ગુજરાતમાં રાજકોટ સહિત છ ગ્રોથ હબ ડેવલપ કરાશે: સીએમ

  • March 27, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગઇકાલે સાંજે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના મળી કુલ રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું, આ તકે જાહેરસભા

સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું હતું કે

રાજય સરકારે ગુજરાતના છ શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે તેમાં રાજકોટનો પણ સમાવેશ કર્યો છે અને આગામી સમયમાં રાજકોટને ગ્રોથ હબ તરીકે વિકસતા આપણે જોઈ શકશું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ જણાવેલ કે, આજે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા)ના કુલ રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, અને આવાસ ડ્રોના આ કાર્યક્રમ યોજવા બદલ મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ તથા રૂડાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે, ઇઝ ઓફ લિવિંગ એટલે કે સામાન્ય નાગરિકોના જીવન સરળ, ખુશહાલ, સુખશાંતિમય અને પ્રગતિશીલ બને તે દિશામાં વિશ્વ નેતા અને ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ ખુબ જ ઝડપથી સર્વાંગી વિકાસ હાંસલ કરી રહ્યો છે.

વિશેષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું હતું કે, આ વખતે રાજકોટને પાણીની ચિંતા ન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ના પડે તેવું આયોજન કરવામાં આવેલ છે. લોકોએ આ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે શહેરની સુખાકારી માટે આજે રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે એક જ દિવસમાં આટલું મોટું કામ થયું છે. ભૂતકાળની વાત કરૂ તો, કોર્પોરેશનમાં પહેલા એક લાખ રૂપિયાનું કામ કરવામાં પણ વાર લાગતી હતી. જોકે આજે એક જ દિવસમાં કરોડોના કામો થાય છે એ આપ સૌની નજર સમક્ષ જોઈ શકાય છે. ભૂતકાળમાં એક લાખ રૂપિયાના કામમાં પણ તકલીફ પડતી હતી ને હવે આજે કરોડોના કામ આસનીથી થાય છે તો તેનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી છે. તેમના દૂરંદેશીપૂર્ણ દ્રષ્ટિકોણ અને આયોજનના પરિણામે આ બધું શક્ય બની રહ્યું છે. તેમણે બજેટ વધાર્યું, વિવિધ યોજનાઓનો સમાવેશ કર્યો અને એ માટેનું પ્લાનિંગ કરી તેનો ઝડપી અમલ શરૂ કરાવ્યો જેનાથી કામો આસાનીથી થાય છે. સરવાળે શહેર વૈશ્વિક દિશામાં આગળ વધે છે. આપ સૌ જાણો છો કે, તાજેતરમાં જ રાજ્ય સાકાર દ્વારા તાજેતરમાં નગરપાલિકાઓને નવી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો અને તેના પરિણામે જે તે શહેરની વિકાસ પ્રક્રિયાને વેગ પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ વધુમાં એ પણ યાદ અપાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ૨૦૨૫ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનના માધ્યમથી પણ શહેરી વિકાસને તેજ રફતાર પ્રાપ્ત થઇ શકશે. વિકાસ પ્રક્રિયાને અવિરત આગળ ધપાવવા માટે ગત વર્ષ કરતા આ વખતે ૪૦ ટકા બજેટ વધારવામાં આવેલ છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થઇ રહ્યો છે. રાજય સરકારે છ ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કરેલ છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે અને આગામી સમયમાં રાજકોટને ગ્રોથ હબ તરીકે વિકસતા આપણે સૌ જોઈ શકીશું. આ મેગા આયોજન માટે આવશ્યકતા જણાશે તો બજેટ વધારાશે.

મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, મોદી સરકારે પર્યાવરણ જાળવણી, પાણી, સ્વચ્છતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી તેને અગ્રતા આપી છે અને રાજકોટ પણ તેને અનુસરી રહ્યું છે અને આજે અહીં આવતા જોયું કે, રાજકોટ જે રંગીલું રાજકોટ છે તે જ રંગીલું રાજકોટ સ્વચ્છ પણ દેખાય છે. વિકાસ માટે આપણે સૌએ સાથે મળીને તેમાં સહભાગી થઈએ તો સારા પરિણામો પ્રાપ્ત થઇ શકશે. સરકારની કામગીરીની સાથે નાગરિકો પણ તેમાં પોતાનો સહકાર આપે તે જરૂરી છે. અત્યારનો સમય અમૃતકાળ છે. સૌના સાથથી આપણે આ વર્ષ ઉજવીશું અને વિકાસ તરફ હરણફાળ ભરીશું.

કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવ્યુ હતું, જ્યારે પ્રાસંગિક પ્રવચન મેયર નયનાબેન પેઢડિયાએ કર્યું હતું. આ કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવેલ. મુખ્યમંત્રીશ્રીનું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને લગત સમિતિના ચેરમેન દ્વારા સંયુક્ત રીતે, રાજકોટના ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ તથા શહેર ભાજપ મહામંત્રીઓ દ્વારા સંયુક્ત રીતે તેમજ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા મોમેન્ટો અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ડાયસ ઉપસ્થિત અન્ય મહાનુભાવોનું રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર દ્વારા પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત કરવામાં આવેલ. મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કરવામાં આવેલ તેમજ રીમોટ કંટ્રોલના માધ્યમથી લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોની વિસ્તૃત વિગતો દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયાએ કરી હતી. મહાનગરપાલિકા તંત્ર વતી પ્રેસ-મીડિયાની વ્યવસ્થા જન સંપર્ક વિભાગના રાકેશભાઇ શીલુએ સંભાળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application