જામનગર જિલ્લા પોલીસની સાઇબર ક્રાઇમ અંગે નોંધપાત્ર કામગીરી

  • August 02, 2024 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા પોલીસની સાઇબર ક્રાઇમ અંગે નોંધપાત્ર કામગીરી
 
વર્ષ ૨૦૨૪ દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરીયાદના આધારે રૂ.૨ કરોડની રકમ પરત અપાવવાની કામગીરી હાલ ચાલુ

ઓનલાઇન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર તુરંત કોલ કરવા અનુરોધ કરતાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું

જામનગર તા.૨ ઓગસ્ટ, જામનગર જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જામનગર જીલ્લાની સાયબર ક્રાઈમ અંગે કામગીરી જેવી કે, લોકોના સાયબર ક્રાઈમમાં બ્લોક કરાવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત (રીફંડ) જેવી પ્રજાલક્ષી કરવામા આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગ્રુતતા આવે તે અંગે વિગતો આપવામાં આવી હતી. 

જામનગર સાઇબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરી થી જૂન ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન રૂ. ૧૧ કરોડ ૯ લાખ ૩૧૪૬૦ જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી. જે તમામ ફરિયાદના અનુસંધાને સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી  જેના ભાગરૂપે ૪ કરોડ ૬૯૦૦૦થી વધુની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી છે. જેમાં સ્થાનિક અરજીઓ તથા એફ.આઈ.આર પરથી ૪ લાખ ૨૩હજારની રોકડ રકમ પરત પણ અપાવી દીધી છે. તથા નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અરજીઓ પરથી ૧ કરોડ ૯૩ લાખ ૫૪ હજારની રકમ પરત અપાવવાની કામગીરી ચાલુ  છે. ૩૧/૦૭/૨૪ ના રોજ ૦૨ ગુના દાખલ થયેલ છે જેમા કુલ રૂ.૭૫,૩૬,૦૦૦/- રૂપીયાનુ ફ્રોડ થયેલ હોય જેમાથી રૂ.૩૧,૦૦,૦૦૦/-હોલ્ડ થયેલ છે જે પરત અપાવવાની કામગીરી હાલ પો.સ્ટે ખાતેથી કરવામા આવેલ છે.  તેમ જિલ્લા પોલીસ વડા દ્વારા વિગતો આપવામાં આવી હતી. તેમજ સાયબર સેલની સમગ્ર ટીમને જિલ્લા પોલીસવડાએ અભિનંદન પાઠવ્યા હતા. 

  
જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અને જનજાગૃતિ માટે ચાલુ વર્ષે ૧૯ જેટલા સેમીનાર યોજવામાં આવ્યા હતા. સાથો સાથ આ બાબતે લોકોને સાયબર ફ્રોડ અંગેની વિશેષ જાણકારી અને માહિતી મળે તે પ્રમાણેની તાલીમ પણ આપવામાં આવી રહી છે.


જો આપની સાથે પણ સાઇબર ક્રાઇમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 નંબર ઉપર ફોન કરવો તેમ જ નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર www.cybercrime.gov.in  ઉપર પણ જાણ કરી શકાય છે આ હેલ્પલાઇન 24 x 7 દરમ્યાન કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઇપણ નાગરીક કોઇપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઇન ફરીયાદ આપી શકે છે. આ ઓનલાઇન ફરીયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, જામનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. સાયબર ફ્રોડના કિસ્સામાં સર્વે નાગરિકોને તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું હતું. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application