ઉ.વ.૪૦, પુજાબેન મનસુખભાઈ ભોજૈયા, હાદિર્ક રમેશભાઈ પોકળ ઉ.વ.૨૪, બિજલબેન જયદિપભાઈ ઉ.વ.૩૩, દિનેશ બાબુલાલ કારિયા ઉ.વ.૬૩ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઘવાયેલાઓમાં હજી સદનસીબે કોઈની જાનહાની થઈ નથી, બે વ્યકિતની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાના પગલે ત્વરિતપણે કલેકટર, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. રાજકીય હોદેદારો, પદાધિકારીઓ પણ પહોંચ્યા હતા. ત્વરિત બચાવ કામગીરી થાય તે માટે દોડધામ કરી હતી. જયારે રાજકીય માથાઓએ રોષ ડામવા ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછયા હતા અને આ ઘટના કેમ બની તે માટે તપાસ થશેના શબ્દ ઉચ્ચારાયા હતા.

પોલીસે પણ ૩૦ ફટ ઉંડા કાદવ, ગંદા પાણીમાં ઉતરી બચાવ કામગીરી કરી
પોલીસને આમ તો લોકો બીજી નજરે જ જોતા હોય છે પણ જયારે આફત, અતિવૃષ્ટ્રિ, પુર, દુર્ઘટના કે કોઈ આપતિ આવે કે ઉભી થાય ત્યારે પોલીસ ખુદના જીવ જોખમે મૂકી કે પરિવારજનોની પરવાહ કર્યા વિના, ફરજ સાથે માનવીય ફરજમાં ઉતરી પડે છે. ગઈકાલની ઘટનામાં પણ પોલીસનો સ્ટાફ ૩૦ ફટથી વધુ ઉંડા ગંદા, ગંધાતા પાણીમાં, કાદવમાં ફાયરબ્રિગેડના સ્ટાફ સાથે ઉતર્યેા હતો અને અંદર ફસાયેલા વ્યકિતઓને ફટાફટ બહાર કાઢવા બચાવ કામગીરી કરી હતી. જે દ્રશ્યો નજરે જોનાઓ પણ કહેતા હતા કે ખરેખર પોલીસને એક નજરે જ જોવી એ અયોગ્ય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application